Atmadharma magazine - Ank 173
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૭૩
જ્ઞાન થતું નથી. આ રીતે શુદ્ધ સ્વભાવરૂપ નિશ્ચયના જ્ઞાન વગર રાગાદિ વ્યવહારનું જ્ઞાન સમ્યક્ થતું નથી; નિશ્ચયના
જ્ઞાનપૂર્વક જ વ્યવહારનું જ્ઞાન સમ્યક્ થાય છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા અનંતગુણનો પિંડ છે, તેને ઓળખાવવા માટે તેની શક્તિઓનું આ વર્ણન છે. અંતર્મુખ
જ્ઞાનવડે ભગવાન આત્માને લક્ષમાં લેતાં અનંત શક્તિના એકરૂપ સ્વાદથી તે અનુભવમાં આવે છે. તે અનંતશક્તિમાં
એક એવી કર્મશક્તિ છે કે પોતાના સ્વભાવમાંથી પ્રગટ થતા નિર્મળભાવમય થઈને, આત્મા પોતે પોતાનું કર્મ થાય છે.
આવી શક્તિવાળા આત્માને જાણવો તે ધર્મનું મૂળ છે.
પ્રશ્નઃ– આપ આત્માને જાણવાનું કહો છો, પણ પરિગ્રહ છોડવાની વાત તો કરતા નથી!
ઉત્તરઃ– હું મારી જ્ઞાનાદિ અનંતશક્તિઓથી ભરેલો છું ને પરનો એક અંશ પણ મારામાં નથી–એમ ભેદજ્ઞાન
કરીને, પોતાના અનંતશક્તિસંપન્ન આત્માની પક્કડ થતાં (–શ્રદ્ધાજ્ઞાનમાં તેને પકડતાં) બાહ્ય પદાર્થોની અને
પરભાવોની પક્કડ છૂટી જાય છે, એટલે શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ ત્યાં સર્વ પરિગ્રહને ત્યાગ થઈ જાય છે.–આવો ત્યાગ
થતાં અનંત સંસાર છૂટી જાય છે. મિથ્યાત્વને લીધે રાગાદિ એકત્વબુદ્ધિરૂપ જે પક્કડ છે તે જ અનંતસંસારના કારણરૂપ
મોટો પરિગ્રહ છે, તે પરિગ્રહનો ત્યાગ કેમ થાય તેની આ વાત છે. મિથ્યાત્વનો ત્યાગ થયા પછી જ અવિરતિ વગેરેનો
ત્યાગ થાય છે. અંતરમાં અનંતગુણના પિંડની જેને પક્કડ નથી અને બાહ્યમાં ત્યાગી થઈને એમ માને છે કે મેં પરિગ્રહ
છોડયો,–પણ અંતરમાં રાગની રુચિને લીધે બધાય પરિગ્રહની પક્કડ તેને પડી છે, તેથી તેણે જરા પણ પરિગ્રહ છોડયો
એમ જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં સ્વીકારવામાં આવતું નથી. અહીં તો કહે છે કે આત્મા પોતાના સ્વભાવથી નિર્મળ
કાર્યરૂપે પરિણમે છે, તે નિર્મળ કાર્યમાં વિકારી કાર્યનો અભાવ છે, એટલે વિકારના નિમિત્તરૂપ પરિગ્રહની પક્કડ પણ
ત્યાં છૂટી જ ગઈ છે. એ રીતે નિર્મળ કાર્યમાં પરિગ્રહ–ત્યાગ પણ આવી જ જાય છે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા બાહ્ય પદાર્થોથી તો જુદો જ છે, ને રાગથી પણ ખરેખર જુદો છે; રાગ સાથે
તન્મય થવાનો તેનો સ્વભાવ નથી, જ્ઞાનાદિ સાથે જ તન્મય થવાનો તેનો સ્વભાવ છે. સ્વસન્મુખ થયેલું જ્ઞાન
આત્મા સાથે તન્મય થઈને આત્માને જાણે છે; અને રાગને જાણનારું જ્ઞાન રાગમાં તન્મય થયા વગર જ તેને
જાણે છે. જ્ઞાન જો સ્વસન્મુખ થઈને આત્મામાં તન્મય ન થાય તો તે આત્માને યથાર્થપણે જાણી શકતું નથી.
અને જ્ઞાન જો રાગમાં તન્મય થઈ જાય તો તે રાગને જાણી શકતું નથી; રાગથી જુદું રહે તો જ તે રાગને જાણી
શકે છે. જ્ઞાન સ્વને તો તન્મય થઈને જાણે છે ને પરને–રાગાદિને તન્મય થયા વિના જ જાણે છે,–આવો જ
જ્ઞાનનો સ્વભાવ છે. આવા નિર્મળ જ્ઞાનરૂપ કાર્યને પ્રાપ્ત કરીને, તેમાં તન્મય થઈને, આત્મા પોતે પોતાના
કર્મરૂપ થાય છે–એવી તેની કર્મશક્તિ છે.
૪૧ મી કર્મશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
પરમ પારિણામિક સ્વભાવ
આત્માનો સ્વભાવ પરમ પારિણામિક ભાવરૂપ
ત્રિકાળ છે; તે સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. તે
સ્વભાવ કઈ રીતે પકડાય? રાગાદિ ઔદયિક ભાવવડે તે
સ્વભાવ પકડાતો નથી; ઔદયિક ભાવો તો બહિર્મુખ છે ને
પારિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે, તે બહિર્મુખ ભાવવડે
અંતર્મુખ ભાવ પકડાય નહિ. હવે જે અંતર્મુખી ઉપશમ–
ક્ષયોપશમ કે ક્ષાયકભાવ છે તેના વડે તે પારિણામિક
સ્વભાવ જો કે પકડાય છે, પરંતુ તે ઉપશમાદિ ભાવોના
વિકલ્પવડે તે નથી પકડાતો. અંતર્મુખ થઈને એ પરમ
સ્વભાવને પકડતાં ઉપશમાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. તે
ભાવો પોતે કાર્યરૂપ છે, ને પરમ પારિણામિક સ્વભાવ
કારણરૂપ પરમાત્મા છે.
(–પ્રવચનમાંથી)