: ૧૨ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
અસ્તિત્વ બધાય પદાર્થોમાં છે, તેથી તે સામાન્ય ધર્મ છે. એકલા અસ્તિત્વથી આત્માનું અન્ય દ્રવ્યથી જુદું સ્વરૂપ
લક્ષમાં આવતું નથી.
આત્મા છે તો ખરો, પણ તે કેવો છે?
–કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે. જ્ઞાનઆનંદ વગેરે ધર્મોથી જોતાં આત્મા સમસ્ત અન્ય
દ્રવ્યોથી ભિન્ન લક્ષમાં આવે છે, કેમકે આત્મા સિવાય બીજે ક્યાંય જ્ઞાન કે આનંદ નથી. આ રીતે જ્ઞાન–આનંદ તે
આત્માના અસાધારણ ધર્મ છે, આત્માની તે ખાસ વિશેષતા છે. તે વિશેષતાવડે આત્મા અન્ય દ્રવ્યોથી જુદો પડી
જાય છે. અસ્તિત્વ કહેતાં બીજા દ્રવ્યોથી આત્માની કાંઈ વિશેષતા નથી આવતી, અને જ્ઞાનસ્વરૂપ કહેતાં
આત્માની બીજા દ્રવ્યોથી ભિન્નતા–વિશેષતા ખ્યાલમાં આવે છે.
વળી આત્માને અમૂર્ત કહેવાથી પણ તેનું વાસ્તવિક સ્વરૂપ બધા પદાર્થોથી જુદું લક્ષમાં નથી આવતું,
કેમકે અમૂર્ત તો આકાશ પણ છે; અમૂર્ત કહેવાથી ફક્ત મૂર્ત–પુદ્ગલ દ્રવ્યથી અસાધારણપણું જણાય છે, માટે તે
ધર્મને સાધારણ–અસાધારણ ધર્મ કહેવાય છે.
આ રીતે, અસ્તિત્વ વગેરે સાધારણ ધર્મો, જ્ઞાન–આનંદ વગેરે અસાધારણ ધર્મો, તેમજ અમૂર્તપણું વગેરે
સાધારણ–અસાધારણ ધર્મો, એમ ત્રણે પ્રકારના ધર્મો આત્મામાં છે. “આત્મા સત્૧ ચૈતન્ય૨ અમૂર્તિક૩ છે”–એમ
કહેતાં ઉપરના ત્રણે પ્રકારના ધર્મો તેમાં આવી જાય છે.
જ્ઞાનગુણ બધાય જીવોમાં છે, તો પણ આ જીવનું જે જ્ઞાન છે તે બીજા જીવોમાં નથી, તેથી પોતાના
જ્ઞાનવડે પોતે બીજા બધા જીવથી જુદો અનુભવમાં આવે છે.
હોવાપણે આત્મા અને બધા પદાર્થો સરખા છે; પરંતુ આત્મામાં જ્ઞાન છે ને જડમાં જ્ઞાન નથી એ રીતે
આત્માની વિશેષતા છે. જેમ પુદ્ગલમાં રૂપીપણું એટલે કે સ્પર્શ–રસ–ગંધ–વર્ણ છે, તે બીજા કોઈ દ્રવ્યોમાં નથી
એટલે રૂપીપણું તે પુદ્ગલનો અસાધારણ ધર્મ છે. તેમ જ્ઞાન–દર્શન–આનંદ તે જીવમાં જ છે, ને બીજા કોઈમાં
નથી, એટલે જ્ઞાનાદિ તે જીવના અસાધારણ ધર્મો છે.
જો બધી રીતે બધી વસ્તુઓ સમાન જ હોય ને સૌ સૌના વિશેષધર્મો જુદા ન હોય તો “આ આત્મા છે
ને આ પર છે”––એમ ભિન્નપણું કઈ રીતે ઓળખાય? “આ ચીજ આત્મા છે, ને આ ચીજ આત્મા નથી” એવું
ભિન્નપણું આત્માના અસાધારણધર્મ વડે ઓળખાય છે.
વળી, અસ્તિત્વ વગેરે ગુણો જેમ આત્મામાં છે તેમ પરમાં પણ છે. આત્માના એકેય ગુણો પરમાં નથી,
પરંતુ આત્માની જાતના (અસ્તિત્વ વગેરે) કેટલાક ગુણો પરમાં છે. જો એમ ન હોય ને સર્વથા અસમાન ધર્મો જ
હોય તો આત્માની માફક પરનું અસ્તિત્વ સિદ્ધ જ ન થાય, એટલે આત્મા છે ને પરચીજ નથી, અથવા પરચીજ છે
ને આત્મા નથી–એમ થઈ જાય,–પરંતુ એમ નથી. આત્મા પણ અસ્તિરૂપ છે ને પરચીજ પણ અસ્તિરૂપ છે, આત્મા
પણ વસ્તુ છે, ને પરચીજ પણ વસ્તુ છે,–એ રીતે અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે સાધારણ ધર્મો છે. અને આત્માના
જ્ઞાન–આનંદ વગેરે ભાવો પરદ્રવ્યોમાં નથી એટલે આત્માને પરથી અસાધારણપણું–ભિન્નપણું છે.
જેમ મનુષ્ય તરીકે બધા માણસો સરખા છે, છતાં તેમાં કોઈ ક્ષત્રિય છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ વાણીયા છે,
કોઈ હરિજન છે,–એમ તેનામાં વિશેષતા છે. તેમ જડ–ચેતન બધી વસ્તુઓ અસ્તિપણે સરખી છે, પણ તેમાં કોઈ
જ્ઞાનવાળી વસ્તુ છે, કોઈ જ્ઞાન વગરની છે, કોઈ અમૂર્ત છે, કોઈ મૂર્ત છે–એમ તેમનામાં વિશેષ ધર્મોવડે વિશેષતા
પણ છે.
આત્મામાં હોવાપણું છે, જ્ઞાન છે, અમૂર્તપણું છે, તે બધા ધર્મો એક સાથે રહેલા છે. અસ્તિત્વ બધી
વસ્તુમાં સરખું છે, પરંતુ ‘સરખું’ કહેવાથી કાંઈ એક જ અસ્તિત્વ ગુણ બધી વસ્તુઓમાં વહેંચાઈ ગયેલો નથી,
દરેક વસ્તુમાં પોતપોતાનો અસ્તિત્વ ગુણ જુદો જુદો છે, એકનું અસ્તિત્વ તે બીજાનું નથી; પણ પોતપોતાનું
અસ્તિત્વપણું બધાયમાં છે તેથી તેને સમાન કહ્યું છે. જેમ માણસોને મનુષ્ય તરીકે સમાન કહ્યા તેથી કાંઈ બધા
માણસો એક થઈ ગયા નથી, દરેક માણસ જુદો જુદો જ છે. તેમ અસ્તિત્વ તરીકે બધા પદાર્થો સરખા કહ્યા, પણ
તેથી કાંઈ બધા પદાર્થો એક થઈ ગયા નથી, દરેક પદાર્થ જુદે જુદો જ છે.