Atmadharma magazine - Ank 162
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
અગમ:
મારો આત્મા એક શુદ્ધ જ્ઞાનદર્શન લક્ષણસ્વરૂપ છે, આ સિવાય જે બાહ્ય ભાવો રાગાદિ શરીરાદિ–છે તે
બધાય મારાથી ભિન્ન સંયોગ લક્ષણવાળા છે, –આ રીતે લક્ષણ દ્વારા પરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા આગમોમાં
બતાવ્યો છે, તે અનુસાર જાણીને હું તેનું વર્ણન કરીશ.
અનુમાન – યુક્તિ:
દેહ અને આત્મા ભિન્ન છે, કેમ કે બંનેના લક્ષણ ભિન્ન છે, જેનાં લક્ષણો જુદાં હોય તે ચીજો જુદી હોય છે,
જેમ કે અગ્નિ અને પાણી; આત્મા તો ઉપયોગ–લક્ષણી છે ને દેહાદિ તો ઉપયોગ રહિત અચેતન છે, માટે બંને
ભિન્નભિન્ન છે. કોઈને દેહ નાનો હોય છતાં બુદ્ધિ ઘણી હોય, ને કોઈને દેહ મોટો હોય છતાં બુદ્ધિ થોડી હોય–એમ
દેખાય છે; જો દેહ અને બુદ્ધિ ભિન્ન ભિન્ન ન હોય તો એમ બને નહિ. માટે દેહ તો જડ છે, ને બુદ્ધિ એટલે કે જ્ઞાન
તે તો આત્માનું લક્ષણ છે, એ રીતે દેહ અને આત્મા ભિન્નભિન્ન છે. –આ પ્રમાણે યુક્તિથી હું દેહાદિથી ભિન્ન
આત્માનું સ્વરૂપ કહીશ.
દેહાદિની ક્રિયાવડે આત્મા લક્ષિત નથી થતો, તેનાથી તો જડ લક્ષિત થાય છે. આત્મા તો જ્ઞાનલક્ષણ વડે
લક્ષિત થાય છે. –એ રીતે બંને ભિન્ન છે.
વળી અંદર રાગ–દ્વેષાદિ ભાવો થાય છે તે પણ ખરેખર આત્માના જ્ઞાનલક્ષણથી ભિન્ન છે; કેમ કે રાગદ્વેષ
તો આકુળતા લક્ષણવાળા છે, તે સ્વ–પરને જાણતા નથી, બહિરમુખ ભાવ છે, ને જ્ઞાનસ્વભાવ તો શાંત અનાકુળ
છે, અંતર્મુખ થવાનો તેનો સ્વભાવ છે, સ્વપરને જાણવાનો તેનો સ્વભાવ છે, આ રીતે ભિન્ન લક્ષણ દ્વારા
રાગાદિથી જ્ઞાનને ભિન્ન જાણીને, તે જ્ઞાનલક્ષણવડે આત્માને રાગાદિથી ભિન્ન ઓળખવો, સર્વ પ્રકારના લક્ષણવડે
અનુમાનથી–યુક્તિથી આત્માને દેહાદિથી જુદો ને રાગાદિથી જુદો જ્ઞાનદર્શનસ્વરૂપ નક્કી કરવો.
ચિત્તની એકાગ્રતા – અનુભવ
આગમથી અને યુક્તિથી જે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કર્યો તેમાં એકાગ્ર થઈને તેનો સાક્ષાત્
અનુભવ કર્યોં, –આવા અનુભવપૂર્વક હું ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ;–કોને? કે જે આત્માના આનંદનો
અભિલાષી છે તેને!
આ રીતે આગમથી યુક્તિથી ને અનુભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી.ા૩ા
સં તો નો સં દે શ
ધર્મ માટે બાહ્યસાધનોની શોધમાં ભટકતા જીવોને સંતોનો સંદેશ
છે કે –
હે જીવ શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ માટે તારા સ્વભાવ સિવાય
બીજા કોઈ સાધનો સાથે તારે ખરેખર સંબંધ નથી, શુદ્ધ – અનંત
શક્તિવાળો તારો જ્ઞાનસ્વભાવ જ તારા ધર્મનું સાધન છે, તેથી
સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિને માટે તું અનંતશક્તિસંપન્ન
તારા જ્ઞાનસ્વભાવને એકને જ સાધનપણે અંગીકાર કર. ને એના
સિવાય બીજા કોઈ પણ સાધને શોધવાની વ્યગ્રતા છોડ. આત્મા
સિવાય બીજા સાધને શોધવું તેમાં તારી પરતંત્રતા છે. સર્વપ્રકારે
સાધનરૂપ થઈને સ્વયં ધર્મરૂપે પરિણમવાને સમર્થ એવા તારા ‘સ્વયંભૂ
ભગવાન’ ને જ અંતર્મુખ થઈને શોધ. બીજાું કાંઈ શોધ મા!