: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૯ :
સમ્યગ્દ્રષ્ટિ
નિઃશંક અને નિર્ભય હોય છે
[સમયસાર નિર્જરા અધિકાર ઉપરના પ્રવચનોમાંથી
વીર સં. ૨૪૮૩, જેઠ વદ ૮–૯–૧૦]
(ગતાંકથી ચાલુ : લેખાંક બીજો)
સમ્યગ્દર્શન શું સંયોગના અવલંબને થયું છે કે સંયોગ તેનો
નાશ કરે? –નહિ; સમ્યગ્દર્શન તો સ્વભાવના અવલંબને થયું છે, તેથી
જ્ઞાનસ્વભાવના અવલંબને ધર્મી નિઃશંકપણે વર્તે છે, બાહ્ય સંયોગના
ભયથી તે કદી સ્વરૂપમાં શંક્તિ થતા નથી. જ્યાં નિઃશંકતા અને
નિર્ભયતાથી ઝગઝગતો સમ્યક્ત્વરૂપી સૂરજ ઊગ્યો ત્યાં તે સૂરજનો
પ્રતાપ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે. સમકિતી
અલ્પકાળમાં જ સર્વકર્મનો ક્ષય કરીને પરમ સિદ્ધપદને પામે છે તે
તેના સમ્યગ્દર્શનનો પ્રતાપ છે.
હું સહજ જ્ઞાન ને આનંદસ્વરૂપ છું–એવી જેને અંતર્દ્રષ્ટિ થઈ છે–એવા સમ્યગ્દ્રષ્ટિ જીવો અત્યંત નિઃશંક
અને નિર્ભય હોય છે;–કેમ? –કારણ કે તેઓ પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ સિવાય સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે અત્યંત
નિરપેક્ષપણે વર્તે છે; રાગાદિ થાય તેની પણ અપેક્ષા નથી એટલે કે આ રાગ મને કાંઈ લાભ કરશે એવી જરાપણ
બુદ્ધિ નથી. હું તો રાગથી પાર જ્ઞાન સ્વરૂપ જ છું, એ સિવાય બીજું કાંઈ મારું છે જ નહિ––આ પ્રમાણે અત્યંત
નિઃશંક દ્રઢ નિશ્ચયવાળા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ જીવો અત્યંત નિર્ભય છે; સાત પ્રકારના ભય તેમને હોતા નથી.
(સાત પ્રકારના ભયમાંથી આ લોક, પરલોક અને વેદના એ ત્રણ ભયના અભાવ સંબંધી વિવેચન પૂર્વે કહેવાઈ
ગયું છે; તે ઉપરાંત અરક્ષા, અગુપ્તિ, મરણ અને અકસ્માત–એ ચાર પ્રકારના ભયનો પણ સમ્યગ્દ્રષ્ટિને અભાવ
હોય છે, તેનું આ વિવેચન ચાલે છે.)
(૪) સ્વત: સિદ્ધજ્ઞાનને અનુભવતા જ્ઞાનીને
અરક્ષાનો ભય હોતો નથી
જ્ઞાનને અરક્ષાનો ભય હોતો નથી; પ્રતિકૂળતા આવી પડશે તો મારી રક્ષા કેમ થશે–એવો ભય જ્ઞાનીને
હોતો નથી, કેમ કે તે જાણે છે કે હું તો જ્ઞાનસ્વરૂપ છું; બહારની પ્રતિકૂળતા આવીને મારા જ્ઞાનસ્વરૂપનો નાશ
કરે–એમ નથી, મારું જ્ઞાન તો સ્વત: રક્ષાયેલું છે, તેમાં પ્રતિકૂળતાનો પ્રવેશ જ નથી. આ રીતે નિઃશંકતા હોવાને
લીધે જ્ઞાનીને અરક્ષા ભય હોતો નથી, ––એમ હવે કહે છે––
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति–
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः।
अस्यात्राणमतो न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।
ધર્માત્મા જાણે છે કે મારું જ્ઞાનસ્વરૂપ સ્વયમેવ સત્ છે, અને જે સત્ છે તે કદી નાશ પામતું નથી,