જ્ઞાનાનંદસ્વરૂપની જે સમ્યક્શ્રદ્ધા અને જ્ઞાન થયું તેનાથી ડગાવવા હવે જગતની કોઈ પ્રતિકૂળતા સમર્થ નથી;
જ્ઞાનસ્વરૂપના આશ્રયે જે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન થયા તે હવે આત્માના જ આશ્રયે અચલ ટકી રહે છે, કોઈ સંયોગના
કારણે શ્રદ્ધા–જ્ઞાન ચલાયમાન થતા નથી. આવા સ્વસંવેદનથી આત્માના વાસ્તવિકસ્વરૂપની ઓળખાણ કરવી તે
બહિરાત્મપણાથી છૂટવાનો ને અંતરાત્મા–ધર્માત્મા–થવાનો ઉપાય છે અને પછી આત્માના ચૈતન્યસ્વભાવમાં જ લીન
થઈને પોતે પરમાત્મા બની જાય છે.
એક ઘરમાં ભેગા રહ્યા હોય પણ બંનેના ભાવો જુદા જ છે. તેમ આ લોકમાં આત્મા અને જડ શરીરાદિ એક ક્ષેત્ર રહ્યા
હોવા છતાં બંનેના ભાવો તદ્ન જુદા છે. આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે ભાવમાં રહ્યો છે, ને કર્મ–શરીરાદિ તો
પોતાના અજીવ–જડ ભાવમાં રહ્યા છે; બંનેની એકતા કદી થઈ જ નથી. આવી અત્યંત ભિન્નતા હોવા છતાં મૂઢ આત્મા
જડથી ભિન્ન પોતાના સ્વરૂપને જાણતો નથી ને દેહાદિક જ હું છું–એમ માનીને મિથ્યાભાવમાં પ્રવર્તે છે,–તે જ
સંસારદુઃખનું કારણ છે. શુદ્ધજ્ઞાન ને આનંદ સિવાય બીજું બધુંય મારા સ્વરૂપથી બાહ્ય છે–એમ અંતરાત્મા પોતાના
આત્માને સમસ્ત પરભાવોથી ભિન્ન શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપે અનુભવે છે. પર્યાયમાં રાગાદિ ઉપાધિભાવો છે તેને જાણે છે,
પણ તે રાગાદિરૂપ અશુદ્ધ સ્વરૂપ જ આત્મા થઈ ગયો એમ નથી માનતા; રાગથી પણ પાર જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે
તેને અંર્તદ્રષ્ટિથી દેખે છે,–તે અંતરાત્મા છે.
જ્ઞાનઆનંદસ્વરૂપે અચલ રહેનાર છે. પુણ્ય પાપની ક્ષણિક વૃત્તિઓ આવે ને જાય તેટલો આત્મા નથી. દેહથી પાર,
રાગથી પાર, અંતરમાં જ્ઞાનાદિ અનંતગુણસ્વરૂપ પોતાનો આત્મા છે, તેની સાથે એકતા કરીને તેના આનંદનું જ્યાં
સ્વસંવેદન કર્યું ત્યાં બાહ્ય પદાર્થો અંશ માત્ર પોતાના ભાસતા નથી, ને તેમાં ક્યાંય સુખબુદ્ધિ રહેતી નથી. ચૈતન્યનું સુખ
ચૈતન્યમાં જ છે–એનો સ્વાદ જાણ્યો ત્યાં સંયોગની ભાવના રહેતી નથી. અજ્ઞાનીને અંતરના ચૈતન્યના આનંદના
સ્વાદની ખબર નથી તેથી બાહ્ય સંયોગમાં સુખ માનીને તે સંયોગની જ ભાવના ભાવે છે, ને સંયોગો મેળવીને તેના
ભોગવટા વડે સુખ લેવા માંગે છે; પણ જડ સંયોગમાંથી અનંતકાળેય સુખ મળે તેમ નથી, કેમકે ચૈતન્યનું સુખ બહારમાં
નથી. અજ્ઞાની જીવ બાહ્ય સંયોગ તરફના રાગ–દ્વેષ, હર્ષ–શોકનું જ વેદન કરે છે, પણ સંયોગથી ને રાગથી પાર
અસંયોગી ચૈતન્ય સ્વભાવના અતીન્દ્રિય આનંદનું વેદન તેને નથી. અહીં પૂજ્યપાદસ્વામી આત્માનું સ્વરૂપ બતાવે છે કે
હે જીવ! તારો આત્મા મનુષ્યાદિ શરીરરૂપ નથી, અનંત જ્ઞાન–આનંદ શક્તિસ્વરૂપ તારો આત્મા છે, તેને અંતરમાં
સ્વસંવેદનથી તું જાણ.