Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 29

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૬
આતમ શક્તિ સાધે ગ્યાનકો ઉદૌ આરાધે,
સોઈ સમકિતી ભવસાગર તરતુ
હૈ.
(નાટક સમયસારઃ ૮)
–જુઓ, આ સાધક સમકિતીની અદ્ભુત દશા!! જેના હૃદયમાં ગણધર જેવો નિજ–પરનો વિવેક પ્રગટ
થયો છે, જે આત્માના અનુભવથી આનંદિત થઈને મિથ્યાત્વાદિ મહામોહને નષ્ટ કરે છે, સાચા સ્વાધીન સુખને
સુખ માને છે, પોતાના જ્ઞાનાદિ ગુણોનું અવિચલ શ્રદ્ધાન કરે છે, પોતાના સમ્યગ્દર્શનાદિ સ્વભાવને પોતામાં જ
ધારણ કરે છે, જેમ કતકફળ જળ અને કાદવને જુદા કરે છે તેમ ભેદજ્ઞાનવડે જે જીવ અને અજીવને વિલક્ષણ
જાણીને જુદા કરે છે, આત્મશક્તિને જે સાધે છે ને જ્ઞાનના ઉદયને (કેવળજ્ઞાનને) આરાધે છે;– આવા સમકિતી
જીવ ભવસાગરને તરે છે.
સમકિતી જીવની ખરેખરી ઓળખાણ કરે તોય જીવનું લક્ષ ફરી જાય, ને પોતાના સ્વભાવ તરફ વલણ થઈ
જાય. સમકિતી તો પોતાના સ્વભાવને જ સાધે છે. અરે જીવ! તું જ તારો દાતાર, ને તું જ તારો લેનાર. તું દાતાર
થઈને તારી પર્યાયમાં ગમે તેટલું દાન આપ તોય તારી સ્વભાવશક્તિમાંથી કાંઈ ઘટે નહિ–આવો તારો સ્વભાવ છે.
આવા દાતારને છોડીને હવે બહારમાં તારે બીજો કયો દાતાર ગોતવો છે? આ દાતાર સામે જોઈને તેની પાસેથી તું
નિર્મળ પર્યાયનું દાન લેવાને પાત્ર થા...બીજા પાસે ભીખ ન માંગ.
બીજા પાસે દાન માંગે ત્યાં તો બીજો ન પણ આપે, પણ અહીં તો પોતે પાત્ર થાય ત્યાં આત્મા
સમ્યગ્દર્શન, વગેરેનું દાન આપ્યા વિના રહે જ નહિ–એવો મોટો દાતાર છે. પોતે જ દાતાર છે પછી શી ચિંતા?
સ્વભાવમાં એકાગ્ર થઈને તારે જોઈએ તેટલું દાન લે..તારે જેટલા જ્ઞાન ને આનંદ જોઈએ તેટલા દેવાની તાકાત
તારા સ્વભાવમાં ભરી છે. લૌકિકમાં તો દાન આપનાર દાતારની મૂડી ઘટે છે પણ અહીં તો આત્મા પોતે એવો
લોકોત્તર દાતાર છે કે ક્ષણેક્ષણે (–સમયે સમયે) પરિપૂર્ણ જ્ઞાન–આનંદના દાન અનંતકાળ સુધી આપ્યા જ કરે
છતાં તેની મૂડી જરાય ઘટે નહિ.
આત્મા પોતે પરિપૂર્ણ શક્તિમાન છે, પોતે પોતામાં લીન થઈને પોતાના સ્વભાવમાંથી નિર્મળતાનું દાન
કરે છે, અને પોતે જ તે દાન લ્યે છે,–આવું દાન લેવાની પાત્રતારૂપ સંપ્રદાનશક્તિ આત્મામાં છે. જેમ આત્મામાં
જ્ઞાનશક્તિ છે, આનંદશક્તિ છે, તેમ આ સંપ્રદાનશક્તિ પણ છે. જો આત્મામાં જ્ઞાનશક્તિ ન હોય તો આત્મા
જાણે ક્યાંથી? જો આત્મામાં સુખશક્તિ ન હોય તો આત્માને અનાકુળતારૂપ સુખ ક્યાંથી થાય? જો આત્મામાં
શ્રદ્ધાશક્તિ ન હોય તો પોતે પોતાનો વિશ્વાસ ક્યાંથી કરી શકે? જો આત્મામાં ચારિત્રશક્તિ ન હોય તો પોતાના
સ્વરૂપમાં સ્થિરતા કેમ કરી શકે? જો આત્મામાં જીવનશક્તિ ન હોય તો આત્મા જીવી કેમ શકે? જો આત્મામાં
વીર્યશક્તિ ન હોય તો તે પોતાના સ્વરૂપની રચનાનું સામર્થ્ય ક્યાંથી લાવે? જો આત્મામાં પ્રભુત્વ શક્તિ ન હોય
તો અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી તે કઈ રીતે શોભે? જો આત્મામાં કર્તૃત્વશક્તિ ન હોય તો પોતે પોતાના
નિર્મળકાર્યને કઈ રીતે કરે? એ જ પ્રમાણે જો આત્મામાં સંપ્રદાન શક્તિ ન હોય તો પોતે પોતાનો દાતાર, ને
પોતે જ નિર્મળતાનો લેનાર કઈ રીતે થઈ શકે? પોતાના સ્વભાવથી આત્મા પોતે જ જ્ઞાન–આનંદનો દેનાર છે ને
પોતે જ તેનો લેનાર છે–એવા ભાન વિના પરચીજ દેવા–લેવાનો મિથ્યા વિકલ્પ કદી છૂટે નહિ, ને અંતરમાં
એકાગ્રતા થાય નહિ. જ્ઞાની તો ‘હું જ મારો દાતાર ને હું જ મારો લેનાર’ એવા નિર્ણયના જોરે અંર્તસ્વભાવમાં
એકાગ્ર થઈને જ્ઞાન–આનંદના નિધાન મેળવી લ્યે છે. જો બીજો દ્યે ને પોતે લ્યે તો તો પરાધીનતા થઈ ગઈ,
પોતાની સ્વાધીનશક્તિ ન રહી. જો આત્મામાં પોતે જ દાતાર ને પોતે જ લેનાર એવી શક્તિ ન હોય તો પર
સામે જ જોયા કરવું પડે ને પોતામાં કદી એકતા થાય જ નહિ. પણ આત્મામાં એવી સંપ્રદાન શક્તિ છે કે એક
સમયમાં પોતે જ દેનાર ને પોતે જ લેનાર છે, દેવાનો ને લેવાનો સમયભેદ નથી, તેમજ દેનાર ને લેનાર જુદા
નથી. અહો! મારા સ્વભાવમાંથી જ કેવળજ્ઞાન અને સિદ્ધપદના દાન લેવાની મારી તાકાત છે–એમ પ્રતીત કરીને
સ્વસન્મુખ થઈને પોતે પોતાની શક્તિનું દાન કદી લીધું નથી, સ્વને ચૂકીને પરના આશ્રયે અનાદિથી વિકારનું જ
દાન લીધું છે. જો પાત્ર થઈને પોતે પોતાની શક્તિમાં દાન લ્યે તો અલ્પ કાળમાં મુક્તિ થાય, માટે હે જીવ! તારી
સ્વભાવશક્તિને સંભાળ..ને તે સ્વભાવવડે દેવામાં આવતા નિર્મળજ્ઞાન–આનંદનું દાન લે.
–૪૪મી સંપ્રદાનશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.