માગશરઃ ૨૪૮૪ઃ૯ઃ
વાસ જેનો વન ઉપવનમાં, ગિરિશિખર કે નદી–તટે,
વાસ એનો ચિત્તગૂફામાં, આતમ આનંદને રટે..
–આતમ આનંદને રટે..આતમ આનંદને રટે. આતમ.. (૪)
કંચન–કામિનીના ત્યાગી, મહા તપસ્વી જ્ઞાની ધ્યાની
કાયાની માયાના ત્યાગી, તિન રતનધારી ભંડારી..
–તીન રતનધારી ભંડારી....તીન રતનધારી ભંડારી....તીન.. (૪)
તરણતારણ મુનિવરના પાવન ચરણમાં નમું,
સમતાધારી સૌમ્યમુદ્રા આનંદધારામાં રમું..
–આનંદધારામાં રમું..આનંદધારામાં રમું..
ચાહ નહીં આ રાજ્યની, ચાહ નહીં રમણીતણી,
ચાહ ઉરમાં એક છે બસ, શિવરમા વરવા તણી..
–શિવરમા વરવાતણી..શિવરમા વરવાતણી....શિવ...(૪)
એ પરમ દિગંબર મુનિવર દેખી, હઈડું હરખી જાય છે..
એ આતમધ્યાની સંતને નીરખી આનંદ ઉછળી જાય છે.
અહા! પરમ વીતરાગતા વડે ઉલ્લસતી આવી ચારિત્રદશા તે જ છે અડોલ મુનિપદ! બસ, હવે તો અમે
આવા મુનિપદને અંગીકાર કરીને આત્માની પરમસિદ્ધિને સાધશું.
શેઠઃ– મહારાજ! આ વૈરાગી ભરત અમારા સમજાવવાથી રોકાય એમ તો લાગતું નથી. હવે તો આપ
સમજાવો ને આપનું વચન માને તો!
દશરથઃ– બેટા ભરત! બધાની ઈચ્છા છે તો તું હાલ ગૃહસ્થાશ્રમમાં રહે..ગૃહસ્થપણે રહીને પણ મોક્ષનું સાધન
કરી શકાય છે!
ભરતઃ– પિતાજી! પિતાજી! આપ મને વૃથા મોહમાં કેમ ફસાવો છો? ઇન્દ્રિયવિષયોથી વશીભૂત એવા
ગૃહસ્થાશ્રમમાં તો અનેક પ્રકારના કામ–ક્રોધાદિ વર્તતા હોય છે, તેમાં મુક્તિ ક્યાંથી હોય? પિતાજી!
આપ પોતે પણ ગૃહસ્થાશ્રમ છોડીને જે પવિત્ર માર્ગને અંગીકાર કરી રહ્યા છો તે માર્ગમાં આવતાં મને
આપ શા માટે રોકો છો? જો ગૃહસ્થપણામાંય મોક્ષસાધન થઈ શકતું હોય તો આપ પોતે તેને કેમ છોડી
રહ્યા છો? મોક્ષને સાધવા માટે બાહ્ય–અભ્યંતર સમસ્ત પરિગ્રહ છોડીને મુનિ થયા વગર છૂટકો જ
નથી. હા, એટલું ચોક્કસ કે ગૃહસ્થપણામાંય સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપ ધર્મ હોઈ શકે, બહુ તો
પંચમ ગુણસ્થાનરૂપ દેશચારિત્ર હોઈ શકે, પણ મુનિદશા તો ગૃહસ્થપણામાં હોય નહિ, ને મુનિદશા
વગર મોક્ષ ક્યાંથી થાય?
રામઃ– બંધુ ભરત! તારી વાત તો સાચી છે, ભાઈ! આપણે સૌએ અંતે તો એ જ માર્ગ અંગીકાર કર્યે છૂટકો છે,
પરંતુ પિતાજી તારી માતાને વચન આપી ચૂકયા છે, ને પિતાજીના વચનનું પાલન કરવા ખાતર પણ તું હાલ
દીક્ષાના વિચાર છોડી દે. વળી મુનિઓને પણ બધાને કાંઈ તે જ ભવે મુક્તિ નથી થતી; માટે હાલ થોડા
દિવસ તમે ગૃહસ્થપણામાં રહો ને આ રાજ્યનું સુકાન સંભાળીને પિતા–માતાનું વચન પૂર્ણ કરો.
ભરતઃ– ભાઈ, આપે કહ્યું તે સત્ય છે. જો કે બધા જ મુનિઓ તે જ ભવે મુક્તિ નથી પામતા, તો પણ જે
મુનિવરો મહાપુરુષાર્થ વડે સમસ્ત કર્મોને હણી નાંખે છે તેઓ તે જ ભવે મોક્ષ પામી જાય છે, ત્યારે
ગૃહસ્થપણામાં તો નિયમથી મુક્તિ થતી જ નથી.
રામઃ– બંધુ તમે ઘણા સમજુ છો..તમારું તત્ત્વજ્ઞાન પણ પ્રશંસનીય છે..તમારા ઊછળતા વૈરાગ્યની ધારા જોઈને
અમને પણ ઘણો જ આનંદ થાય છે. પરંતુ હાલ માતા–પિતાની પરિસ્થિતિ જોતાં મુનિવ્રત ધારણ
કરવાનો તમારો વિચાર થોડા વખત માટે મુલતવી રાખો તો સારું.
ભરતઃ– ભાઈ, આપના કથનનો મર્મ હું સમજી શકું છું. આપની સલાહ યોગ્ય છે, પણ સંસાર પ્રત્યે કે રાજપાટ
પ્રત્યે મારી રુચિ બિલકુલ ચોંટતી નથી. મધ્યબિંદુથી જે વૈરાગ્યસમુદ્ર ઊછળ્યો તેને કોણ રોકી શકે?
ગૃહસ્થધર્મ તો હીનશક્તિવાળાને માટે છે. મારે તો મુનિધર્મ આરાધવાની જ ભાવના છે, માટે આપ સૌ
મને આજ્ઞા આપો!
દશરથઃ– પુત્ર! ધન્ય છે તારી ભાવનાને. તું ભવ્યોમાં પ્રધાન છે. જિનશાસનના રહસ્યને જાણીને તારો આત્મા
પ્રતિબુદ્ધ થયેલો છે; તારી વાત સત્ય છે; હે ધીર અને વીર પુત્ર! તેં મારી આજ્ઞા કદી ભંગ કરી નથી, તું
વિનયવંત છો; તો મારી એક વાત સાંભળ.