પ્રભો! અંદર એક સમયમાં જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ભરેલો તારો આત્મા જ તને શરણ છે; તેને ઓળખ, ભાઈ!
એકલા સંયોગોની સામે જોઈને દુઃખની વેદનામાં તરફડે છે...તેના ભાઈને પૂછે છે કે, ‘અરે ભાઈ! કોઈ શરણ!!
આ ઘોર દુઃખમાં કોઈ સહાયક!! ..... કોઈ આ વેદનાથી છોડાવનાર!!! ત્યાં સમકિતી ભાઈ કહે છે કે–અરે
બંધુ! કોઈ સહાયક નથી; અંદરમાં ભગવાન ચૈતન્ય જ આનંદથી ભરેલો છે તેની ભાવના જ આ દુઃખથી
બચાવનાર છે; ચૈતન્યની ભાવના વિના બીજું કોઈ દુઃખથી બચાવનાર નથી, બીજું કોઈ સહાયક નથી. આ દેહ, ને
આ પ્રતિકૂળ સંયોગો એ બધાયથી પાર ચૈતન્યસ્વરૂપી આત્મા છે,–આવા ભેદજ્ઞાનની ભાવના સિવાય જગતમાં બીજું
કોઈ દુઃખથી બચાવનાર નથી. કોઈ શરણ નથી; માટે ભાઈ! એક વાર સંયોગને ભૂલી જા....ને અંદર ચૈતન્ય તત્ત્વ
આનંદસ્વરૂપ છે તેની સન્મુખ જો. તે એક જ શરણ છે. પૂર્વે આત્માની દરકાર કરી નહિ ને પાપ કરતાં પાછું
વાળીને જોયું નહિ તેથી આ નરકમાં અવતાર થયો....હવે તો આ જ સ્થિતિમાં હજારો વર્ષનું આયુષ્ય પૂરું કર્યે
છૂટકો....સંયોગ નહિ ફરે, તારું લક્ષ ફેરવી નાંખ! સંયોગથી આત્મા જુદો છે તેના ઉપર લક્ષ કર. સંયોગમાં તારું
દુઃખ નથી; તારા આનંદને ભૂલીને તેં જ મોહથી દુઃખ ઊભું કર્યું છે, માટે એક વાર સંયોગને અને આત્માને ભિન્ન
જાણીને, સંયોગની ભાવના છોડ ને ચૈતન્યમૂર્તિ આત્માની ભાવના કર. હું તો જ્ઞાનમૂર્તિ–આનંદમૂર્તિ છું. આ સંયોગ
અને આ દુઃખ બંનેથી મારો આત્મસ્વભાવ જુદો, જ્ઞાનઆનંદની મૂર્તિ છે,–આમ આત્માનો નિર્ણય કરીને તેની
ભાવના કરવી તે જ દુઃખના નાશનો ઉપાય છે. ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. ‘જ્યાં દુઃખ
કદી ન પ્રવેશી શકતું ત્યાં નિવાસ જ રાખીએ...’ ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં આનંદનું વેદન છે, તેમાં
દુઃખનો પ્રવેશ નથી....એવા ચૈતન્યમાં એકાગ્ર થઈને નિવાસ કરવો તે જ દુઃખથી છૂટકારાનો ઉપાય છે. કષાયોથી
સંતપ્ત આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન જ તેનાથી છૂટવાનો ઉપાય છે; માટે હે બંધુ! સ્વસ્થ થઈને તારા
આત્માની ભાવના કર.....તેના ચિંતનથી તારા દુઃખો ક્ષણ માત્રમાં શાંત થઈ જશે.
આતાપથી બચવા હું મારા ચૈતન્ય તત્ત્વની શાંત....ઉપશાંત....આનંદ ઝરતી છાયામાં જ જાઉં છું....મારા
ચૈતન્યસ્વભાવની જ ભાવના કરું છું.