Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
આ ચૈતન્યગોળો ભગવાન આત્મા છે તે બહારના છોતા જેવા આ જડ શરીરમાં નથી, અને અંદરની રાતી છાલ
જેવા રાગાદિ વિકારમાં પણ નથી, ચૈતન્યમૂર્તિ આત્મા તો જ્ઞાન ને આનંદરૂપી પોતાના સ્વભાવમાં જ છે. એકલી
રાતી છાલને જ ખાઈને તેને શ્રીફળનો સ્વાદ માને તો ખરેખર તેણે શ્રીફળને જાણ્યું નથી, તેમ એકલા રાગના
અનુભવને જ આત્માનો સ્વાદ જે માને તેણે ખરેખર આનંદમૂર્તિ આત્માને જાણ્યો જ નથી. રાગમાં–પુણ્યમાં
આત્માનો વિસ્તાર નથી, રાગથી તો આત્માના પરિણમનનો સંકોચ થાય છે. આત્માનો વિકાસ અને વિસ્તાર
તો પોતાની નિર્મળ પર્યાયમાં જ છે. એકલું દ્રવ્ય પોતાના અનંત ગુણપર્યાયોના વિસ્તારમાં પહોંચી વળે છતાં
પોતે એકપણું છોડીને ખંડિત ન થાય એવી આત્માની શક્તિ છે. આવી શક્તિવાળા આત્માને જાણવો તે
અપૂર્વધર્મ છે. આવા આત્માની સમજણ વગર જે ધર્મ મનાવે છે–રાગથી ધર્મ મનાવે છે–તે પોતાના ચૈતન્યમૂર્તિ
આત્માનો અનાદર કરે છે, ભગવાનના માર્ગનો અનાદર કરે છે, ને ભવભ્રમણના માર્ગને આદરી રહ્યો છે.
કોઈ મારે કે ગાળ દે છતાં ક્રોધ ન કરવો તે ધર્મ–એમ સામાન્ય મંદકષાયમાં જ મૂઢ જીવો ધર્મ માની લ્યે
છે, પણ તેમાં ચૈતન્યસ્વરૂપ આત્માના અનાદરરૂપ અનંતક્રોધ છે–તેની તેઓને ખબર નથી. ‘અરે, મારા
અશુભકર્મનો ઉદય છે, તેમાં કોઈ બીજાનો વાંક નથી’ એમ એકલા કર્મની ઓથે ક્ષમા રાખે, તો તે પણ ખરેખર
ક્ષમા નથી; તેણે આત્માને યાદ ન કર્યો પણ કર્મને યાદ કર્યું–તે જ ઊંધી દ્રષ્ટિ છે. અહો, હું તો ચૈતન્યસ્વભાવ છું.
ક્રોધ મારા સ્વભાવમાં છે જ નહિ એવું જેને સમ્યગ્ભાન છે તેને અનંતક્રોધનો નાશ થઈ ગયો છે, કદાચિત્ કોઈ
પ્રત્યે તેને ક્રોધ થાય તો પણ તે ક્રોધ અનંતો અલ્પ છે, અને અજ્ઞાની કદાચ ક્રોધ ન કરે તોપણ તેને ઊંધા
અભિપ્રાયમાં જ અનંતા ક્રોધનું જોર ભર્યું છે. ચૈતન્યસ્વરૂપ આત્માના અવલંબન વિના ધર્મ થાય જ નહિ, ને
દોષ ખરેખર ટળે જ નહિ.
શરીરમાં કે રાગમાં તો આત્મા નથી; નિર્મળ પર્યાય થઈ તેમાં આત્મા વ્યાપક છે પરંતુ તે એક જ પર્યાય
જેટલો આખો આત્મા નથી, આત્મામાં તો એવી અનંત પર્યાયોમાં વ્યાપવાની તાકાત છે. –આવા આત્મા ઉપર
ધર્મીની દ્રષ્ટિની મીટ છે, આવા આત્માને શ્રદ્ધામાં લઈને તેમાં જ પર્યાયને એકાગ્ર કરી છે, ને તે જ ધર્મીનો ધર્મ
છે. ધર્મી એટલે આત્મદ્રવ્ય અને ધર્મ એટલે તેની નિર્મળ પર્યાય; ધર્મીનો ધર્મ તેનાથી જુદો નથી, ધર્મ ધર્મી સાથે
એકમેક છે.
ક્યાં રહેવું? –કે દિલ્હીમાં; તેમ અહીં પૂછે છે કે ક્યાં રહેવું? તો ધર્મી કહે છે કે અમારી નિર્મળ
પર્યાયમાં; અમારી નિર્મળ પર્યાય તે જ અમારું પાટનગર છે. રાજા જ્યાં રહે તેને પાટનગર કહેવાય ને તે
નગર ઉપર કોઈ જાતનો કરનો બોજો ન હોય–એમ અગાઉના વખતમાં હતું, તેમ આ ચૈતન્યરાજા પોતાની
નિર્મળ પર્યાયરૂપ પાટનગરમાં રહે છે, ને તે નિર્મળ પર્યાય ઉપર કોઈ જાતનો કર એટલે કે વિકાર કે કર્મનો
બોજો નથી. દેશમાં કે દેહમાં તો આત્મા રહ્યો જ નથી, તો પછી તેની વાત ક્યાં રહી? સ્વભાવમાંથી નિર્મળ
પર્યાય પ્રગટ કરીને તેમાં આત્મા રહે છે. સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની નિર્મળ પર્યાય થઈ તેમાં આત્મા પોતે
વ્યાપ્યો છે. કોઈ રાગનો–વ્યવહારનો વિસ્તાર થઈને સમ્યગ્દર્શન થયું એમ નથી પણ આત્મા પોતે વિસ્તારરૂપ
થઈને સમ્યગ્દર્શનમાં ફેલાયો છે. આત્માની નિર્મળ પર્યાયોમાં રાગાદિ નથી રહેતા, આત્માની નિર્મળપર્યાયમાં
આત્મા પોતે જ રહે છે, આવા આત્મા ઉપર ધર્મીની દ્રષ્ટિ છે. એકલી પર્યાય ઉપર પણ તેની દ્રષ્ટિ નથી, પરંતુ
પર્યાય જેમાંથી આવી એવા શુદ્ધ દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ છે, એટલે તે દ્રષ્ટિ અને દ્રવ્ય બંને એકાકાર થઈ ગયા
છે. સમ્યગ્દર્શનની શરૂઆતથી માંડીને સિદ્ધદશા સુધીની બધી પર્યાયોમાં સળંગપણે એક આત્મા રહેલો છે, તે
એકના આશ્રયે જ અનેક નિર્મળ પર્યાયો થતી જાય છે. બસ! નિર્મળ પર્યાયને આ એકનો જ આશ્રય છે, એ
સિવાય બહારમાં કોઈ બીજાનો–રાગનો, નિમિત્તોનો, કે દેવ–શાસ્ત્ર–ગુરુનો આશ્રય ખરેખર નથી. શુદ્ધ
ચૈતન્યદ્રવ્યના આશ્રયે જ મોક્ષમાર્ગ પ્રગટે છે, ટકે છે ને વધે છે એ સિવાય વ્યવહાર–રાગ કે નિમિત્તોના
આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટતો નથી, ટકતો નથી ને વધતો નથી. અરે! મોક્ષમાર્ગની જે પર્યાય છે તે પર્યાયના
આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી, શુદ્ધદ્રવ્યના જ આશ્રયે મોક્ષમાર્ગ છે. આત્મા દ્રવ્યસ્વરૂપે એકપણે રહેતો હોવા
છતાં, અનેક નિર્મળપર્યાયોરૂપ અનેકપણે પણ પોતે જ થાય છે. એકતારૂપ રહેવું તેમજ અનેકતારૂપે થવું–એ
બંને સ્વભાવ એક આત્મામાં રહેલા છે. સર્વથા એકરૂપ જ રહે તો એક