Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
: ૧૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
જ્ઞાયકસ્વભાવ સાથેની એકતા તૂટતી નથી, તેથી તે ‘એક જ્ઞાયકભાવ’ પણે જ રહે છે એમ કહ્યું.
જુઓ ભાઈ! આનંદ અને શાંતિ તો આત્મ વસ્તુમાં છે. આનંદ અને શાંતિ જ્યાં હોય ત્યાંથી
આવે કે બીજેથી? આનંદ અને શાંતિ અંતરમાં છે, તેમાં અંતર્મુખ થવાથી જ આનંદ અને શાંતિનો
અનુભવ થાય છે, બહારમાં કોઈના અવલંબને આનંદ કે શાંતિનું વેદન થતું નથી, અંતરમાં ભાવભાસન
થઈને સ્વભાવનો સ્વીકાર થવો જોઈએ. અનાદિથી બહિર્મુખપણે ક્ષણેક્ષણે રાગાદિ પરભાવની પક્કડ કરી
છે, તેને પલટીને પર્યાયને અંતર્મુખ કરીને જ્ઞાયકસ્વભાવનો જ્યાં સ્વીકાર થયો ત્યાં સ્વભાવના જ્ઞાન–
આનંદનું વેદન થતું. બહિર્મુખપણામાં અશાંતિ અને આકુળતાનું વેદન હતું. અંતર્મુખ થયો ત્યાં ધર્માત્માને
પોતાના જ્ઞાયકભાવ સિવાય બીજા કોઈ પણ પરભાવોની પક્કડ નથી, માટે તેને કોઈપણ પરભાવોનો
પરિગ્રહ નથી, તે એક જ્ઞાયકભાવપણાને લીધે અને સર્વ પરભાવોની પક્કડ છૂટી ગઈ હોવાને લીધે
અત્યંત નિષ્પરિગ્રહી છે. આમ અંતરમાં જ્ઞાયકભાવની પક્કડ થઈ છે, ત્યાં બહારના સમસ્ત પરભાવોની
પક્કડ છૂટી ગઈ છે, એ રીતે જ્ઞાની ને પરભાવોંનો જરાપણ પરિગ્રહ નહિ હોવાથી તેને નિર્જરા જ છે.
જેને જ્ઞાયકભાવની પક્કડ નથી ને રાગાદિ પરભાવોની પક્કડ છે તે અજ્ઞાની છે, ને તેને જ બંધન થાય છે.
જ્ઞાની ધર્માત્માને અંતરમાં જ્ઞાયકભાવ સાથેની એકતામાં રાગનો વિયોગ છે. હજી રાગ વર્તતો
હોવા છતાં તે રાગની ક્ષણે પણ ધર્મીને જ્ઞાયકસ્વભાવમાં જ એકતા છે ને રાગમાં એકતા નથી, માટે તેને
રાગનો વિયોગ છે. અને રાગનો વિયોગ હોવાથી પરદ્રવ્યનો સંયોગ તેને બંધનું કારણ થતો નથી, તેને
નિર્જરા જ થાય છે. જ્ઞાનીની દ્રષ્ટિનો સંબંધ આત્મા સાથે જોડાયો છે ને પરસાથેનો સંબંધ તૂટી ગયો છે,
તેથી પરદ્રવ્યનો પરિગ્રહ જ્ઞાનીને નથી, ને પરિગ્રહ નહિ હોવાથી તેને બંધન પણ થતું નથી, એટલે તેને
નિર્જરા જ થાય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી, ને રાગાદિ સાથે તથા પર સાથે એકતા
માનીને તેનો પરિગ્રહ કરે છે, તેનો એ પરસાથેનો મમત્વભાવ જ તેને બંધનું કારણ છે.
ભાઈ! તારું હિત કેમ થાય તેની આ વાત છે, તે એક વાર તું લક્ષમાં લે. અંતરમાં તારી ચીજ શું
છે તેની ઓળખાણ વગર બહારથી હિત આવે તેમ નથી. તારા હિતનું ધામ તો તારા આત્મામાં જ છે,
મારો આત્મા જ હિતનો ભંડાર છે, મારા આત્મા સિવાય આખા જગતમાં બીજા કોઈના આશ્રયે મારું
હિત નથી–એમ દ્રઢ નિર્ણય તો કર. જો આવો યથાર્થ નિર્ણય હશે તો પરિણતિનો વેગ અંર્તમુખ વળશે;
ને અંતર્મુખ વલણથી જ અપૂર્વ હિતની પ્રાપ્તિ થશે. અનંતઅનંત કાળના બહિર્મુખ વલણથી જે હિત પ્રાપ્ત
નથી થયું, તે અપૂર્વ હિતની પ્રાપ્તિ ક્ષણમાત્રમાં અંતર્મુખ વલણવડે થશે. અંતર્મુખ શોધ કરી કરીને જ
સંતોએ પોતાના પરમ હિતને સાધ્યું છે, ને તેઓ એ અંતર્મુખ થવાનો જ ઉપદેશ આપ્યો છે. આ અંતર્મુખ
થવાનો ઉપદેશ તે જ હિતોપદેશ છે; આ સિવાય બહિર્મુખપણાથી લાભ થવાનું જે કહેતા હોય તે
હિતોપદેશ નથી પણ મિથ્યા ઉપદેશ છે–એમ સમજવું.
ધર્મીને કેવી અંત્ પરિણતિથી નિર્જરા થાય છે, તેની આ વાત છે; નિર્જરા એટલે ક્ષણેક્ષણે શુદ્ધિની
વૃદ્ધિ, અશુધ્ધતાનો નાશ, અને કર્મોનું ઝરી જવું. “હું જ્ઞાન સ્વભાવ છું” એવી અંતરમાં જ્ઞાનસ્વભાવની
પકડને લીધે ક્ષણે ક્ષણે શુધ્ધતા જ થતી જાય છે. રાગ હોવા છતાં એક ક્ષણ પણ જ્ઞાનસ્વભાવની અધિકતા
છૂટીને રાગની અધિકતા ધર્મીને થતી નથી માટે ધર્મીને બંધન હોતું નથી પણ નિર્જરા જ થતી જાય છે.
ધર્મી જાણે છે કે હું તો એક જ્ઞાનભાવ જ છું, જ્ઞાનથી ભિન્ન કંઈ પણ મારું નથી; પરનાં કાર્યો
મારાં નથી. આવા સમ્યગ્જ્ઞાનવંત ધર્મી રાગથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળા છે; જેમ કમળ પાણીમાં
રહ્યું છતાં તે પાણીથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે તેમ જ્ઞાની રાગથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો
છે; રાગથી જ્ઞાન લેપાઈ જતું નથી, પણ રાગના ત્યાગરૂપ સ્વભાવે જ તે વર્તે છે. આ રીતે ભેદજ્ઞાનના
બળે જ્ઞાનીને સહજ વૈરાગ્ય હોય છે અને આવા જ્ઞાન–વૈરાગ્યના બળે તેને નિરંતર નિર્જરા જ થાય છે.