Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૪ :
આચાર્યદેવ કહે છે કે સમ્યગ્દ્રષ્ટિને નિઃશંકતા આદિ જે આઠ ચિહ્નો છે તે આઠ કર્મોને હણી નાંખે છે.
સમકિતી ધર્માત્મા અંર્તદ્રષ્ટિવડે નિજરસથી ભરપૂર એવા પોતાના જ્ઞાનસ્વરૂપને નિઃશંકપણે અનુભવે છે,
જ્ઞાનના અનુભવમાં રાગાદિ વિકારને જરા પણ ભેળવતા નથી. નિઃશંકપણે જ્ઞાનસ્વરૂપનો અનુભવ સમસ્ત
કર્મોને હણી નાંખે છે.
જ્ઞાનસ્વરૂપના અનુભવ વડે જ આઠ કર્મોનો નાશ થાય છે. શ્રદ્ધામાં જ્યાં પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવને
રાગાદિથી પાર જાણ્યો ત્યાં પછી તે ચૈતન્યસ્વભાવના અનુભવવડે જ્ઞાનીને ક્ષણેક્ષણે કર્મોનો નાશ જ થતો જાય
છે, ને નવા કર્મોનું જરાપણ બંધન થતું નથી–આ રીતે ધર્મીને નિયમથી નિર્જરા થાય છે. જ્ઞાનસ્વરૂપી આત્મા
અબંધસ્વભાવી છે, તેની સન્મુખ જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં જ્ઞાનીને બંધન થતું નથી.
જુઓ, આ શ્રદ્ધાનો મહિમા! સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતાં જે સમ્યક્ત્વરૂપી ઝળહળતો સૂરજ ઊગ્યો તે
સૂર્યનો પ્રતાપ સમસ્ત કર્મોને નષ્ટ કરી નાંખે છે. નિઃશંકતા, નિઃકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદ્રષ્ટિ, ઉપગૂહન,
સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના–એ આઠ અંગરૂપી કિરણોથી ઝગઝગતો જે સમ્યકત્વરૂપી સૂર્ય ઊગ્યો તેના
પ્રતાપવડે સમ્યગ્દ્રષ્ટિ સમસ્ત કર્મોને ભસ્મ કરીને અલ્પકાળમાં જ સિદ્ધપદને પામે છે. પૂર્વ કર્મનો ઉદય વર્તતો
હોવા છતાં, દ્રષ્ટિના જોરે સમ્યગ્દ્રષ્ટિને નવા કર્મોનો જરા પણ બંધ ફરીને થતો નથી, પણ પૂર્વકર્મ નિર્જરતું જ
જાય છે. ઉદય છે માટે બંધ થાય–એ વાત ક્યાંય ઊડી ગઈ; ઉદય વખતે ચિદાનંદ સ્વભાવ તરફની દ્રષ્ટિના જોરે
આત્મા તે ઉદયને ખેરવી જ નાંખે છે, એટલે તે ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરી જ જાય છે.
સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉદય કર્મના ઉદયને ભસ્મ કરી નાંખે છે. જ્યાં મિથ્યાત્વના બંધનને ઊડાડી દીધું ત્યાં
અસ્થિરતાના અલ્પબંધનની શી ગણતરી?–તે પણ ક્રમે ક્રમે ટળતું જાય છે. આ રીતે જ્ઞાનીને સ્વસન્મુખ–
પરિણતિને લીધે કર્મની નિર્જરા જ થાય છે, ને અલ્પકાળમાં સર્વકર્મનો નાશ કરીને તે સિદ્ધપદને પામે છે.–આવો
સમ્યગ્દર્શનનો મહિમા છે.
ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ હું છું–એવી પ્રતીતિના જોરે સમકિતીને નિઃશંકતા વગેરે આઠ ગુણો હોય છે
ને શંકા વગેરે આઠ દોષોનો અભાવ હોય છે; તેથી તેને બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે. સમકિતીના
આઠ અંગનું આઠ ગાથાઓ દ્વારા આચાર્યદેવ અદ્ભુત વર્ણન કરે છે.
(૧) સમ્યગ્દ્રષ્ટિનું નિ:શંકિત – અંગ
જે કર્મબંધન મોહકર્તા પાદ ચારે છેદતો,
ચિન્મૂર્તિ તે શંકારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૨૯
જુઓ આ સમકિતી જીવનું ચિહ્ન! આ સમકિતીના આચાર! સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે કે હું તો
એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ છું, બંધન મારા સ્વભાવમાં છે જ નહિ; આ રીતે અબંધ જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિમાં
ધર્મીને બંધનની શંકા થતી નથી. આત્માના સ્વભાવમાં બંધનની શંકા કે ભય થાય તે તો મિથ્યાત્વભાવ છે,
ધર્મીને તેનો અભાવ છે. કર્મ અને તે કર્મ તરફનો ભાવ એ મારા સ્વભાવમાં છે જ નહિ, હું તો અબંધસ્વભાવ
છું–આવી દ્રષ્ટિમાં ધર્મીને નિઃશંકતા છે, તેથી શંકાકૃત બંધન તેને થતું નથી, પણ નિર્જરા જ થાય છે.
જુઓ ભાઈ, લાખો–કરોડો રૂપીઆ ખરચ્યે કાંઈ આ ચીજ મળે તેવી નથી, આ તો અંતરની ચીજ છે.
પૈસા તો પૂર્વના પુણ્યથી મળી જાય, પરંતુ આ ચીજ તો પુણ્યથી પણ મળે તેવી નથી. પૈસા અને પુણ્ય બંનેથી
પાર અંતરથી રુચિ અને પ્રતીતનો આ વિષય છે. હું એક જાણનાર–દેખનાર સ્વભાવમય છું, બીજા બંધભાવો
મારા સ્વરૂપમાં છે જ નહિ,–આવી દ્રષ્ટિથી અબંધપરિણામે વર્તતા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને બંધન થવાની શંકારૂપ
મિથ્યાત્વાદિનો અભાવ છે. ધર્મી જાણે છે કે–હું જ્ઞાયકભાવ છું; ‘મારો જ્ઞાયકસ્વભાવ કર્મથી ઢંકાઈ ગયો’–એવી
તેને શંકા થતી નથી. કર્મબંધના કારણરૂપ મિથ્યાત્વાદિ ભાવોનો મારા સ્વભાવમાં અભાવ જ છે. –આવી
જ્ઞાયકસ્વભાવની નિઃશંકતા તે જ ધર્મનું સાધન છે. જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈ ત્યાં બીજા સાધનમાં
વ્યવહારસાધનનો ઉપચાર આવ્યો. પણ જ્યાં જ્ઞાયકસ્વભાવની સન્મુખદ્રષ્ટિ નથી ત્યાં તો બીજા સાધનને
વ્યવહારસાધન પણ કહેવાતું નથી.
જીવને એમ થવું જોઈએ કે અરે, મારું શું થશે? મારું હિત કેમ થાય? અનાદિસંસારમાં ક્યાંય બહારમાં
શરણ ન મળ્‌યું, માટે અંતરમાં મારું શરણ શોધું.