ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૭૪
છે; અને તે મોક્ષસાધક સંતોની અંર્તપરિણતિ ચિદાનંદ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગઈ છે, સ્વરૂપમાં એવી જામી ગઈ છે કે
જાણે સુષુપ્ત હોય...જેમ ઘોર નિદ્રામાં સૂતેલાને આસપાસના જગતનું ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાંતિમાં
ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્યવિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી, અંર્તસ્વરૂપની લીનતામાંથી બહાર
નીકળવું જરાય ગોઠતું નથી; આસપાસ વનના વાઘ ને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ તેનાથી જરાય ડરતા નથી કે
સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી.–અહા, એ દશાની ભાવના ભાવતાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે,
એકાકી વિચરતો વળી સ્મશાનમાં
વળી પર્વતમાં સિંહ વાઘ સંયોગ જો..
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો..
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
અહા! આવા સ્વદ્રવ્યમાં લીન શુદ્ધોપયોગી સંત ભગવંતો, તેઓ પોતે જ મોક્ષના સાધન છે, તેઓ પોતે જ
સાક્ષાત્ જીવંત મોક્ષમાર્ગ છે.
જુઓ, ઉત્કૃષ્ટ વાત છે એટલે સાક્ષાત્ શુદ્ધોપયોગી સંતને મોક્ષના સાધન તરીકે વર્ણવ્યા. છઠ્ઠે ગુણસ્થાને
શુભોપયોગમાં વર્તતા મુનિઓને પણ અંતરમાં તે વખતે વર્તતી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ પરિણતિ (વીતરાગ
પરિણતિ) તે જ મોક્ષમાર્ગ છે, તેનો ઉપચાર કરીને શુભને વ્યવહાર સાધન કહ્યું છે. ખરેખર તો જેટલો રાગ છે તે
મોક્ષના સાધનથી વિપક્ષ જ છે. શુદ્ધ રત્નત્રય તો મોક્ષસાધન જ છે, તે બંધસાધન નથી; અને રાગ તો
બંધસાધન જ છે, તે મોક્ષસાધન નથી; આ રીતે બંધમોક્ષના કારણરૂપ ભાવોને ભિન્ન ભિન્ન સ્વરૂપે
જે નથી ઓળખતો તેને તો મુનિદશાની પણ ઓળખાણ હોતી નથી. મુનિ તો શુદ્ધ પરિણતિવાળા
હોય છે, શુદ્ધરત્નત્રયના નિર્વિકલ્પ આનંદના પીણાં પીને મસ્ત થયા છે, ને શુદ્ધોપયોગવડે મોક્ષને
સાધે છે. તેમની શુદ્ધ પરિણતિ જ મોક્ષનું સાધન છે, બીજું કોઈ મોક્ષનું સાધન નથી.–એમ આ રત્ન
પ્રકાશે છે.
આ રીતે અર્હંતદેવના સમગ્ર શાસનમાં કહેલા મોક્ષના સાધનને આ સૂત્ર સંક્ષેપથી સર્વતઃ
પ્રકાશે છે, એટલે કે આ સૂત્રમાં મોક્ષના સાધનનું જે સ્વરૂપ કહ્યું તેને અનુસરીને સમગ્ર શાસ્ત્રોનું
તાત્પર્ય સમજી લેવું, આનાથી વિરુદ્ધ તાત્પર્ય ક્યાંય પણ ન સમજવું.
અહા! આવા શુદ્ધોપયોગી સંતમુનિવરો સકળ મહિમાનું સ્થાન છે; સર્વ મનોરથના સ્થાન તરીકે તેઓ
અભિનંદનીય છે. મુમુક્ષુના સર્વ મનોરથની સિદ્ધિ આવા શુદ્ધોપયોગવડે થાય છે, તેથી તેને
અભિનંદતા થકા અતિ આસન્નભવ્ય મહામુમુક્ષુ આચાર્યદેવ કહે છે કે હું આવા શુદ્ધોપયોગને
અભેદપણે ભાવીને નમસ્કાર કરું છું, એટલે કે હું તે–રૂપે પરિણમું છું. આ કહેવાનો વિકલ્પ ઊઠયો તે તો
જુદી વાત છે (ગૌણ છે) પણ તે વખતે આચાર્યદેવની પરિણતિ તે પ્રકારની શુદ્ધતારૂપે પરિણમી જ રહી છે, એટલે કે
જેવું ‘વાચક’ પરિણમે છે તેવું જ અંદર ‘વાચ્ય’ પણ પરિણમી જ રહ્યું છે, આ રીતે સંધિબદ્ધ રચના છે,–વાચક–
વાચ્યની સંધિ તૂટતી નથી.
આ રીતે પંચરત્નમાંથી પહેલા રત્નમાં સંસારતત્ત્વ બતાવ્યું; બીજા રત્નમાં મોક્ષતત્ત્વ બતાવ્યું; ને આ ત્રીજા
રત્નમાં મોક્ષનું સાધનતત્ત્વ બતાવ્યું; હવે ચોથા રત્નમાં તે મોક્ષના સાધનને સર્વ મનોરથના સ્થાન તરીકે આચાર્યદેવ
અભિનંદે છેઃ
* * *
ચોથું રત્ન
સર્વ મનોરથના સ્થાનભૂત એવા મોક્ષતત્ત્વના સાધનતત્ત્વને અભિનંદે છે–
રે! શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શનશુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪