Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો:
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી
કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(૭)
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ અગિયારસ. સમાધિશતક ગા. ૭–૮–૯]

આ સમાધિશતક છે; તેમાં આત્માને સમાધિ કેમ થાય? તે બતાવે છે. સમાધિ તે સ્વાધીન છે–આત્માને
આધીન છે, બહારને આધીન નથી. દેહાદિથી ભિન્ન, અનંત જ્ઞાન–આનંદ–સંપન્ન મારું અસ્તિત્વ છે એવા
ભાનપૂર્વક આત્મામાં એકાગ્રત રહે તેનું નામ સમાધિ છે. પણ દેહાદિથી ભિન્ન આત્માને ભૂલીને, શરીર વગેરે
પરદ્રવ્યોને જ જે ‘આત્મા’ માને તેને બાહ્યવિષયોમાંથી એકાગ્રતા છૂટે નહિ ને આત્મામાં એકાગ્રતા થાય નહિ
એટલે તેને સમાધિ ન થાય, તેના આત્મામાં તો અસમાધિનું તંત્ર રહે છે. મિથ્યાત્વાદિભાવ તે અસમાધિ છે.
ચૈતન્યસ્વભાવની સન્મુખતાથી સમ્યક્ત્વાદિભાવ પ્રગટે તે સમાધિ છે.
બહિરાત્મા જીવ ઈન્દ્રિયદ્વારા જ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે એટલે તેનું જ્ઞાન એકલા બાહ્ય પદાર્થોમાં જ પ્રવર્તે
છે પણ આત્મજ્ઞાનસન્મુખ વર્તતું નથી; આત્માથી પરાઙ્મુખ થઈને ઈન્દ્રિયદ્વારા એકલા દેહાદિ પદાર્થોને ગ્રહણ
કરીને ‘તે જ હું’ એમ અજ્ઞાની માને છે. શરીરથી ભિન્ન અતીન્દ્રિય આત્મા તો તેને ઈન્દ્રિયદ્વારા ભાસતો નથી.
જીવસ્વરૂપનું જ્ઞાન તો અતીન્દ્રિય–અંતર્મુખ જ્ઞાનથી જ થાય છે, બહિર્મુખ–ઈન્દ્રિયજ્ઞાનથી થતું નથી.
અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવને જાણતો નથી, પણ ઈન્દ્રિયોને જ જ્ઞાનનું સાધન માને છે, એટલે ઈન્દ્રિયદ્વારા
જણાતા આ દેહાદિને જ પોતાનું સ્વરૂપ માને છે. દેહાદિક તો જડ છે, તે કાંઈ આત્મા નથી, આત્માથી અત્યંત
ભિન્ન છે. પણ અજ્ઞાનીને ઈન્દ્રિયજ્ઞાનદ્વારા દેહથી જુદો આત્મા દેખાતો નથી; તેથી દેહના અસ્તિત્વમાં જ પોતાનું
અસ્તિત્વ માને છે. શરીરની ક્રિયાઓ તે જાણે કે આત્માનું જ કાર્ય હોય–એમ અજ્ઞાનીને ભ્રમણા છે; ઈન્દ્રિયોથી જ
હું જાણું છું એટલે ઈન્દ્રિયો તે જ આત્મા છે–એમ તેને ભ્રમણા છે. આ રીતે અજ્ઞાની જીવ પોતાના દેહને જ આત્મા
માને છે. તેમજ પરમાં પણ દેહને જ આત્મા માને છે. દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્માને નથી
ઓળખતો તેથી બીજા આત્માને પણ તેવા સ્વરૂપે ઓળખતો નથી. પોતે પોતાના આત્મજ્ઞાનથી પરાઙ્મુખ વર્તતો
હોવાથી, અને ઈન્દ્રિયજ્ઞાનદ્વારા એકલી બહિર્મુખ પ્રવૃત્તિ જ કરતો હોવાથી અજ્ઞાની જીવ દેહાદિને જ આત્મા માને
છે, દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને તે જાણતો નથી.
જુઓ, અજ્ઞાનીને બહિરાત્મપણુ છે, તે બહિરાત્મપણું કર્મ વગેરે પરના કારણે નથી, પણ પોતે જ પોતાના
આત્માથી વિમુખ થઈને, ઈન્દ્રિયદ્વારા બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરે છે તેથી તે દેહાદિને જ આત્મા માને છે,–માટે તે
બહિરાત્મા છે. જ્ઞાનને અંતર્મુખ