Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 25

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાસની તાકાત છે, તે જ પ્રયોગથી પ્રગટે છે. તેમ સર્વજ્ઞપદ અને
સિદ્ધપદ પ્રગટવાની તાકાત આત્મામાં જ છે, તે સાચી સમજણના પ્રયોગવડે પ્રગટે છે. મારો આનંદ મારામાં જ
છે, એમ ઓળખાણ કરતાં આનંદરૂપી મંગળની પ્રાપ્તિ થાય છે અને મમકારરૂપી પાપનો નાશ થાય છે. આ રીતે
ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે. બાકી લૌકિકમાં લગ્ન થાય કે પુત્રજન્મ થાય કે દુકાન માંડે–તેને મંગળ કહેવાય છે, પણ
તે ખરું મંગળ નથી; આત્માનું જ્ઞાન કરતાં અવિનાશી સુખ મળે છે ને દુઃખ ટળે છે–તે જ ખરું માંગલિક છે.
હે જીવો! આ આયુષ્યની શીશી ફૂટી તો પછી ફરીને રેણથી સાંધી શકાશે નહિ; આયુષ્ય અલ્પ છે ને
મનુષ્ય જીવન દુર્લભ છે, માટે તમે પ્રમાદ ન કરો. આત્માનું હિત કેમ થાય? તે ધર્મ સમજવાનો પ્રયત્ન કરો. કયા
ભાવથી સ્વર્ગ–નરક મળે? કયા ભાવથી તિર્યંચ કે મનુષ્ય અવતાર મળે? તેની પણ જેને હજી ખબર ન હોય,
તેને મુક્તિ કયા ભાવે થશે એની તો ક્યાંથી ખબર હોય?
આ આત્મામાં સર્વજ્ઞ પરમાત્મા થવાની તાકાત છે. આ દેહ તો જડ ઢીંગલું છે, તેમાં ક્યાંય આત્માની
શાંતિ કે સુખ નથી. સુખ–શાંતિ અને જ્ઞાન તો આત્મામાં ભર્યાં છે. પણ જીવને પોતાના સ્વભાવનો ભરોસો નથી
આવતો. મારામાં પ્રભુતા ભરી છે–એમ તેને વિશ્વાસ નથી આવતો, ને બહારમાં જ સુખ શોધે છે. સંતો સમજાવે
છે કે ભાઈ! તારા ચૈતન્ય તત્ત્વમાં જ અતીન્દ્રિય આનંદનો રસ પડ્યો છે, તેને એક વાર જાણ તો ખરો! હરડે
વગેરેના ગુણો જાણે છે કે સમ્મેદશિખરની હરડે બહુ ઊંચી! પણ આ ભગવાન આત્મામાં ઊંચી સર્વજ્ઞતાની
તાકાત ભરી છે, તેને ઓળખતો નથી. આત્મામાંથી પરિપૂર્ણ શક્તિ પ્રગટ કરીને જીવો સર્વજ્ઞ પરમાત્મા થયા;
એવા સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં ધર્મનો ઉપદેશ આવે છે, તે ધર્મનું શ્રવણ કરવા માટે સ્વર્ગના દેવો અને ઈન્દ્રો
પણ તલસે છે, ને તેમના સ્વર્ગમાંથી આ મનુષ્યલોકમાં ઊતરીને ભગવાનની વાણીમાં ધર્મનું શ્રવણ કરે છે, તો હે
ભાઈ! દેવો પણ જે ધર્મનું શ્રવણ કરવા માટે સ્વર્ગ છોડીને અહીં આવે છે, એવા ધર્મનું શ્રવણ કરવા માટે તું
નિવૃત્તિ લે ને સત્સમાગમ કર. આ દેહ તો ક્ષણભંગુર છે ભાઈ! એક વાર ઊઠ્યો તે રાતે પાછો નહિ સૂએ; અને
એક વાર સૂતો તે પાછો સવારે નહિ ઊઠે;–આવો ક્ષણભંગુર આ અવતાર છે; તેમાં આત્માના હિતનો ઉપાય કર,
ભાઈ! મોટો રાજા પણ તું અનંતવાર થયો, પરંતુ તે કાંઈ અપૂર્વ નથી. અપૂર્વ તો આત્માનું જ્ઞાન કરીને ભવનો
અંત લાવવો તે જ છે. આત્માનું જ્ઞાન કરે તો અંદરથી પોતાને એવી સાક્ષી આવી જાય કે હવે અલ્પ કાળમાં
મારી મુક્તિ થઈ જશે, હવે આ સંસારમાં ઝાઝા ભવ કરવાના નથી, પણ તે માટે ઘણી પાત્રતા અને ઘણી
ધગશથી સત્સમાગમે આત્માના હિતનો વિચાર કરવો જોઈએ કે––
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું!
કોના સંબંધે વળગણા છે! રાખું કે એ પરિહરું!
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યાં.
(અહીં ઘણી વૈરાગ્યભરેલી વાણીથી ગુરુદેવ કહે છે કે:) અરે! ધર્મ સમજવા માટે ધર્માત્મા કોણ છે?
ધર્મનું શું સ્વરૂપ તેઓ કહે છે? તેનો વિચાર તો કરો. અનંતકાળનું પરિભ્રમણ મટાડવાનો વાત સંતો–જ્ઞાનીઓ
સમજાવે છે–તે શું છે? તેને લક્ષમાં તો લ્યો! વિચાર તો કરો કે–અરેરે! અનંતઅનંતકાળથી મારો આત્મા આ
અવતારમાં રઝળી રહ્યો છે, તો હવે મારું આ રઝળવાનું કેમ ટળે? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે કે જે
સમજવાથી મારું પરિભ્રમણ ટળે ને મને શાંતિ થાય!! –આમ અંતરમાં વિચાર કરીને જો આત્માનું સ્વરૂપ
ઓળખે તો આત્માને એવો આનંદ આવે કે સ્વર્ગમાં પણ જેની ગંધ નથી... અનંતકાળમાં જે આનંદનો સ્વાદ
સ્વર્ગમાં પણ જીવે નહોતો ચાખ્યો એવા અપૂર્વ આનંદનો અનુભવ જીવને ધર્મ સમજતાં જ થાય છે અને તેને
ભવના અંતની તૈયારી થાય છે. આવા ધર્મનું સ્વરૂપ શું છે? તે હવે કહેવાશે.