Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૧ :
લક્ષે તો રાગ–દ્વેષના મલિન ભાવો થાય ને ચૈતન્ય ચક્રવર્તી ભગવાનઆત્માની શક્તિના કરંડિયા ખોલતાં
તેમાંથી નિર્મળ પર્યાયની પરંપરારૂપ હારમાળા નીકળે છે; ચક્રવર્તીનો ય ચક્રવર્તી એવો આ ચૈતન્યભગવાન, તેના
ભંડારમાં સમ્યગ્દર્શન–મુનિદશા–કેવળજ્ઞાન–સિદ્ધદશા વગેરે નિર્મળરત્નોની હારમાળા ગૂંથાયેલી પડી છે, તેને
ભંડાર ખોલીને બહાર કાઢવાની આ રીત આચાર્યભગવાને બતાવી છે. અરે જીવ! અંતર્મુખ થઈને એક વાર
તારી ચૈતન્ય શક્તિના ભંડારને ખોલ. તારી ચૈતન્યશક્તિ એવી છે કે તેને ખોલતાં તેમાંથી નિર્મળપર્યાયો
નીકળશે પણ તેમાંથી વિકાર નહીં નીકળે; વિકારથી તે શૂન્ય છે.
એક સમયની મલિન અવસ્થામાં વિકાર છે તે ત્રિકાળી સ્વભાવમાં નથી; ત્રિકાળી સ્વભાવના આશ્રયે
નિર્મળ અવસ્થાપણે વર્તતા ભગવાન આત્મામાં મિથ્યાત્વાદિનું શૂન્યપણું છે.
આ રીતે ત્રિકાળમાં અને ત્રિકાળના આશ્રયે વર્તતી વર્તમાન અવસ્થામાં, એ બંનેમાં વિકારનો અભાવ
છે. સાધક જીવને અલ્પ રાગાદિ છે પણ તેની સાથે એકતારૂપ પરિણમન નથી તેથી સ્વભાવમાં એકતારૂપ
પરિણમનમાં તેનો પણ અભાવ છે. અભાવશક્તિનું ભાન થતાં વિકારના અભાવરૂપ પરિણમન થાય છે.
અજ્ઞાની જીવમાં પણ આ બધી શક્તિઓ હોવા છતાં તેનો અસ્વીકાર કરીને અને વિકારનો જ સ્વીકાર કરીને તે
રખડે છે. આત્માના બધા ગુણમાં નિર્મળ અવસ્થારૂપે વર્તવાની ‘ભાવશક્તિ’ છે, પણ તેનો આશ્રય કરે તેને તેવું
પરિણમન થાય છે.
શુદ્ધસ્વભાવની સન્મુખતા થતાં વિભાવથી વિમુખતા થઈ જાય છે. બે માણસ હોય ત્યાં એકની સાથે
વાતમાં જોડાતાં બીજાની સાથેનો સંબંધ છૂટી જાય છે, તેમ ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને તેમાં ટકતાં
વિકારનો સંબંધ સહેજે છૂટી જાય છે. શુદ્ધસ્વભાવ તરફનું જેટલું જોર આપે તેટલો વિકારનો અભાવ થઈ જાય
છે.–આમાં પરમાર્થ, વ્રત, તપ, ત્યાગ વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. ત્રિકાળ સ્વભાવની શુદ્ધતા ઉપર જોર ન
આપતાં, તેનાથી વિરુદ્ધ એવા વિકાર ઉપર કે નિમિત્ત ઉપર જે જોર આપે છે તેની પર્યાયમાં સ્વભાવનું
પરિણમન નથી થતું પણ વિકારનું જ પરિણમન થાય છે, ને તે અધર્મ છે. ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને
તેની સમ્યક્શ્રદ્ધા કરી, તે શ્રદ્ધામાં મિથ્યાત્વનો ત્યાગ છે, તેના સમ્યગ્જ્ઞાનમાં અજ્ઞાનનો ત્યાગ છે, ને તેમાં
લીનતામાં અવ્રતનો ત્યાગ છે. આ સિવાય ધર્મ થવાનો ને અધર્મના ત્યાગનો બીજો કોઈ ઉપાય નથી; બીજા
કથન હોય તે બધા નિમિત્તના વ્યવહારના કથન છે, આત્મસ્વભાવમાં એકતા થતાં કેવા કેવા નિમિત્તનો સંબંધ
છૂટયો તેનું જ્ઞાન કરાવવા વ્યવહાર કથન છે કે આત્મા એ આ છોડ્યું.
પહેલાંં યથાર્થ ભેદજ્ઞાન કરીને અભિપ્રાય પલટી જવો જોઈએ કે ચૈતન્યસ્વભાવ જ હું છું, દેહાદિ કે
રાગાદિ તે બધાય મારાથી પર છે. જેમ કુવારી કન્યા પિતાના ઘરને અને મૂડીને ‘આ મારું ઘર ને આટલી
અમારી મૂડી’ એમ માને છે, પણ જ્યાં તેનું સગપણ કરે કે તરત તેના અભિપ્રાય બદલી જાય છે કે પિતાનું ઘર કે
પિતાની મૂડી મારી નહિ, પણ પતિનું ઘર ને પતિની મૂડી તે મારી. –હજી પિતાના ઘરે રહેલી હોવા છતાં તેનો
અભિપ્રાય પલટી જાય છે, તેમ અજ્ઞાનીએ અનાદિ સંસારથી ‘દેહ અને રાગ તે હું’ એમ માન્યું છે, પણ જ્યાં
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરીને સિદ્ધદશા સાથે સંબંધ બાંધ્યો ત્યાં તેની દ્રષ્ટિ પલટી ગઈ છે કે સિદ્ધ ભગવાન જેવી
મૂડીવાળો સ્વભાવ તે હું, ને રાગ–દેહાદિ હું નહિ. હજી અલ્પ રાગાદિ તથા દેહાદિનો સંબંધ હોવા છતાં તેનો
અભિપ્રાય પલટી ગયો છે. અને અભિપ્રાય પલટતાં તે અભિપ્રાય અનુસાર પરિણમન પણ પલટી ગયું છે, એટલે
કે સિદ્ધદશા તરફનું શુદ્ધ પરિણમન થવા માંડ્યું છે ને સંસાર તરફનું શુદ્ધ પરિણમન છૂટવા માંડ્યું છે. ભલે ગમે
તેટલા વ્રત–તપ–ત્યાગ કરે, હજારો રાણીઓ છોડીને વૈરાગ્યથી દ્રવ્યલિંગી મુનિ થાય, પરંતુ આ રીતે શુદ્ધસ્વભાવ
સાથેનો સંબંધ જોડીને વિકાર સાથેનો સંબંધ ન તોડે ત્યાં સુધી કિંચિત્ પણ ધર્મ થતો નથી, તે અનાદિ
સંસારરૂપી પીયરમાં જ રહે છે.
ધર્મી જાણે છે કે મારા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં કર્મનો તો અભાવ જ છે, અને કર્મના નિમિત્તે થતા
વિકારનો પણ અભાવ છે. દ્રવ્ય–ગુણમાં તો ત્રિકાળ વિકાર નથી ને પર્યાય પણ તેમાં વળેલી છે તેથી તેમાં પણ
વિકાર નથી. આ રીતે આત્મસ્વભાવમાં વિકારનો અભાવ છે એવી પ્રતીતવડે સાધકને ક્રમક્રમે વિકારનો