Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 29

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ૧૭૬
(આ જ્ઞાન–શ્રદ્ધા–ચારિત્ર ને આનંદની જેમ પુરુષાર્થ વગેરે બધા ગુણોમાં સમજી લેવું.)
‘અહો! હું જ દાતાર થઈને મારા આત્માને સદાય આનંદ આપ્યા જ કરું, ને હું જ સંપ્રદાન થઈને સદાય આનંદ
લીધા જ કરું–આવો મારો સ્વભાવ છે’–એમ જ્યાં શ્રદ્ધા થઈ ત્યાં પોતાના સ્વભાવના આનંદનું વેદન થયું, ને બાહ્યમાં
ક્યાંય પણ આનંદની કલ્પના સ્વપ્નેય ન રહી. પોતે જ દાતાર થઈને પોતાને આનંદ દીધો, ને પોતે જ લેનાર થઈને
પોતાનો આનંદ લીધો; તેથી તે આનંદ સદાય ટકી જ રહેશે, અર્થાત્ આત્મા સદાય પોતાને આનંદ દીધા જ કરશે ને પોતે
તે સદાય લીધા જ કરશે. માટે હે જીવ! જો તારે આનંદ જોઈતો હોય તો આનંદના દાતાર એવા તારા આત્મા પાસે જ
જા. ત્યાંથી જ તને આનંદ મળશે, એ સિવાય જગતમાં બીજે ક્યાંયથી તને આનંદ નહિ મળે.
આત્મા પોતે નિર્મળ પર્યાયોનો દાતાર છે ને પોતે જ તેનો લેનાર છે, આવો આત્માનો સંપ્રદાન સ્વભાવ છે; તે
સમજાવવા માટે અહીં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર તથા આનંદગુણની જુદી જુદી વાત લીધી છે. પણ એ ધ્યાન રાખવું કે એકેક
ગુણના ભેદના લક્ષે નિર્મળતા થતી નથી. આત્મા તો એક સાથે અનંતગુણનો પિંડ છે, તેના જ લક્ષે બધા ગુણોની
નિર્મળ દશા થાય છે; એક શક્તિને જુદી પાડીને તેના લક્ષે વિકાસ કરવા માગે તો તેનો વિકાસ થતો નથી, ત્યાં તો માત્ર
વિકલ્પ થાય છે. તે વિકલ્પમાં એવી તાકાત નથી કે કોઈ ગુણની નિર્મળ દશા આપે. અખંડ આત્મસ્વભાવમાં જ એવી
તાકાત છે કે અનંતગુણોથી ભરેલી પરમાત્મદશાને આપે.
અહો! મારો આત્મા અનંત અનંત શક્તિનો ભંડાર અનાદિઅનંત છે. જ્યારે હું પાત્ર થઈને લઉં ત્યારે મને
મારી પરમાત્મદશા આપે એવો તે ઉદાર દાતાર છે.–આવા નિજસ્વભાવની, હે જીવો! તમે પ્રતીત તો કરો...તેની
ઓળખાણ તો કરો...તેના પ્રત્યે ઉલ્લાસ તો કરો! આવા ચૈતન્યસ્વભાવને જેણે લક્ષમાં લીધો તેનું જીવન સફળ છે.–
બાકી બીજાનું તો શું કહેવું?
આત્મા પોતે જ પોતાને સુખનો દાતાર છે. જો આત્મા પોતે જ પોતાને સુખનો દાતાર ન હોય ને બીજા પાસેથી
સુખ માગવું પડતું હોય તો તો પરાધીનતા થઈ, પરાધીનતામાં તો સ્વપ્નેય સુખ ક્યાંથી હોય? સ્વાધીનપણે આત્મા
પોતે જ પોતાને સુખનો દાતાર છે, ને પોતે જ પાત્ર થઈને લેનાર છે.
(૧) ‘પાત્રે દાન દેવું’–પાત્ર કોણ છે જગતમાં? હું આત્મા પોતે જ મારું સુખ લેવાને પાત્ર છું.
(૨) ‘દાતાર છે કોઈ?’–હા અનંતશક્તિથી ભરેલો હું પોતે જ દાતાર છું.
(૩) ‘દાતાર દાનમાં શું દેશે?’ મારો આત્મા દાતાર થઈને જ્ઞાન–દર્શન–આનંદરૂપ નિર્મળ પર્યાયોનું દાન દેશે.
(૪) કઈ વિધિથી દાન દેશે?–પોતાથી જ દેશે, એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્ર રહીને સ્વરૂપ–
ભંડારમાંથી જ નિર્મળ પર્યાયો કાઢી કાઢીને તેનું દાન દેશે.
દાન દેવાનો અવસર આવે ત્યાં દાતાર છૂપે નહિ, તેમ હે જીવ! તારે આ દાનનો અવસર આવ્યો છે, તેને તું
ચૂકીશ નહિ. તું પોતે પાત્ર થઈને, અને તું પોતે જ દાતાર થઈને, જ્ઞાન–દર્શન–આનંદની નિર્મળ પર્યાયોનું દાન, અંતરમાં
એકાગ્ર થઈને આપ અને સંપ્રદાન થઈને તે દાન તું લે. અનંત શક્તિથી પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવ જેવો મોટો દાતાર
મળ્‌યો, તો હવે તેની સેવા (શ્રદ્ધા અને એકાગ્રતા) કરીને પરમાત્મદશાનાં દાન માંગ, તો તને તારી પરમાત્મદશાનાં દાન
મળી જાય. તે પરમાત્મદશા લઈને તેનું સંપ્રદાન થવાનો તારો સ્વભાવ છે.
મારા સ્વભાવને સાધીને હું પરમાત્મા થાઉં–એવી ભાવનાને બદલે, ‘હું સમજીને પછી બીજાને સમજાવું’
એમ બીજાને સમજાવવાના અભિપ્રાયથી જે સમજવા માંગે છે તે પોતાની સમજણનું સંપ્રદાન પરને માને છે
એટલે અંતર્મુખ થઈને પોતાના સ્વભાવને તે સાધી શકતો નથી. જે આત્માર્થી છે તે તો પોતપોતાના હિતને માટે
જ સમજવા માંગે છે.
અહો! અનંતકાળે માંડ માંડ મળે એવા આ ટાણાં આવ્યા છે, તેમાં ગુરુગમે સત્ સ્વભાવનું શ્રવણ મળવું તો
મહાદુર્લભ છે. આવા અવસરમાં અપૂર્વ ભાવે શ્રવણ, ગ્રહણ ને ધારણ કરીને સ્વભાવમાં પહોંચી જવાની આ વાત છે,
એ જ કરવા જેવું છે. એના સિવાય બીજું તો બધુંય ઊકરડા ઊથામવા જેવું થોથે–થોથા છે.
ભગવાન આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાવવા માટે તેની શક્તિઓનું આ વર્ણન ચાલે છે; તેમાં આ (૪૪
મી) સંપ્રદાન શક્તિમાં આત્માને સુપાત્ર ઠરાવ્યો,