આત્મધર્મ
વર્ષ પંદરમુંઃ અંક બીજો સમ્પાદક રામજી માણેકચંદ દોશી માગશર ૨૪૮૪
ધન્ય તે પુત્ર...ને ધન્ય તે માતા!
કલૈયાકુંવર જેવા આઠ આઠ વર્ષના રાજકુમારને, આત્માના ભાન સહિત વૈરાગ્ય થતાં
આનંદમાં લીનતાની જ્યારે ભાવના જાગે છે, ત્યારે માતા પાસે જઈને દીક્ષા માટે રજા માંગે છે
કે હે માતા! આત્માના પરમ આનંદને સાધવા હું હવે જાઉં છું...હે માતા! સુખી થવા માટે હવે હું
જાઉં છું...માતાની આંખમાંથી આંસુની ધારા વહે છે ને પુત્રના રોમેરોમે વૈરાગ્યની છાયા છવાઈ
ગઈ છે. તે કહે છે કે અરે માતા! જનેતા તરીકે તું મને સુખી કરવા માંગે છે; તો હું મારા સુખને
સાધવા જાઉં છું, તું મારા સુખમાં વિઘ્ન ન કરીશ; બા! મારા આત્માના આનંદને સાધવા હું
જાઉં છું, તેમાં તું દુઃખી થઈને મને વિઘ્ન ન કરીશ...હે જનેતા! મને રજા આપ, હું આત્માના
આનંદમાં લીન થવા માટે જાઉં છું.
ત્યારે, માતા પણ ધર્માત્મા છે, તે પુત્રને કહે છે કે બેટા! તારા સુખના પંથમાં હું વિઘ્ન
નહિ કરું. તારા સુખનો જે પંથ છે તે જ અમારો પંથ છે. માતાની આંખમાં તો આંસુની ધાર
ચાલી જાય છે ને વૈરાગ્યથી કહે છેઃ હે પુત્ર! આત્માના પરમ આનંદમાં લીનતા કરવા માટે તું
જાય છે, તો તારા સુખના પંથમાં હું વિઘ્ન નહિ કરું...હું તને નહિ રોકું...મુનિ થઈને આત્માના
પરમ આનંદને સાધવા માટે તારો આત્મા તૈયાર થયો છે, તેમાં અમારું અનુમોદન છે. બેટા! તું
આત્માના નિર્વિકલ્પ આનંદરસને પી. અમારે પણ એ જ કરવા જેવું છે.–આમ માતા પુત્રને રજા
આપે છે.
અહા! આઠ વર્ષનો કલૈયા કુંવર જ્યારે વૈરાગ્યથી આ રીતે માતા પાસે રજા માંગતો હશે,
ને માતા જ્યારે વૈરાગ્યપૂર્વક તેને સુખપંથે વિચરવાની રજા આપતી હશે–એ પ્રસંગનો દેખાવ
કેવો હશે!!
પછી એ નાનકડો રાજકુંવર જ્યારે દીક્ષા લઈને મુનિ થાય, એક હાથમાં નાનકડું કમંડળ ને
બીજા હાથમાં મોરપીંછી લઈને નીકળે,–ત્યારે તો અહા! જાણે નાનકડા સિદ્ધભગવાન ઉપરથી
ઉતર્યા! વૈરાગ્યનો અબધૂત દેખાવ! આનંદમાં લીનતા! વાહ રે વાહ!! ધન્ય તારી દશા!
અને પછી બે–ત્રણ દિવસે જ્યારે આહાર માટે નીકળે, આનંદમાં ઝૂલતા ઝૂલતા ધીમેધીમે
ચાલ્યા આવતા હોય, ને આહાર માટે નાનકડા બે હાથની અંજલિ જોડીને ઊભા હોય...એ
દેખાવ કેવો હશે!!
પછી તો એ આઠ વર્ષના મુનિરાજ આત્માના ધ્યાનમાં લીન થઈને કેવળજ્ઞાન પ્રગટાવીને
સિદ્ધ થઈ જાય.–આવી આત્માની તાકાત છે. અત્યારે પણ વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિ
ભગવાન પાસે આઠ આઠ વર્ષના રાજકુમારોની દીક્ષાના આવા પ્રસંગ બને છે.
(પ્રવચનમાંથી)