Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 29

background image
જેઠઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માના ભાનપૂર્વક, બાહ્ય પદાર્થો તરફની પ્રવૃત્તિ છોડીને અંતરમાં ઠરવા માટે
જ્ઞાની એમ વિચારે છે કે–
यन्मया द्रश्यते रूपं तन्न जानाति सर्वथा ।
जानन्न द्रश्यते रूपं ततः केन ब्रवीम्यहम् ।।१८।।
ઇન્દ્રિયજ્ઞાનનો વેપાર બાહ્ય પદાર્થોમાં જ છે; ઇન્દ્રિય–જ્ઞાનદ્વારા બાહ્યમાં જે કાંઈ દેખાય છે તે તો અચેતન છે,
શરીરનું રૂપ વગેરે દેખાય છે તે તો અચેતન છે, તે જરા પણ જાણતું નથી. હું તેના ઉપર રાગ કરું કે દ્વેષ કરું તો પણ
તેને કાંઈ ખબર નથી કે આ મારા ઉપર રાગ કે દ્વેષ કરે છે. મારા અભિપ્રાયને તે જાણતું જ નથી, તો હું તેની સાથે શું
બોલું? અને જે જાણનારા છે એવા અન્ય જીવોનું રૂપ તો મને ઇન્દ્રિયજ્ઞાન દ્વારા દેખાતું નથી, માટે બહારમાં હું કોની
સાથે બોલું? આત્મા તો ઇન્દ્રિયનો વિષય બનતો નથી ને જડ અચેતન શરીર સાથે બોલું તે તો વ્યર્થ બકવાદ છે, માટે
બાહ્ય પ્રવૃત્તિ જ બધી વ્યર્થ છે, તેથી ઇન્દ્રિયો તરફનો વેપાર છોડીને હું મારા જ્ઞાનને અંતર્મુખ કરું છું.–એમ જ્ઞાની
ભાવના ભાવે છે. આ રીતે બાહ્ય વિષયો તરફનું વલણ છોડીને જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું તેમાં જ શાંતિ અને
સમાધિ છે. જ્ઞાનને બાહ્ય વિષયોમાં ભટકાવવું તે તો અશાંતિ અને વ્યગ્રતા છે.
એકવાર દ્રઢ નિર્ણયથી પોતાના વેદનમાં જ એમ ભાસવું જોઈએ કે અરે! બાહ્ય વલણમાં ક્યાંય કોઈ પણ
વિષયમાં રંચમાત્ર સુખ મને વેદાતું નથી, બાહ્ય વલણમાં તો એકલી આકુળતા જ વેદાય છે, ને અંતર તરફના વલણમાં
જ શાંતિ અને અનાકુળતા જ છે; માટે મારે મારા સ્વભાવમાં જ અંતર્મુખ થવા જેવું છે.–આવા નિર્ણયના જોરે અંતર્મુખ
થતાં વિકલ્પ તુટીને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે.
* * * * *
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ ૯–૧૦ રવિવાર)
સમાધિ કેમ થાય એટલે આત્માને શાંતિ કેમ થાય? તેની આ વાત છે. બર્હિમુખપણું છોડીને એકદમ
અંતર્મુખ થવાની આ વાત છે. ઇન્દ્રિયજ્ઞાનનો વેપાર બાહ્યમાં છે ને તેનાથી તો જડ શરીર દેખાય છે, તે જડમાં
તો કાંઈ સમજવાની તાકાત નથી, તો તેની સાથે હું શું વાત કરું? અને સામાનો અતીન્દ્રિય આત્મા તો કાંઈ
ઇન્દ્રિયજ્ઞાનથી દેખાતો નથી; માટે પરને સમજાવવાની કે પર સાથે વાત કરવાની બાહ્યવૃત્તિ છોડીને પોતાના
આત્મામાં જ અંતર્મુખ થવા જેવું છે. મારે તો મારા આત્માને લક્ષમાં લઈને ઠરવાનું છે–એમ જ્ઞાની ભાવના
ભાવે છે.