માહઃ ૨૪૮૪ઃ ૨૩ઃ
શાસ્ત્ર–પ્રવચન
પ્રવચનમાં શ્રી સમયસારજીનું ૧૧ મી વખતનું વાંચન પોષ સુદ દસમે પૂરું થયું હતું અને ત્યારબાદ પોષ સુદ ૧૧
થી શ્રી પ્રવચનસારના છેલ્લા પંચરત્નો તથા પરિશિષ્ટનું વાંચન શરૂ થયેલ છે. બપોરના પ્રવચનમાં શ્રી નિયમસાર
વંચાય છે.
સોનગઢ–જિનમંદિરઃ કોતરણી અને ભક્તિ
શ્રી સોનગઢ જિનમંદિરમાં ચાલુ કોતરણી કામ લગભગ પૂરું થઈ ગયું છે...હવે અંદરની દીવાલો ઉપર
ઐતિહાસિક ચિત્રો કોતરવાનું બાકી છે. તેની તૈયારી ચાલે છે.
જિનમંદિરની અંદર જ્યારે કોતરણી કામ ચાલતું ત્યારે સાંજની ભક્તિ ઉપર શ્રી નેમિનાથ પ્રભુજી સન્મુખ
ખુલ્લી અગાશીમાં થતી...ત્યાં વૈરાગ્યભરેલી ભક્તિ ચાલતી હોય ત્યારે, જાણે કે ચારે બાજુ તીર્થધામોથી ઘેરાયેલા કોઈ
સુંદર ઉપવનમાં બેઠા બેઠા ભક્તિ કરતા હોઈએ–એવું વાતવરણ લાગે છે. જિનમંદિરની અગાશી ઉપરથી માનસ્તંભના
ભગવાન પણ બહુ નીકટવર્તી દેખાય છે.
જોરાવરનગરમાં દિ. જિનમંદિર માટે ઉત્સાહ
શ્રી જોરાવરનગરના દિ. જૈન મુમુક્ષુમંડળને પોતાના આંગણે જિનમંદિર કરાવી તેમાં જિનેન્દ્ર ભગવાનને
પધરાવવાની ખાસ ભાવના છે. આ માટે શ્રી નેમિનાથ ભગવાનના પ્રતિમાની પંચકલ્યાણક પ્રતિષ્ઠા પણ તેમણે
કરાવી લીધેલી છે, ને જિનમંદિર માટેની જગ્યાનો પણ બંદોબસ્ત થઈ ગયો છે. શ્રી ભગવાન અત્યાર સુધી તો
શેઠ અમુલખ લાલચંદભાઈના મકાનના એક ભાગમાં બિરાજમાન હતા. માગશર વદ ૯ ને રવિવારે બેન્ડવાજાં
સહિત ધામધૂમપૂર્વક શ્રી જિનેન્દ્ર ભગવાનને જિનમંદિર માટેની–સ્વાધ્યાયમંદિરની જગ્યામાં બિરાજમાન કરવામાં
આવ્યા છે. ત્યાર બાદ શ્રી સમયસારજીની રથયાત્રા પણ ગામમાં ફેરવવામાં આવી હતી. આ મંગળ પ્રસંગે ત્યાંના
મંડળના ભાઈ–બેનોને ઘણો ઉત્સાહ હતો. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના મુમુક્ષુઓએ પણ આ પ્રસંગમાં
ભાગ લીધો હતો. આ પ્રસંગે જિનમંદિરના ફંડમાં લગભગ ૩૦૦૦ ત્રણ હજાર રૂા. ની રકમો નોંધાઈ હતી. આ
શુભ પ્રસંગે, જોરાવરનગરમાં જિનમંદિર કરવાની ત્યાંના ભક્તોની ભાવના જલ્દી પૂરી થાય, એવી ભાવનાપૂર્વક
ત્યાંના મુમુક્ષુમંડળને અભિનંદન!
ગોંડલ શહેર
ગોંડલ શહેરમાં પણ ભક્ત જનોને જિનમંદિર બંધાવવાની ભાવના છે; અને તે માટે જગ્યાનો પ્લોટ પણ લેવાઈ
ગયો છે. આ માટે ત્યાંના મુમુક્ષુઓને પણ અભિનંદન!
વૈરાગ્ય સમાચાર
પાટી ગામના ભાઈ શ્રી માણેકચંદ વેલશી ભાઈના પુત્ર શ્રી જસવંતરાય લગભગ ૨પ વર્ષની યુવાન વયે
સ્વર્ગવાસ પામ્યા છે. ભાઈ શ્રી માણેકચંદભાઈને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ છે, જાત્રામાં પણ તેઓ સાથે જ
હતા; તેમના પુત્રને પણ ધર્મ પ્રત્યે સારી લાગણી હતી...અને સોનગઢ આવીને શિક્ષણ વર્ગમાં તેમણે ધાર્મિક અભ્યાસ
પણ કર્યો હતો, પણ કમળીના રોગથી નાની યુવાનવયમાં જ સ્વર્ગવાસ થઈ ગયો. આવા આઘાતજનક પ્રસંગને પણ
તત્ત્વજ્ઞાનના બળે વૈરાગ્ય પ્રસંગમાં ફેરવી નાખવો, અને એ રીતે તેને વૈરાગ્યનું કારણ બનાવીને ધાર્મિક ભાવના
વધારવી–તે દરેક જિજ્ઞાસુ જીવનું કર્તવ્ય છે.