Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
: ૧૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
પ્રત્યે ગ્લાનિ હોતી નથી; પદાર્થનો એવો જ સ્વભાવ છે–એમ જાણીને તે પ્રત્યે ધર્મીને દુઃગંછા થતી નથી. હું તો
શાંત–જ્ઞાનસ્વરૂપ જ છું–એવા જ્ઞાનવેદનમાં રહેતાં, ગ્લાનિનો અભાવ હોવાથી, ધર્મીને નિર્જરા જ થાય છે. બંધન
થતું નથી. કોઈ રત્નત્રયધારક મુનિરાજનું શરીર મલિન–કાળુંકૂબડું હોય તો ત્યાં ધર્મીને જુગુપ્સા નથી થતી; તે
જાણે છે કે અહો! આત્માનો સ્વભાવ તો રત્નત્રયમય પવિત્ર છે, અને આ મલિનતા તો શરીરનો સ્વભાવ છે,
શરીર એવા જ સ્વભાવવાળું છે.–આમ વસ્તુસ્વભાવને ચિંતવતા ધર્માત્માને દુર્ગંછા–ગ્લાનિ થતી નથી; માટે
ગ્લાનિકૃત બંધન તેને થતું નથી.
હું તો જ્ઞાન છું, મારા જ્ઞાનમાં મલિનતા નથી, તેમ જ મલિન વસ્તુને જાણતાં જ્ઞાન કાંઈ મલિન થઈ જતું
નથી; મલિનતાને જાણતાં ધર્માત્માને એમ શંકા નથી થતી કે મારું જ્ઞાન જ મલિન થઈ ગયું. તે તો જ્ઞાનને
પવિત્રરૂપે જ અનુભવે છે, તેથી ખરેખર તેને દુર્ગંછા–જુગુપ્સા હોતી નથી.
શરીરમાં ક્ષુધા–તૃષા થાય, રોગ થાય, છેદાય–ભેદાય ને લોહીનો પ્રવાહ ચાલે ત્યાં ધર્મી તેને જડની
અવસ્થા જાણે છે. અરે, હું તો આત્મા છું, આ બધી જડની અવસ્થા મારાથી ભિન્ન છે–આવા સમ્યગ્ભાનમાં
વર્તતા ધર્માત્માને સંયોગી દ્રષ્ટિ છૂટી ગઈ છે, એટલે પદાર્થના સ્વરૂપ પ્રત્યે તેને દ્વેષ થતો નથી; પોતાની ઓછી
સહનશક્તિથી કોઈવાર અલ્પ અણગમાનો ભાવ થઈ આવે, તે તો અસ્થિારતાપૂરતો દોષ છે, પણ શ્રદ્ધાનો દોષ
નથી. દેહથી ભિન્ન આત્માના આનંદનો જેણે નિર્ણય કર્યો હશે તેને દેહની દુર્ગંધી અવસ્થા વખતે દુર્ગંછા નહિ થાય;
દેહ હું નથી, હું તો આનંદ છું,–આમ આત્માના જ્ઞાનાનંદસ્વરૂપની સુગંધ (સંસ્કાર) જેણે પોતામાં બેસાડી હશે
તેને દેહની દુર્ગંધાદિ અવસ્થા વખતે પણ જ્ઞાનની એકતાબુદ્ધિ છૂટશે નહિ, એટલે જ્ઞાનની એકતાથી છૂટીને તેને
દુર્ગંધા થતી નથી.
મારા આત્માની પવિત્રતાનો પાર નથી, મારો આત્મા તો પવિત્રસ્વરૂપ છે, ને આ દેહાદિ તો સ્વભાવથી
જ અપવિત્ર છે.–આમ જાણનાર ધર્માત્માને ક્યાંય પરદ્રવ્યમાં દુર્ગંછા થતી નથી; એટલે ગમે તેવા મલિન વગેરે
પદાર્થોને જોઈને પણ તે પવિત્ર જ્ઞાનસ્વભાવની શ્રદ્ધાથી ડગતા નથી. જેમ અરિસામાં ગમે તેવા મલિન પદાર્થોનું
પ્રતિબિંબ પડે તોપણ ત્યાં અરિસાને તેના પ્રત્યે દુર્ગંછા થતી નથી; તેમ જ્ઞાન–સ્વરૂપ સ્વચ્છ અરિસામાં ગમે તેવા
પદાર્થ જણાય તો પણ દુર્ગંછાદ્વેષ કરવાનો તેનો સ્વભાવ નથી.–આવા જ્ઞાન–સ્વભાવને અનુભવતા જ્ઞાનીને
દુર્ગંછાનો અભાવ હોવાથી બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે.
(૪) સમ્યગ્દ્રષ્ટિનું અમૂઢદ્રષ્ટિ – અંગ
સંમૂઢ નહિ જે સર્વ ભાવે, સત્ય દ્રષ્ટિ ધારતો,
તે મૂઢદ્રષ્ટિ રહિત સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨
આત્માના જ્ઞાનાનંદસ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્માત્મા અનેક પ્રકારની વિપરીત વાતો સાંભળીને
પણ મૂંઝાતો નથી, વિપરીત યુક્તિઓ સાંભળીને પણ તેને પોતાના સ્વરૂપમાં મૂંઝવણ કે શંકા થતી નથી. પૂર્વના
પંડિત કાંઈ કહે, પશ્ચિમના પંડિત કાંઈક કહે, ઉત્તરના કાંઈ કહે ને દક્ષિણના વળી કાંઈ કહે–એમ અનેક વિદ્વાનો
ભિન્ન ભિન્ન અનેક પ્રકારે કહે, ત્યાં સમકિતી ધર્માત્માને મૂંઝવણ ન થાય કે આ સાચું હશે કે આ સાચું હશે!
અનેક મોટા મોટા વિદ્વાનો ભેગા થઈને વિપરીત પ્રરૂપણા કરતા હોય ત્યાં ધર્મી મુંઝાઈ જતા નથી.
જ્ઞાનાનંદસ્વભાવની જે દ્રષ્ટિ થઈ છે તેમાં નિઃશંકપણે વર્તે છે. સર્વપદાર્થના સ્વરૂપને સમકિતી યથાર્થ જાણે છે.
શાસ્ત્રોમાં પૂર્વે થઈ ગયેલા તીર્થંકરો વગેરેનું, દૂરવર્તી અસંખ્ય દ્વીપ–સમુદ્ર વગેરેનું, મહાવિદેહક્ષેત્ર વગેરેનું, સૂક્ષ્મ
પરમાણું વગેરેનું વર્ણન આવે છે, ત્યાં ધર્મીને શંકા–મુંઝવણ નથી થતી કે આ કેમ હશે! હું તો જ્ઞાયક ભાવ છું,
જ્ઞાયક ભાવમાં મોહ જ નથી તો મુંઝવણ કેવી? નિર્મોહપણે તે પોતાના જ્ઞાનસ્વરૂપને જ અનુભવે છે. જેમ
લૌકિકમાં ડહાપણવાળા માણસો અનેક પ્રકારના આંટીઘૂંટીના પ્રસંગ આવી પડતાં મુંઝાતા નથી પણ ઊકેલ કરી
નાંખે છે, તેમ ધર્માત્મા પોતાના સ્વભાવના પંથમાં મુંઝાતા નથી, અનેક પ્રકારની જગતની કુયુક્તિઓ આવી પડે
તો પણ ધર્માત્મા પોતાના આત્મહિતના કાર્યમાં મુંઝાતા નથી. ગમે તે પ્રકારમાંથી પણ પોતાનું આત્મહિત શું છે
તે શોધી લે છે. આ રીતે ક્યાંય પણ તેને મુંઝવણ થતી નથી. અસ્થિરતાજન્ય જે મુંઝવણ હોય તે કાંઈ શ્રદ્ધાને
દૂષિત નથી કરતી, એટલે શ્રદ્ધાના વિષયમાં તો મુંઝવણનો તેને અભાવ જ છે.