: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૨૧ :
(૫૧) પ્રશ્ન:– રાગાદિક તે આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે?
ઉત્તર:– રાગાદિક તે ખરેખર આત્માથી ભિન્ન છે, કેમ કે તે રાગ વિના પણ આત્માની પ્રાપ્તિ સંભવે છે.
જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતાં ત્યાં રાગની ઉત્પત્તિ સંભવતી નથી પણ રાગરહિત આત્માની પ્રાપ્તિ થાય છે; આ
રીતે રાગ અને આત્માની ભિન્નતા સિદ્ધ થાય છે.
(૫૨) પ્રશ્ન:– રાગ અને આત્મા જુદા થઈ શકે છે?
ઉત્તર:– હા; પ્રજ્ઞા–છીણીવડે છેદવામાં આવતાં તેઓ જરૂર જુદા પડી જાય છે.
(૫૩) પ્રશ્ન:– મોક્ષમાર્ગમાં રાગની અપેક્ષા છે કે ઉપેક્ષા છે?
ઉત્તર:– મોક્ષમાર્ગમાં રાગની ઉપેક્ષા છે.
(૫૪) પ્રશ્ન:– રાગની ઉપેક્ષા કોણ કરી શકે?
ઉત્તર:– રાગને જે પોતાના સ્વભાવથી ભિન્ન જાણે તે જ તેની ઉપેક્ષા કરીને અંતરમાં વળે; પણ જે રાગથી
લાભ માને તે તેની ઉપેક્ષા કેમ કરે?
(૫૫) પ્રશ્ન:– રાગ તે મોક્ષનું સાધન કેમ નથી?
ઉત્તર:– રાગ તે તો બહિર્મુખવૃત્તિ છે, ને મોક્ષમાર્ગ તો અંતર્મુખી છે; બહિર્મુખવૃત્તિ તે અંતર્મુખ થવાનું
સાધન કેમ થાય? ન જ થાય; માટે રાગ તે મોક્ષનું સાધન નથી.
(૫૬) પ્રશ્ન:– મોક્ષમાર્ગ તે કેવો છે?
ઉત્તર:– મોક્ષમાર્ગ તો ‘અમૃત’ છે.
(૫૭) પ્રશ્ન:– રાગ કેવો છે?
ઉત્તર:– રાગ તો ‘ઝેર’ છે.
(૫૮) પ્રશ્ન:– રાગ તે બંધમાર્ગ છે કે મોક્ષમાર્ગ?
ઉત્તર:– રાગ તે બંધમાર્ગ છે. મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવરૂપ છે, તેનું સાધન રાગ કેમ હોય?
(૫૯) પ્રશ્ન:– શુભરાગવડે બંધનો છેદ થાય કે ન થાય?
ઉત્તર:– ન થાય કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે, તો તેના વડે બંધનો છેદ કેમ થાય? વીતરાગી પ્રજ્ઞાવડે જ
બંધનો છેદ થાય છે, માટે આ ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે.
(૬૦) પ્રશ્ન:– મોક્ષનું સાધન તો ભલે ભગવતી પ્રજ્ઞા જ હો, પણ ત્યાર પહેલાંં સમ્યગ્દર્શનનું સાધન તો
બીજું (રાગાદિ) છે ને?
ઉત્તર:– ના; જેમ મોક્ષનું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે, તેમ પહેલેથી–મોક્ષમાર્ગની શરૂઆતથી પણ
ભગવતી–પ્રજ્ઞા એક જ સાધન છે. સમ્યગ્દર્શનનું પણ તે જ સાધન છે; એ સિવાય રાગાદિ તે સાધન નથી.
(૬૧) પ્રશ્ન:– આત્મા કેવો છે ને બંધ કેવો છે?
ઉત્તર:– આત્મા ચેતક છે; ને બંધ તે ચેત્ય છે, ચેતક નથી.
(૬૨) પ્રશ્ન:– આત્મા અને બંધ એક છે કે ભિન્ન છે?
ઉત્તર:– આત્મા ચેતક છે, ને બંધ ચેત્ય છે, તે બંને નિશ્ચયથી ભિન્ન છે, પરંતુ અજ્ઞાની જીવને તેમના
ભેદજ્ઞાનના અભાવને લીધે, રાગાદિ બંધ ભાવો પણ જાણે આત્મા જ હોય, એમ તેમનું એકપણું લાગે છે.
(૬૩) પ્રશ્ન:– હવે મોક્ષાર્થી શિષ્ય ભેદજ્ઞાન માટેની તીવ્ર ઝંખનાથી પૂછે છે કે પ્રભો! આત્મા અને બંધની
એકતા અજ્ઞાનથી જ ભાસે છે ને ખરેખર તેઓ જુદા જ છે–એમ આપ કહો છો, તો તેઓ પ્રજ્ઞાવડે ખરેખર
કઈ રીતે જુદા પાડી શકાય?–તે સમજાવો.
ઉત્તર:– જિજ્ઞાસુ શિષ્યને આચાર્યદેવ સમજાવે છે કે હે ભવ્ય! આત્મા અને બંધ બંનેના લક્ષણો ભિન્ન
ભિન્ન જાણીને, તેના સૂક્ષ્મ સાંધની વચ્ચે, પુરુષાર્થપૂર્વક સાવધાન થઈને–એકાગ્રતા વડે–પ્રજ્ઞા–છીણીને પટકવાથી
તેમને છેદી શકાય છે, એમ અમે જાણીએ છીએ. (ચાલુ)