Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૯ :
શક્તિનો વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને તે પોતાની ચૈતન્યશક્તિમાં લીન
થઈને તેમાંથી પરમાત્મ દશા પ્રગટ કરે છે.
જેઓ પરમાત્મા થયા તેમને પણ પૂર્વે બહિરાત્મદશા હતી, પછી પોતાની પરમાત્મશક્તિનું શ્રવણ કરતાં
તેનું બહુમાન લાવીને, તેની સન્મુખ થતાં તે બહિરાત્મપણું ટળ્‌યું ને અંતરાત્મપણું થયું, ને પછી સ્વભાવમાં લીન
થઈને તેઓ પરમાત્મા થયા. આ રીતે પહેલાંં જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને
અંતરાત્મા થઈને પરમાત્મા થયા. આવી પરમાત્મા થવાની તાકાત દરેક આત્મામાં છે. અભવ્યમાં પણ એવી
તાકાત છે, પણ તે પોતાની શક્તિની પ્રતીત કદી કરતો નથી તેથી તેને તે કદી વ્યક્ત થતી નથી. કોઈ એમ કહે કે
અભવ્ય જીવમાં કેવળજ્ઞાનની શક્તિ નથી. –તો તે વાત જુઠ્ઠી છે. અભવ્યને પણ કેવળજ્ઞાનાવરણીયકર્મ તો છે કે
નહીં? જો કેવળજ્ઞાન શક્તિ ન હોય તો તેને આવરણ કરનારું કર્મ કેમ હોય? અનાદિથી બધાય જીવોને
કેવળજ્ઞાનાવરણીય કર્મ છે, ને આત્મામાં કેવળજ્ઞાનાદિ પરમસ્વભાવ પણ અનાદિથી જ છે. તે સ્વભાવની પ્રતીત
કરીને તેમાં જે લીન થાય છે તેને તે કેવળજ્ઞાનાદિ શક્તિ પ્રગટી જાય છે અને કેવળજ્ઞાનાવરણીય વગેરે કર્મો છૂટી
જાય છે. અહીં તો એમ બતાવવું છે કે તારા આત્મામાં અત્યારે પણ પરમાત્મદશા પ્રગટવાની તાકાત પડી છે,
તેની પ્રતીત કર, ને બહિરાત્મબુદ્ધિ છોડ.
દર્શનમોહ સંબંધી સમ્યક્ત્વમોહ પ્રકૃતિ તથા સમ્યક્મિથ્યાત્વ પ્રકૃતિ એ બે પ્રકૃતિ તો અનાદિ મિથ્યાદ્રષ્ટિને
હોતી નથી, તે તો સમ્યક્ત્વ પામેલા અમુક જીવને જ હોય છે, અનાદિ મિથ્યાદ્રષ્ટિને તો એકલી મિથ્યાત્વ પ્રકૃતિ
જ હોય છે, બીજી બે પ્રકૃતિ તેને નથી હોતી; –પરંતુ તેની જેમ અનાદિ મિથ્યાદ્રષ્ટિને કે અભવ્યને કેવળજ્ઞાનાવરણ
તથા મનઃપર્યયજ્ઞાનાવરણ કર્મપ્રકૃતિઓ પણ નથી–એમ નથી; પહેલેથી ઠેઠ બારમા ગુણસ્થાન સુધીના બધાય
જીવોને પાંચે જ્ઞાનાવરણકર્મ હોય છે, અને ઠેઠ દસમા ગુણસ્થાનના અમુક ભાગ સુધી જ્ઞાનાવરણની પાંચે
પ્રકૃતિઓ બંધાયા જ કરે છે. આ બંધન ઉપરથી અહીં સિદ્ધ એમ કરવું છે કે બધાય આત્મામાં તે કેવળજ્ઞાનાદિ
શક્તિરૂપે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ”–શક્તિપણે બધાય આત્મા પરિપૂર્ણ, સિદ્ધભગવાન જેવા સામર્થ્યવાળા
છે,–પણ ‘જે સમજે તે થાય”– પોતાની સ્વભાવશક્તિને જે સમજે તેને તે શક્તિમાંથી પરમાત્મદશા પ્રગટે છે.
મારા આત્મામાં પરમાત્મા થવાની તાકાત છે ને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરવી તે ઉપાદેય છે. આવી
શક્તિની પ્રતીત કરતાં બહિરાત્મપણું છૂટીને અંતરાત્મપણું થાય છે ને તે પરમાત્મા થવાનો ઉપાય છે. આ રીતે
બહિરાત્મપણું છોડવા જેવું છે, પરમાત્મપણું પ્રગટ કરવા જેવું છે ને અંતરાત્મપણું તેનો ઉપાય છે.
પરમાત્મ શક્તિથી પરિપૂર્ણ એવા પોતાના આત્મસ્વભાવને ભૂલીને ‘દેહ તે હું, રાગ તે હું’ એવી
બર્હિઆત્મબુદ્ધિથી એટલે કે મિથ્યાબુદ્ધિથી જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, ને તે દુઃખનું
જ કારણ છે તેથી તે બહિરાત્મબુદ્ધિ છોડવા જેવી છે. બહિરાત્મબુદ્ધિ છોડવાનો ઉપાય શું? કે અંતરાત્મપણું તે
બહિરાત્મપણાના ત્યાગનો ઉપાય છે. હું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છું, જ્ઞાનદર્શનસ્વરૂપ એક શાશ્વત આત્મા જ મારો
છે, એ સિવાય સંયોગલક્ષણરૂપ કોઈ ભાવો મારા નથી, તેઓ મારાથી બાહ્ય છે–એમ ભેદજ્ઞાન કરીને, આત્માના
અંર્તસ્વભાવમાં આત્મબુદ્ધિ કરવી તે અંતરાત્માપણું છે. આવા અંતરાત્મપણારૂપ સાધનવડે પરમાત્મદશા પ્રગટ
કરવાનો ઉપાય કરવો જોઈએ.
।। ।।