Atmadharma magazine - Ank 165
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૮૩ :
તે જાતનો વિકલ્પ હોય છે તેની વાત છે. પણ પરમાર્થે આ બ્રહ્મસ્વરૂપ–ચૈતન્યસ્વરૂપ આત્મા રાગના સંગથી પણ
રહિત છે–રાગથી પણ વિવિક્ત છે,–એમ જે જાણતો નથી, ને રાગના સંગથી લાભ માને છે તેને ખરેખર
‘વિવિક્તશય્યાસન’ નથી પણ વિકારમાં જ શય્યાસન છે. ભલે તે જંગલમાં એકાંત ગુફામાં એકલો પડ્યો રહેતો
હોય તો પણ અંતરમાંથી રાગનો સંગ છૂટયો નથી તેથી તેને ખરેખર વિવિક્તશય્યાસન હોતું નથી, અને
પરમાત્મા રાગાદિથી કેવા વિવિક્ત છે તેને પણ તે ઓળખતો નથી.
અહીં તો ભગવાન પરમાત્માના સ્વરૂપની ઓળખાણ સહિત તેમના અનેક નામોની વાત છે. આત્મામાં
અનંત ગુણો છે, તેના ગુણોની અપેક્ષાએ તેને ભિન્નભિન્ન અનેક નામેથી કહેવામાં આવે છે. તેમાંથી કેટલાક નામો
તો ઉપર કહ્યાં; તે ઉપરાંત સર્વના જ્ઞાતા હોવાથી ભગવાનને ‘સર્વજ્ઞ’ કહેવાય છે, સહજ અત્મિક આનંદ સહિત
હોવાથી ‘સહજાનંદી’ પણ કહેવાય છે; રાગ–દ્વેષ–મોહરૂપકલંક રહિત હોવાથી ‘નિકલંક’ અથવા ‘અકલંક’ પણ
કહેવાય છે; રાગાદિ અંજનરહિત હોવાથી નિરંજન પણ કહેવાય છે. જન્મ–જરા–મરણ રહિત હોવાથી ‘અજ–
અજર–અમર’ પણ કહેવાય છે; વળી તેઓ જ જ્ઞાનસ્વરૂપ–બોધસ્વરૂપ હોવાથી ખરા ‘બુદ્ધ’ છે; પોતાના
જ્ઞાનાનંદસ્વરૂપની મર્યાદાને ધારણ કરતા હોવાથી તેઓ જ ‘સીમંધર’ છે. આત્માનું અનંત મહાન પરાક્રમ–
વીરતા પ્રગટ કરેલ હોવાથી તેઓ ‘મહાવીર’ છે.
વ્યક્તિ તરીકે તો એક નામથી એક ભગવાન ઓળખાય પણ ગુણવાચક નામ તરીકે એક નામ કહેતાં
તેમાં બધાય ભગવાન આવી જાય છે. જેમકે ‘સીમંધર’ કહેતાં વ્યક્તિ તરીકે તો મહાવિદેહના પહેલા તીર્થંકર
(સત્યવતીનંદન) ઓળખાય છે તથા ‘મહાવીર’ કહેતાં ભરતક્ષેત્રના છેલ્લા તીર્થંકર (ત્રિશલાનંદન) ઓળખાય
છે; પણ ગુણવાચક તરીકે તો બધાય પરમાત્મા–જિનવરોને ‘સીમંધર’ અથવા ‘મહાવીર’ કહેવાય છે, કેમકે
બધાય ભગવંતો સ્વરૂપની સીમાને ધારણ કરનારા છે ને મહાન્ વીર્યના ધારક છે–આ રીતે ગુણના સ્વરૂપથી
પરમાત્માને ઓળખવાની પ્રધાનતા છે. અને, પરમાત્માને જેટલા નામો લાગુ પડે છે તે બધાય નામો આ
આત્માને પણ સ્વભાવ–અપેક્ષાએ લાગુ પડે છે, કેમ કે સ્વભાવથી તો આ આત્મા પણ પરમાત્મા જેવો જ છે.
પરમાત્માના ગુણોને ઓળખીને પરમાત્માનું સ્વરૂપ જે જાણે તેને આત્માનું સ્વરૂપ પણ જણાયા વગર રહે નહિ.
જેટલા ગુણો પરમાત્મામાં છે તેટલા જ ગુણો આ આત્મામાં છે ને તેનો વિકાસ કરીને (એટલે કે પર્યાયમાં પ્રગટ
કરીને) આ આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે. આ રીતે આત્માના ધ્યેયરૂપ જે પરમાત્મપદ તેને બરાબર
ઓળખવું જોઈએ; ઓળખાણ વિના તેની પ્રાપ્તિ થતી નથી.
સોનગઢમાં દસલક્ષણી – પર્યુષણ પર્વ
સોનગઢમાં દરવર્ષની જેમ ભાદરવા સુદ
પાંચમ ને ગુરુવારથી શરૂ કરીને, ભાદરવા સુદ ૧૪
ને શનિવાર સુધીના દસ દિવસો દસલક્ષણીધર્મ
અર્થાત્ પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો
દરમિયાન ઉત્તમ ક્ષમા વગેરે ધર્મો ઉપર પૂ.
ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
ધાર્મિક પ્રવચના ખાસ દિવસો
શ્રાવણ વદ ૧૩ ને ગુરુવાર તા. ૨૨ થી શરૂ
કરીને ભાદરવા સુદ પાંચમ ને ગુરુવાર તા. ૨૯
સુધીના આઠ દિવસો ધાર્મિક પ્રવચનના ખાસ
દિવસો તરીકે ઊજવાશે.