Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૩ :
પરથી તો આત્મા જુદો છે, ને અંદરના અરૂપી વિકારથી પણ આત્માનો સ્વભાવ જુદો છે. જેમ આત્મા
પણ છે ને પરમાણુ પણ છે, છતાં બંને જુદા છે, કેમ કે બંનેનો સ્વભાવ જુદો છે; તેમ આ આત્મામાં ત્રિકાળશુદ્ધ
સ્વભાવ પણ છે ને ક્ષણિક વિકાર પણ છે, અસ્તિત્વ બંનેનું હોવા છતાં શુદ્ધ સ્વભાવ તે વિકારરૂપે નથી, ને
વિકાર તે સ્વભાવરૂપ નથી, એ રીતે બંનેની ભિન્નતા છે. –આ રીતે બંનેની ભિન્નતા હોવાથી, અંતર્મુખ દ્રષ્ટિવડે
વિકારથી ભિન્નતાનો અનુભવ થાય છે. જેમ વિકારને અને જ્ઞાનને જુદા પાડીને જ્ઞાન સ્વભાવનો અનુભવ થઈ
શકે છે, તેમ જ્ઞાન અને આનંદને જુદા પાડી શકાતા નથી, કેમ કે તે તો બંને આત્માના સ્વભાવરૂપ છે, તે બંને
ધર્મો આત્મામાં એક સાથે રહેલા છે, તેમને જુદા પાડી શકાય નહિ. પરંતુ વિકારને ધારણ કરી રાખવાનો કોઈ
ધર્મ આત્મામાં નથી એટલે તેને જુદો પાડી શકાય છે. વિકારથી જુદો ને પરથી જુદો આત્માનો અનુભવ થાય,
પણ જ્ઞાનથી જુદો કે આનંદથી જુદો એવો આત્માનો અનુભવ થાય નહીં.
જગતમાં શરીરાદિ અજીવ છે, રાગાદિ વિકાર પણ છે, ને જ્ઞાન સ્વભાવ પણ છે.–બધુંય છે એમ જાણવું
જોઈએ. જો તેના અસ્તિત્વને જ ન જાણે તો અજ્ઞાન છે. અને તે બધાયનું અસ્તિત્વ હોવા છતાં તેમના ભાવોની
વિશેષતાવડે તેમની ભિન્નતા પણ ઓળખવી જોઈએ; જો ભિન્નતા ન ઓળખે તોય અજ્ઞાન છે. શરીર છે પણ તે હું
નથી, રાગ છે પણ તે હું નથી, જ્ઞાન સ્વભાવ છે તે જ હું છું–એમ પરથી ને વિકારથી ભિન્ન એવા પોતાના
જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવો તે ધર્મ છે.
શરીર છે, રાગ છે, જ્ઞાન છે,
ત્રણેય હોવા છતાં, તે ત્રણેનું સ્વરૂપ સરખું નથી.
શરીર તે અજીવ છે–જ્ઞાન વગરનું છે, તેને અને જ્ઞાનને તદ્ન ભિન્નતા છે. વળી રાગ તો વિકાર છે ને જ્ઞાન
તો આત્માનો સ્વભાવ છે, એ રીતે રાગ અને જ્ઞાન એ બંને સરખાં નથી, પણ જુદા જુદા સ્વભાવવાળા છે.–આમ
ભેદજ્ઞાન કરીને શુદ્ધ જ્ઞાનાદિ અનંત શક્તિઓથી એકાકાર એવા પોતાનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
આત્મા સર્વજ્ઞત્વ શક્તિનો ધરનાર, અને પુદ્ગલ તદ્ન અચેતન,–આવો સ્વભાવભેદ છતાં અસ્તિત્વપણે
બંનેમાં સમાનતા છે.
આત્મા અસંખ્યપ્રદેશી મર્યાદિત ક્ષેત્રવાળો, અને આકાશ અનંતપ્રદેશી અમર્યાદિત ક્ષેત્રવાળું, છતાં બંનેમાં
અસ્તિત્વ સરખું છે, તેમજ અમૂર્તપણું બંનેમાં સરખું છે. અસ્તિત્વ વગેરે સમાન હોવા છતાં આત્માને પોતાના
ચૈતન્યગુણવડે આકાશ સાથે અસમાનપણું છે.
અસ્તિત્વ વગેરે સામાન્ય ગુણોવડે બધા દ્રવ્યોને સમાનતા હોવા છતાં, પોતપોતાના જ્ઞાનાદિ વિશેષ
ગુણોવડે દરેક દ્રવ્યોમાં અસમાનતા છે. એ સમાન, તેમજ અસમાન, અને સમાન–અસમાન એવા ત્રિવિધ ધર્મો
આત્મામાં એક સાથે રહેલા છે.––જો કે બધા દ્રવ્યોમાં રહેલા છે પરંતુ અહીં આત્માની પ્રધાનતા છે.
અસ્તિત્વને લીધે દરેક દ્રવ્ય અનાદિઅનંત સ્વત: સિદ્ધ ટકેલાં છે.
વસ્તુત્વને લીધે દરેક વસ્તુ પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા સહિત છે.
દ્રવ્યત્વને લીધે દરેક દ્રવ્ય પોતાની પર્યાયોના પ્રવાહપણે દ્રવે છે–પરિણમે છે.
પ્રમેયત્વને લીધે દરેક દ્રવ્ય પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થાય છે––જણાય છે.
અગુરુલઘુત્વને લીધે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્યગુણપર્યાયપણે રહે છે, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાયપણે થતું નથી.
પ્રદેશત્વ ગુણને લીધે દરેક દ્રવ્ય પોતપોતાના પ્રદેશરૂપ આકારપણે રહે છે.
––આ અસ્તિત્વ વગેરે સામાન્ય ગુણો છે, તે દરેક દ્રવ્યમાં છે. જીવ–પુદ્ગલ–ધર્મ–અધર્મ–આકાશ અને
કાળ એ છએ દ્રવ્યો આ સામાન્યગુણ અપેક્ષાએ સરખા છે અર્થાત્ સામાન્યગુણો છએ દ્રવ્યોમાં છે. અને જ્ઞાન,
રૂપીપણું, ગતિહેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહનહેતુત્વ તથા પરિણમનહેતુત્વ–ઈત્યાદિ વિશેષ ધર્મો વડે દરેક
દ્રવ્યને બીજાથી અસાધારણપણું છે. આત્મામાં અનંત ધર્મો છે