Atmadharma magazine - Ank 169
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
ઃ૧૬ઃ આત્મધર્મઃ ૧૬૯
આત્મામાં તાકાત છે–એમ સાધકને આત્મવિશ્વાસ જાગી ગયો છે, એટલે હવે તે શક્તિના અવલંબને
અલ્પકાળમાં અલ્પજ્ઞતા ટળી જશે ને સર્વજ્ઞતા પ્રગટી જશે,–તેમાં સાધકને સંદેહ રહેતો નથી. અહો!
અનંતશક્તિ સંપન્ન ચૈતન્ય ભગવાન સમયે સમયે બિરાજી રહ્યો છે, તેની સન્મુખ થઈને સેવન કરતાં કરતાં
સાધકને અવિદ્યમાન એવા કેવળજ્ઞાનાદિ ભાવો ખીલી જાય છે. પર્યાયના આધારે પર્યાય નથી, એટલે ધર્મીની
દ્રષ્ટિમાં પર્યાયનું અવલંબન નથી પણ અખંડ આત્મસ્વભાવનું જ અવલંબન છે. જ્યાં અખંડ આત્માનું
અવલંબન લીધું ત્યાં મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યગ્દર્શન થયું છે; અને ત્યાર પછી પણ તેના જ અવલંબને
સાધકને નિર્મળ–નિર્મળ પર્યાયોના જ ભાવ–અભાવ ને અભાવ–ભાવ થયા કરે છે. એ ખાસ સમજવા જેવી
વાત છે કે સ્વભાવદ્રષ્ટિમાં સાધકને વિકારનો ભાવ–અભાવ કે અભાવ–ભાવ નથી, પણ નિર્મળતાનો ભાવ–
અભાવ ને અભાવ–ભાવ છે; એક નિર્મળ પર્યાય થઈ તેનો બીજે સમયે અભાવ, ને બીજી નિર્મળ પર્યાયનો
ભાવ, વળી બીજા સમયે તે નિર્મળ પર્યાયનો અભાવ ને ત્રીજી નિર્મળ પર્યાયનો ભાવ, એ રીતે સ્વભાવના
આશ્રયે નિર્મળતાનો જ ભાવ–અભાવ ને અભાવ–ભાવ થાય છે, સ્વભાવની દ્રષ્ટિમાં વિકારનો તો અભાવ જ
છે, તે દ્રષ્ટિમાં વિકારનું પરિણમન જ નથી, તેથી વિકારનાં ભાવ–અભાવની કે અભાવ–ભાવની આમાં મુખ્યતા
નથી. અહીં તો સ્વભાવ સન્મુખ થઈને, સ્વભાવના અવલંબને નિર્મળ નિર્મળ ક્રમબદ્ધ પર્યાયોના ભાવ–
અભાવરૂપે તથા અભાવ–ભાવરૂપે પરિણમતા સાધક આત્માની વાત છે, નિર્મળપર્યાય સહિત આત્માની વાત
છે. એકલા વિકારરૂપે પરિણમે તેને ખરેખર આત્માનું પરિણમન કહેતા નથી. શુદ્ધસ્વભાવના આશ્રયે આત્મા
નિર્મળ–પર્યાયરૂપે પરિણમી જ રહ્યો છે, ત્યાં ‘આ પર્યાયને આમ પલટાવું’ એવી પર્યાયબુદ્ધિ જ્ઞાનીને નથી, તે
તો સ્વભાવ સાથે એકતા કરીને નિર્મળપણે જ પરિણમતા જાય છે.
ભાવનો અભાવ, ને અભાવનો ભાવ–એ રૂપે સમયે સમયે પરિણમ્યા કરે એવો આત્માનો સ્વભાવ છે
એટલે આત્માના બધા ગુણો પણ એ જ રીતે પરિણમી રહ્યા છે. અનંતગુણના પિંડરૂપ આત્મસ્વભાવના લક્ષે જ્યાં
પરિણમન થયું ત્યાં બધાય ગુણોમાં નિર્મળ પરિણમનની શરૂઆત થઈ જાય છે. દ્રવ્યના અનંત ગુણોમાં એવી
તાકાત (અભાવ–ભાવશક્તિ) છે કે વર્તમાન જે નિર્મળપર્યાયનો અભાવ છે તેનો બીજે સમયે ભાવ થશે; અને
એ રીતે અનંત–અનંતકાળ સુધી નવી નવી નિર્મળ પર્યાયોનો ભાવ આવ્યા જ કરે–એવી આત્મામાં તાકાત છે.
ક્યાંથી તે ભાવ આવશે? દ્રવ્યના સ્વભાવમાંથી; આ રીતે દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને તેની પ્રતીત કરવાની છે.
આ રીતે અનેકાન્તમૂર્તિ આત્માની પ્રતીત કરે તો જ તેની શક્તિઓની પ્રતીત થાય છે, અને તેને જ સ્વભાવની
સન્મુખતાથી નિર્મળ નિર્મળ પર્યાયો થાય છે.–આવું અનેકાંતનું ફળ છે. જે જીવ સ્વભાવસન્મુખ થતો નથી તેને
અનેકાન્તમૂર્તિ આત્માની પ્રતીત થતી નથી તેમજ અનેકાંતના ફળરૂપ નિર્મળ પર્યાય પણ તેને થતી નથી,
“અનેકાન્ત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.”–એમ શ્રીમદ્
રાજચંદ્રજીએ કહ્યું છે તેમાં પણ બંને પડખાં જાણીને શુદ્ધઆત્મસ્વભાવ તરફ વળવાનું જ રહસ્ય બતાવ્યું છે. જે
જીવ શુદ્ધ આત્મસ્વભાવ તરફ વળતો નથી તેને અનેકાન્ત થતો નથી. તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
જેનામાં નિર્મળપર્યાયોની શક્તિ પડી છે તેના લક્ષે નિર્મળ પર્યાયનો વિકાસ થાય છે; ભવિષ્યની જે
નિર્મળપર્યાય પ્રગટ કરવા માંગે છે તે શેમાંથી આવશે? પરના કે વિકારના આશ્રયે નિર્મળપર્યાય નહિ થાય.
પણ પોતાના શુદ્ધસ્વભાવનો આશ્રય કરતાં આત્મા પોતે નિર્મળ પર્યાયરૂપે પરિણમી જશે. પર્યાયમાં ખોટ છે તે
પૂરી કરવી છે (અર્થાત્ કેવળજ્ઞાનનો અભાવ છે તેનો ભાવ કરવો છે) તો તે ક્યાંથી આવશે? દ્રવ્યની
શક્તિમાં પૂર્ણતા ભરી છે તેના અવલંબને પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટી જશે. આ રીતે દ્રવ્યની શક્તિ જ
પર્યાયની ખોટ પૂરી પાડનાર છે, બીજું કોઈ નહિ; માટે સાધકની દ્રષ્ટિમાં દ્રવ્યનું જ અવલંબન છે. જ્ઞાનશક્તિમાં
કેવળજ્ઞાન દેવાની તાકાત છે, શ્રદ્ધા શક્તિમાં ક્ષાયક સમ્યક્ત્વ દેવાની તાકાત છે, આનંદશક્તિમાં પૂરો
અતીન્દ્રિયઆનંદ દેવાની તાકાત છે. આ સિવાય કોઈ સંયોગોમાં કે વિકારમાં એવી તાકાત નથી કે શ્રદ્ધા–જ્ઞાન–
આનંદ આપે. સ્વદ્રવ્યમાં જ એવી તાકાત છે, માટે દ્રવ્ય જ શ્રદ્ધા–જ્ઞાન–આનંદનું દાતાર છે. આવા દ્રવ્યની
સન્મુખ થઈને તેની સેવના કરતા તે શ્રદ્ધા જ્ઞાન ને આનંદની પૂર્ણતાને આપે છે.
જય હો આવા દિવ્યદાનદાતારનો!
– ૩પ મી ભાવઅભાવશક્તિનું તથા ૩૬ મી અભાવભાવશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.