Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા
નિગ્રંથનો પંથ ભવઅંતનો અમોઘ ઉપાય છે


આત્માની અવસ્થામાં પરનો તો અભાવ, ને તેની વર્તમાન અવસ્થામાં બીજી અવસ્થાનો પણ અભાવ
છે. અજ્ઞાની તો પોક મૂકે છે કે અરે! આત્મામાં કર્મનું જોર ઘણું! તેને કહે છે કે અરે મૂઢ! તારી પર્યાયમાં
કર્મનો તો અભાવ છે, તો તે તને શું કરે? તારામાં તારી પર્યાયના ભાવને દેખ, ને કર્મના અભાવને દેખ.
કર્મનો તારી પર્યાયમાં ભાવ છે કે અભાવ? તારી પર્યાયમાં તો તેનો અભાવ છે. એ ઉપરાંત અહીં તો કહે છે કે
પૂર્વની પર્યાયનો પણ વર્તમાનમાં અભાવ છે; માટે, “અરેરે! પૂર્વે બહુ અપરાધ કર્યા હવે આત્માનો કેમ ઉદ્ધાર
થાય?”–એવી હતાશબુદ્ધિ છોડ તારી વર્તમાન પર્યાયને સ્વભાવમાં વાળે તો તેમાં કંઈ પૂર્વના દોષ નથી
આવતા. અજ્ઞાનીને પણ પોતાની જ વર્તમાન ઊંધાઈથી મલિનતા છે, કાંઈ પૂર્વની મલિનતા તેને વર્તમાનમાં
નથી આવતી, પૂર્વની પર્યાયનો તો અભાવ થઈ ગયો છે. અહો, સમયે સમયે વર્તતી વર્તમાન પર્યાયનો ‘ભાવ’
અને તેમાં બીજી પર્યાયોનો ‘અભાવ’–એમાં તો પર્યાયેપર્યાયની સ્વતંત્રતા બતાવી છે.
વસ્તુ હોય અને તેને પોતાનો કોઈક આકાર ને પ્રકાર વિદ્યમાન ન હોય–એમ બને નહિ. (અહીં આકાર
તે વ્યંજનપર્યાય છે ને પ્રકાર તે અર્થપર્યાય છે.) જેમ સોનું છે તો તેનો કોઈ ને કોઈ આકાર તથા પીળાશ
વગેરે પ્રકાર હોય જ. તેમ આત્મવસ્તુમાં પણ પોતાના આકાર અને પ્રકારરૂપ ભાવ વર્તે જ છે. નિમિત્ત આવે
તો પર્યાય થાય–એવી જેની માન્યતા છે તેણે આત્માની ભાવશક્તિને માની નથી.
કોઈ કહે કે આત્મા અને તેની અવસ્થા પોતાથી વિદ્યમાન છે–એમ તો અમે સ્વીકારીએ છીએ, પણ
અમારી પર્યાયમાં મિથ્યાત્વ જ વર્તે છે! તો આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! આત્માના ભાવ પોતાથી જ છે એમ
તેં કોની સામે જોઈને સ્વીકાર્યું? જો આત્મા સામે જોઈને તે સ્વીકાર્યું હોય તો પર્યાયમાં મિથ્યાત્વ રહે જ નહિ.
અને પરની સામે જોઈને જ જો તું કહેતો હો કે ‘આત્માના ભાવ પોતાથી છે’–તો એ રીતે પરની સામે જોઈને
આત્માના સ્વભાવનો ખરો સ્વીકાર થઈ શકે જ નહિ. જો આત્માના સ્વભાવને સ્વીકારે તો તે સ્વભાવને
અનુસરીને નિર્મળ અવસ્થાનું વિદ્યમાનપણું હોવું જોઈએ. જો પર્યાય એકલા પરને જ અનુસરે તો તેણે
સ્વભાવને કઈ રીતે સ્વીકાર્યો? માટે જો નિર્મળ અવસ્થાનું વિદ્યમાનપણું ન હોય તો તેણે વિદ્યમાન
અવસ્થાવાળા આત્મસ્વભાવ”ને પ્રતીતમાં લીધો જ નથી. જેમ દ્રવ્યની સન્મુખ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની કે
સર્વજ્ઞની પ્રતીત ખરેખર થઈ શકતી જ નથી તેમ દ્રવ્યની સન્મુખ થયા વગર તેની કોઈ પણ શક્તિની યથાર્થ
પ્રતીત થઈ શકતી નથી.–અખંડ સ્વભાવની સન્મુખતાથી જ ધર્મની શરૂઆત થાય છે.
ભાવશક્તિ વગેરે શક્તિઓ તો બધા આત્મામાં ત્રિકાળ છે, પણ તેના નિર્મળ પરિણમન વગર તે શું
કામની? શક્તિની સન્મુખ થઈને તેને નિર્મળપણે ન પરિણમાવી તેને તો તે અભાવ સમાન જ છે, કેમકે તેના
વેદનમાં તે આવતી નથી. જેમ મેરુપર્વત નીચે શાશ્વત સોનુ છે, પણ તે શું કામનું? (તે નીકળીને કદી
ઉપયોગમાં નથી આવતું.) તેમ સર્વજ્ઞત્વ વગેરે શક્તિઓ બધા આત્મામાં હોવા છતાં જ્યાં સુધી તે નિર્મળ
પરિણમનમાં ન આવે ત્યાં સુધી અજ્ઞાનીને તો તે મેરુની નીચેના સોના સમાન જ છે. પોતે પોતાની શક્તિની
સન્મુખ થઈને તેની પ્રતીત નથી કરતો એટલે તેને તો તે અભાવ સમાન જ છે. પોતાની સ્વભાવશક્તિનો
સ્વીકાર કરતાં પર્યાયમાં તેનું નિર્મળ