Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૨૧ :
કોઈ બીજાનો પ્રવેશ જ નથી–એવું જાણતા જ્ઞાનીને સ્વરૂપની અગુપ્તિનો ભય હોતો નથી. જ્ઞાન આત્મા સાથે
સદાય એકાકારપણે જ રહેલું છે એટલે આત્મા સદાય પોતાની જ્ઞાનગુફામાં જ વસેલો છે, જ્ઞાનગુફામાં બીજા
કોઈનો પ્રવેશ જ નથી–પછી અગુપ્તિનો ભય ક્યાંથી હોય? મારા જ્ઞાનમાં કોઈ બીજો આવી શકે નહિ, ને મારું
જ્ઞાન આત્માથી જુદું પડીને બીજામાં જાય નહિ, જ્ઞાનસ્વરૂપ મારો આત્મા પોતે પોતાના સ્વરૂપમાં ગુપ્ત જ છે.
આમ નિઃશંકપણે જાણતો જ્ઞાની નિર્ભયપણે પોતાના સહજ જ્ઞાનને જ નિરંતર અનુભવે છે, તેને અગુપ્તિનો ભય
હોતો નથી.
જેમ લોકોમાં રૂપીઆ–સોનું–દાગીના વગેરે વસ્તુ સંતાડીને–ગુપ્તપણે ન રાખે તો કોઈક ઉપાડી જાય ત્યાં
પૈસાની રક્ષા ખાતર મમતાવાળાને અગુપ્તિનો ભય હોય છે, પરંતુ પૈસા તો જુદી ચીજ છે એટલે તે તો ચાલ્યા
જાય; તેની રક્ષાના લાખ ઉપાય કરે તો પણ તેની રક્ષા ન થઈ શકે. પણ અહીં જ્ઞાનમાં તેવો અગુપ્તિનો ભય નથી,
કેમકે જ્ઞાન તો આત્માથી સદા અભિન્ન હોવાથી તેને કોઈ લઈ જઈ શકતું નથી, તેથી તે તો સ્વત: રક્ષિત અને
ગુપ્ત જ છે, ––આવા નિજ સ્વરૂપને જાણતા જ્ઞાનીને અગુપ્તિનો ભય હોતો નથી.
‘ગુપ્તિ’ એટલે જેમાં ચોર વગેરે પ્રવેશી ન શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે નિર્ભયસ્થાન; તેમાં પ્રાણી
નિર્ભયપણે રહી શકે છે. જો ગુપ્ત પ્રદેશ ન હોય ને ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને ભય લાગે છે. તેમ
અહીં કહે છે કે આત્માને રહેવા માટે એવું કોઈ નિર્ભય ગુપ્તિસ્થાન ખરું? કે જેમાં આત્મા નિર્ભયપણે રહી શકે?
તો કહે છે કે હા, આત્માનું જ્ઞાનસ્વરૂપ જ આત્માની પરમગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે, કેમ કે આત્માના
જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. ––આવા આત્મસ્વરૂપને જાણતો જ્ઞાની પોતાની જ્ઞાનગુફામાં
નિર્ભયપણે વસે છે, ત્યાં તેને અગુપ્તિનો ભય હોતો નથી.
(૬) શાશ્વત ચૈતન્યપ્રાણનો અનુભવનાર જ્ઞાનીને
મરણનો ભય હોતો નથી.
प्राणोच्छेदमुदाहरंति मरणं प्राणाः किलास्यात्मनो
ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्।
तस्यातो मरणं न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निःश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।१५९।।
જ્ઞાનીને મરણનો ભય હોતો નથી, કેમકે આત્મા કદી મરતો જ નથી, આત્મા તો પોતાના ચૈતન્યપ્રાણથી
સદા જીવંત છે. ––આવા આત્માને જ્યાં નિઃશંકપણે જાણ્યો ત્યાં મરણનો ભય ક્યાંથી હોય? દેહમાં જેને
આત્મબુદ્ધિ છે એવો અજ્ઞાની જીવ, દેહમાં કાંઈક ફેરફાર થતાં ‘હાય, હાય! હું મરી જઈશ! ’ –એમ મરણથી
ભયભીત રહે છે; પણ જ્ઞાનીએ તો આત્માને દેહથી અત્યંત ભિન્ન જાણ્યો છે, ત્યાં તેમને મરણની બીક ક્યાંથી
હોય?
પ્રાણોના નાશને મરણ કહે છે. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે; તે જ્ઞાનપ્રાણ સ્વયંમેવ શાશ્વત
હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી, માટે આત્માનું મરણ થતું જ નથી. જડ પ્રાણ તે તો ખરેખર આત્માથી જુદા
છે, તે કાંઈ આત્માનું ખરું સ્વરૂપ નથી, તેથી તે જડ પ્રાણોના વિયોગથી કાંઈ આત્મા મરી જતો નથી, આત્મા તો
પોતાના સ્વાભાવિક ચૈતન્યપ્રાણથી સદા જીવી જ રહ્યો છે, ––તો પછી આવા આત્મસ્વરૂપને જાણનાર જ્ઞાનીને
મરણનો ભય ક્યાંથી હોય? જ્ઞાની તો ચૈતન્યપ્રાણથી સદાય જીવંત એવા પોતાના આત્માને નિઃશંકપણે અનુભવે
છે; ‘કોઈ સંયોગવડે મારું મરણ થઈ જશે’ એવી મરણની શંકા કે ભય તેને હોતો નથી.
જે આ ઈન્દ્રિયાદિ દસ પ્રાણો છે તે તો આત્માને સંયોગરૂપ છે, તે કાંઈ આત્માના સ્વભાવરૂપ નથી, તેથી
તે પ્રાણોના વિયોગથી કાંઈ આત્માનો નાશ થઈ જતો નથી. આત્માના સ્વભાવરૂપ પ્રાણ તો ચૈતન્ય છે, તે
ચૈતન્યપ્રાણનો આત્માને કદી વિયોગ થતો નથી તેથી આત્માનું મરણ થતું જ નથી.