Atmadharma magazine - Ank 172
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૧૭૨
આત્મા છું. મારો આત્મા કાંઈ નવો થયો નથી; શરીરનો સંયોગ નવો થયો છે. આ આત્મા પહેલાં (પૂર્વભવે)
બીજા શરીરના સંયોગમાં હતો, ત્યાંથી તે શરીરને છોડીને અહીં આવ્યો,–એ રીતે આત્મા તો ત્રિકાળ ટકનાર
તત્ત્વ છે, ને દેહ તો ક્ષણિક સંયોગી છે. મારું સ્વરૂપ તો જ્ઞાન–આનંદસ્વરૂપ છે, શરીર–ઇન્દ્રિયો તે મારું સ્વરૂપ
નથી, તે તો જડનું રૂપ છે; તે શરીરાદિ સાથે મારે વાસ્તવિક કાંઈ સંબંધ નથી, તેની સાથેનો સંબંધ તોડીને
જ્ઞાનાનંદસ્વરૂપ સાથે જ મારે સંબંધ જોડવા જેવો છે. મારા ચિદાનંદતત્ત્વ સિવાય જગતના કોઈ પદાર્થો સાથે મારે
એકતાનો સંબંધ કદી પણ નથી.–આમ સર્વ પ્રકારે વિચાર કરીને, અંતર્મુખ ચિત્તથી જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના
આત્માનો નિર્ણય કરવો ને દેહાદિકને પોતાથી બાહ્ય–ભિન્ન જાણવા, તે સિદ્ધાંતનો સાર છે. આવી રીતે
જ્ઞાનાનંદસ્વરૂપની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતાવડે પરમાત્મા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ દેહ તો જડ
છે, તે દેહમાંથી કાંઈ પરમાત્મદશા નથી આવતી, પરમાત્મદશા તો આત્મામાંથી આવે છે; દેહથી ભિન્ન આવા
આત્માને જાણીને તેમાં એકાગ્રતાવડે પરમાત્મદશા થાય છે, માટે દેહમાં આત્મબુદ્ધિ છોડીને, અંતરના
આત્મસ્વરૂપની શ્રદ્ધાથી અંતરાત્મા થઈને, પરમાત્મા થવાનો ઉદ્યમ કરવા યોગ્ય છે.
।। ૧૩ ।।
હવે ચૌદમી ગાથામાં આચાર્યદેવ કરુણાબુદ્ધિથી કહે છે કે અરે! જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્માને ચૂકીને
આ જગત બહારમાં દેહને જ પોતાનો માનીને તથા સ્ત્રી–પુત્ર–સંપત્તિ વગેરે બાહ્ય પદાર્થોને પણ પોતાના માનીને
નિંદનીય પ્રવૃત્તિ કરે છેઃ ‘
हा हतं जगत्!’ અરે! ખેદ છે કે પોતાની ચૈતન્ય સમૃદ્ધિને ભૂલેલું આ
જગત બાહ્ય સંપત્તિમાં મૂર્છાઈ પડયું છે! પોતે બહિરાત્મબુદ્ધિના અનંત દુઃખથી છૂટીને
ચિદાનંદ તત્ત્વને જાણ્યું છે, અને જગતના જીવો આત્માને જાણીને બહિરાત્મબુદ્ધિના
અનંત દુઃખથી છૂટે એવી કરુણાબુદ્ધિથી પૂજ્યપાદસ્વામી કહે છે કે–
देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः।
सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा! हतं जगत्।।१४।।
દેહમાં આત્મબુદ્ધિને લીધે આ મારો પુત્ર, આ મારી સ્ત્રી, આ મારો પતિ, આ મારા માતાપિતા–એવી કલ્પના
બહિરાત્માને થાય છે, તેમજ બહારમાં પ્રત્યક્ષ જુદા દેખાતા ઘર–દાગીના–લક્ષ્મી–વસ્ત્ર વગેરે સંપત્તિને આત્માની માને
છે–‘
हा हतं जगत
!’
અરે! જગત બિચારું ભ્રમણાથી ઠગાઈ રહ્યું છે. ખેદ છે કે ચૈતન્યની
આનંદસંપદાને ભૂલીને જગતના બહિરાત્મ જીવો બહારની સંપત્તિને જ પોતાની માનીને
હણાઈ રહ્યા છેઃ આત્માની સુધ–બુધ ભૂલીને આ જગત અચેત જેવું થઈ ગયું છે, તેને
દેખીને સંતોની કરુણા આવે છે.
દેહને આત્મા માનવો તે ભ્રમણા છે. તે ભ્રમણા મિથ્યાત્વ છે, મિથ્યાત્વ તે મોટો
કષાય છે, તે કષાયરૂપી હોળીમાં બહિરાત્માઓ સળગી રહ્યા છે, શાંતસ્વરૂપ ચૈતન્યને
ભૂલીને કષાય અગ્નિમાં બળજળીને બિચારા દુઃખી થઈ રહ્યા છે, અરેરે! તેઓ ઠગાઈ
રહ્યા છે...ભાવમરણમાં મરી રહ્યા છે, માટે અરે જીવો! તમે સમજો કે દેહાદિ બાહ્ય પદાર્થો
આત્માના નથી, આત્મા તો તેમનાથી જુદો જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; આવા આત્માને
જાણ્યે–માન્યે–અનુભવ્યે જ દુઃખ ટળીને શાંતિ–સમાધિ થાય છે.