: ૬ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
જુઓ, જે આત્માર્થી હોય, આત્મા પ્રાપ્ત કરવાનું જેને રટણ હોય એવા જીવોને સંતો આત્માની સૂક્ષ્મ વાત
સંભળાવે છે.
કહે મહાત્મા, સુણ આતમા,
કહું વાતમાં વીતક ખરી;
સંસારસાગર દુઃખભર્યામાં,
અવતર્યા કર્મે કરી...
સંત–મહાત્મા કહે છે કે : અરે જીવ! તું સાંભળ! આ તારી કથા કહેવાય છે. તારો આત્મા સંસારમાં કેમ
દુઃખી થઈ રહ્યો છે ને તે દુઃખ કેમ ટળે તે હું તને કહું છું.
આ ચૈતન્ય હીરો શું છે તેનું ભાન ન કરે ને ડોકમાં ૧૭ લાખનો હીરાનો હાર પહેર્યો હોય. તે હીરો કાંઈ
મરણ ટાણે શરણ નહિ થાય. જીવને શરણરૂપ તો એક સમ્યગ્દર્શન રત્ન છે. એ રત્ન સિવાય કરોડો–અબજોની
કિંમતના રત્નો પણ અનંતવાર મળી ગયા, પણ તે કોઈ શરણભૂત ન થયા.
ભાઈ! જગતમાં તને આત્મજ્ઞાન વગર બીજું કોઈ શરણ નથી. જુઓ, આ જગતમાં પૈસા વગેરેનો
સંયોગ તો પૂર્વના પુણ્ય–પાપના પ્રારબ્ધ અનુસાર થાય છે. કોઈ જીવ અત્યારે મહાપાપી હોય–દંભી હોય છતાં
પૂર્વના પ્રારબ્ધથી લાખો રૂા. પેદા કરતા હોય ને લહેર કરતો દેખાય; ને કોઈ જીવ સરળ હોય–પાપથી ડરનારો
હોય છતાં પૂર્વના અશુભ પ્રારબ્ધને લીધે અત્યારે રોટલાના પણ સાંસા પડતા હોય. ભાઈ! એ તો પૂર્વના
પ્રારબ્ધ અનુસાર મળે છે. પણ આ આત્મા કાંઈ પ્રારબ્ધથી નથી મળતો, પોતે સત્સમાગમે ચૈતન્યસ્વરૂપ
સમજવાનો પ્રયત્ન કરે તો આત્માનું ભાન થાય છે. આવું આત્માનું ભાન કરવું તે જ જીવને શરણભૂત છે; એ
સિવાય લક્ષ્મીના ઢગલા કે બીજું કોઈ જીવને શરણભૂત નથી.
ચૈતન્યસ્વરૂપને ભૂલેલા જીવો પુણ્ય–પાપથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જેઓ પુણ્ય કરે છે તેઓ દેવ
અને મનુષ્ય થાય છે; જેઓ તીવ્ર માયા–કપટ કરે છે તેઓ તિર્યંચ–ઢોર થાય છે; ને તીવ્ર હિંસાદિ પાપ કરનારા
જીવો નરકમાં જાય છે. ચૈતન્યનું ભાન કરનાર જીવ ચાર ગતિના પરિભ્રમણથી છૂટીને સિદ્ધિ પામે છે.
આ શરીરની નાડીની ગતિ કેવી ચાલે છે ને કેટલા ધબકારા થાય છે–તેની પરીક્ષા કરે છે, પણ અંદર
આત્મા રહેલો છે તેની ગતિ કેવી થાશે?–તેનો કદી વિચાર પણ જીવ કરતો નથી. કઈ જમીનમાં કેવું અનાજ
ઊગશે તે વિચારે છે, પણ આત્મામાં હું જે ભાવ સેવી રહ્યો છું તેનું ફળ કેવું ઊગશે–તેનો વિચાર કરતો નથી.
છાંયો પૂરો થતાં જ જેમ તડકો શરૂ થાય છે; તેમ આ ભવ પૂરો થતાં જ જીવને બીજા ભવની શરૂઆત
થાય છે. તે બીજા ભવમાં મારું શું થશે તેનો વિચાર પણ જીવ નથી કરતો! જુઓ, ૨૦ વર્ષનો માણસ એમ
વિચાર કરે છે કે હું ૧૦૦ વર્ષ જીવીશ તો ૮૦ વર્ષમાં મારે હવે આટલું ખરચ જોઈશે ને હું આમ કરીશ. એમ આ
ભવમાં ૮૦ વર્ષ સુધીની સગવડતાનો વિચાર કરે છે, પણ આ ભવ પૂરો થયા પછી બીજી જ ક્ષણે બીજો ભવ શરૂ
થશે, તેમાં મારું શું થશે–તેનો વિચાર કરતો નથી. તે ભવ કોનો છે? આ જીવનો જ તે ભવ છે, તો તે ભવમાં
મારું શું થશે–એનો હે ભાઈ! જરાક વિચાર તો કર! જો આ ભવ પછીના બીજા ભવનો યથાર્થ વિચાર કરવા
જાય તો ક્ષણિક દેહદ્રષ્ટિ છૂટીને ચૈતન્ય તરફ દ્રષ્ટિ થઈ જાય. ભાઈ, અહીં જરાક કાળની જરાક પ્રતિકૂળતામાં પણ
તું ધૂંવાંફૂવાં થઈ જાય છે, તો બીજા આખા ભવમાં તારું શું થશે–એનો તો વિચાર કર. જો આ ભવમાં આત્માની
દરકાર નહિ કર તો અનંતસંસારમાં તારો આત્મા ક્યાંય ખોવાઈ જશે; માટે ભાઈ! જો તને દુઃખ ખરેખર ન
ગમતું હોય તો આ દેહથી ભિન્ન આત્મા શું ચીજ છે–તેને સત્સમાગમે ઓળખ.
ગોસળિયાનું દ્રષ્ટાંત : ગામડાનો એક ભોળો ગોસળિયો શહેરમાં માલ લેવા ગયેલો...શહેરની ભીડમાં તેને
એમ ભ્રમણા થઈ ગઈ કે “હું આ ભીડમાં ખોવાઈ ગયો.” એટલે શહેરમાં ચારે કોર ફરી–ફરીને પોતે પોતાને
ઢૂંઢવા લાગ્યો...તેમ આ ભોળો અજ્ઞાની જીવ પોતે પોતાના સ્વરૂપને ભૂલીને બહારમાં પોતાને શોધે છે. તેને
જ્ઞાની સમજાવે છે કે: અરે ભાઈ! તારો આનંદ તારામાં જ છે; તું ક્યાંય ખોવાઈ નથી ગયો; તું પોતે જ જ્ઞાન–
આનંદસ્વરૂપ આત્મા છો. પણ ભ્રમણાથી તું તને પોતાને ભૂલીને સંસારમાં ભટક્યો, માટે તારા આત્માને ચૈતન્ય
ચિહ્નથી તું ઓળખ.
અરે! આવો અવતાર પામીને જીવોને આત્માનું