Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
સમ્યગ્દર્શન શું સંયોગના અવલંબને થયું છે કે સંયોગ તેનો નાશ કરે! નહિ; સમ્યગ્દર્શન તો સ્વભાવના
અવલંબને થયું છે, તેથી જ્ઞાનસ્વભાવના અવલંબને ધર્મી નિઃશંકપણે વર્તે છે. જગતમાં સાત પ્રકારના ભય તેને
હોતા નથી. જ્ઞાન સ્વભાવ સન્મુખ થયેલા જ્ઞાનમાં, જ્ઞાનીને જ્ઞાન સિવાય બીજા કોઈ ભાવનો ઉદય થતો નથી,
રાગાદિ ભાવો જ્ઞાન સાથે કદી એકમેક થઈ જતા નથી, જ્ઞાનમાં બીજાનો પ્રવેશ જ નથી, તો જ્ઞાનીને
અકસ્માતનો ભય ક્યાંથી હોય? હું તો જ્ઞાનસ્વરૂપ જ છું, એવી નિઃશંક પ્રતીતિથી જ્ઞાની સદા નિર્ભયપણે વર્તે
છે.
મારો આત્મા અનાદિકાળથી પૂર્વે જ્ઞાનસ્વરૂપ જ હતો, કાંઈ જડસ્વરૂપ થઈ ગયો ન હતો; વર્તમાનમાં
પણ જ્ઞાનસ્વરૂપથી જ છે, ને અનંતકાળ સુધી સદાય તે જ્ઞાનસ્વરૂપ જ રહેશે. સદાય જ્ઞાનસ્વરૂપ મારા આત્મામાં
શરીરાદિનો કદી પ્રવેશ નથી. મારો આત્મા કદી જ્ઞાનસ્વરૂપથી છૂટીને શરીરરૂપ કે વિકારરૂપ થઈ ગયો નથી, આ
રીતે જ્ઞાન સદા જ્ઞાનસ્વરૂપ જ રહેતું હોવાથી તેમાં બીજાનો ઉદય જ નથી; જ્ઞાન કોઈવાર અણધાર્યું જડરૂપ કે
વિકારરૂપ થઈ જાય–એવો અકસ્માત્ જ્ઞાનમાં કદી થતો જ નથી, માટે જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવતા ધર્મીને
અકસ્માતનો ભય હોતો નથી. અકસ્માત વીજળી પડીને મારા જ્ઞાનને નષ્ટ કરી નાંખશે તો? એવો ભવ જ્ઞાનીને
હોતો નથી, કેમકે વીજળીમાં એવી તાકાત નથી કે જ્ઞાનને અન્યથા કરી શકે. (એ જ રીતે સર્પ, અગ્નિ વગેરેમાં
પણ સમજી લેવું.)
“અત્યારે તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન વર્તે છે, પણ ભવિષ્યમાં કોણ જાણે કેવો ઉદય આવે ને જ્ઞાનનો નાશ
કરી નાંખે તો! ” એવો સંદેહ કે ભય જ્ઞાનીને હોતો નથી. “જેવું વર્તમાન તેવું ભવિષ્ય” ––જેમ વર્તમાનમાં
નિઃશંકપણે હું જ્ઞાનસ્વરૂપે વર્તું છું તેમ ભવિષ્યમાં પણ હું જ્ઞાનસ્વરૂપે જ રહીશ–એમ ધર્મીને નિઃશંક શ્રદ્ધા છે,
અને નિઃશંક હોવાથી તે નિર્ભય છે, –આવી નિઃશંકતા અને નિર્ભયતાથી જ્ઞાનસ્વરૂપને અનુભવતાં તેને નિર્જરા
થતી જાય છે;––આ ધર્મ છે.
“કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? ” એવો ભય રહે તે આકસ્મિકભય છે. પણ જ્ઞાની
જાણે છે કે મારા જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉત્પન્ન જ થતું નથી, માટે જ્ઞાનમાં અણધાર્યું અકસ્માત કાંઈ
પણ થતું જ નથી. તેથી જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? જ્ઞાનમાં અકસ્માત નથી, તેમ જ્ઞેયોમાં પણ
અકસ્માત નથી, કેમ કે જગતના પદાર્થોમાં જે કાંઈ પરિણમન થઈ રહ્યું છે તે તેમના પરિણમન–સ્વભાવ
અનુસાર વ્યવસ્થિત (ક્રમબદ્ધ) જ છે. ––આવા વસ્તુસ્વભાવને જાણનાર ધર્માત્માને આકસ્મિકભય હોતો નથી.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી. ચારિત્રની અસ્થિરતાને કારણે કોઈ ભય આવી જાય તે જુદી
ચીજ છે, પણ જ્ઞાનસ્વરૂપમાં શંકાવડે થતો ભય તેમને હોતો નથી. કોઈ પ્રસંગમાં એવો ભય નથી થતો કે “અરે,
આ મારા જ્ઞાનસ્વરૂપથી મને ચ્યૂત કરી નાખશે! ” “મને મારા જ્ઞાનસ્વરૂપથી ચ્યૂત કરવા જગતમાં કોઈ સમર્થ
નથી” ––એવી નિઃશકતાને લીધે જ્ઞાની નિર્ભય છે એમ જાણવું. એવા પ્રકારનો કોઈ ભય તેને હોતો નથી કે
જેનાથી પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધાથી તે ચ્યૂત થઈ જાય! સિંહાદિનો ભય થાય તે વખતે પણ અંતરમાં તે
ભયથી પાર ચિદાનંદ તત્ત્વની નિઃશંક શ્રદ્ધા તેને વર્તે છે, અને તેથી તે નિર્ભય છે. અને કોઈ અજ્ઞાની જીવ સિંહ–
વાઘ આવે છતાં એમ ને એમ નિર્ભયપણે ઊભો રહે, સિંહ શરીરને ખાઈ જાય છતાં ડગે નહિ, પણ અંદર
રાગથી પાર ચૈતન્યતત્ત્વનું વેદન નથી ને રાગની મંદતાને ધર્મ માની રહ્યો છે, તો તે ખરેખર નિર્ભય નથી પણ
અનંત ભયમાં ડુબેલો છે; કેમકે આવા શુભ રાગ વગર મારું ચૈતન્યતત્ત્વ નહિ ટકી શકે––એવી શંકામાં જ તે
ઊભો છે. જ્ઞાની જાણે છે કે મારું ચૈતન્યતત્ત્વ પરવસ્તુ કે રાગ વગર સ્વત: જ્ઞાનસ્વરૂપે ટકેલું છે. જ્ઞાનમાંથી
રાગાદિ પ્રગટે એવો અકસ્માત કદી બનતો નથી, માટે મારા જ્ઞાનમાં અકસ્માત થતો નથી, તેથી મારા
જ્ઞાનસ્વરૂપમાં હું નિઃશંક છું––આવી નિઃશંકતાને લીધે જ્ઞાની નિર્ભય છે અને તેને બંધન થતું નથી પણ નિર્જરા
જ થાય છે.
જુઓ, આ સમ્યગ્દર્શનનો મહિમા! જ્યાં નિઃશંકતા અને નિર્ભયતાથી ઝગઝગતો સમ્યક્ત્વરૂપી સૂરજ
ઊગ્યો ત્યાં તે સૂરજનો પ્રતાપ આઠે કર્મોનો બાળીને ભસ્મ કરી નાંખે છે. સમકિતી અલ્પકાળમાં જ સર્વકર્મનો
ક્ષય કરીને પરમ સિદ્ધપદને પામે છે, તે તેના સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. સમકિતી ધર્માત્મા નિજરસથી ભરપૂર
જ્ઞાનને જ અનુભવે છે, જ્ઞાનના અનુભવમાં રાગાદિને જરા પણ ભેળવતા નથી, નિઃશંકપણે પોતાના
જ્ઞાનસ્વરૂપને રાગાદિથી અત્યંત ભિન્ન અનુભવે છે અને આ રીતે જ્ઞાનસ્વરૂપના અનુભવવડે તે સમસ્ત કર્મોને
હણી નાંખે છે ને સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.