Atmadharma magazine - Ank 176
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 29

background image
ઃ ૨૪ઃ આત્મધર્મઃ ૧૭૬
પંચકલ્યાણક મહોત્સવના પ્રારંભમાં મંગલરૂપે આઠ કુમારિકા બહેનોએ શ્રી જિનેન્દ્રદેવની સ્તુતિ કરી હતી. ત્યારબાદ,
સ્વર્ગમાં સૌધર્મેન્દ્રની સભા ભરાણી છે, ઇન્દ્ર અવધિજ્ઞાનથી છ મહિના બાદ આદિનાથ તીર્થંકરનો ગર્ભકલ્યાણક થવાનું
જાણીને દેવોને પંદર મહિના સુધી રત્નવૃષ્ટિ કરવાની આજ્ઞા આપે છે, તેમજ આઠ દેવીઓને મરૂદેવીમાતાની સેવા માટે
નિયુક્ત કરે છે–એ બધા ભાવો બતાવવામાં આવ્યા હતા. ઇન્દ્રાદિક દેવો આવીને ભગવાનના માતા–પિતાનું બહુમાન
કરે છે ને ભેટ ધરે છે; માતાજી સોળ મંગળસ્વપ્નો દેખે છે–ઇત્યાદિ સુંદર દ્રશ્યો થયા હતા.
વૈશાખ સુદ ૧૦ના રોજ સવારમાં ગર્ભકલ્યાણકનું દ્રશ્ય થયું હતું; તેમાં દેવીઓ મરૂદેવી માતાની સેવા
કરે છે, માતાજી સાથે અનેકવિધ પ્રશ્નચર્ચા કરે છે; અને માતાજી રાજસભામાં જઈને નાભિરાજા સમક્ષ ૧૬
મંગલ સ્વપ્નોનું વર્ણન કરે છે, ને મહારાજા નાભિરાય તે સ્વપ્નોના ઉત્તમ ફળ તરીકે તીર્થંકરભગવાન શ્રી
ઋષભદેવના ગર્ભાવતરણનું વર્ણન કરે છે. (ભગવાનના માતાપિતા તરીકે શેઠશ્રી મનસુખલાલ ગુલાબચંદ તથા
તેમના ધર્મપત્ની હતા)
બપોરે પૂ. ગુરુદેવના પ્રવચન બાદ શ્રી જિનમંદિરશુદ્ધિ, વેદીશુદ્ધિ, કળશ તથા ધ્વજશુદ્ધિ થઈ હતી; જિનમંદિરમાં
ઇન્દ્રો–ઇન્દ્રાણીઓએ તથા દેવીઓએ વેદી શુદ્ધિ વગેરે કર્યા બાદ, પૂ. બેનશ્રીબેને શુદ્ધિ તથા સ્વસ્તિક કર્યા હતા; પવિત્ર
આત્માઓના મંગલહસ્તે ભગવાનના ધામની શુદ્ધિ થતી દેખીને ભક્તોને ઘણો હર્ષ થયો હતો. રાત્રે અજમેરની
ભજનમંડળીદ્વારા ભક્તિનો પ્રોગ્રામ થયો હતો.
વૈશાખ સુદ ૧૧ના રોજ ઋષભદેવ તીર્થંકરના જન્મકલ્યાણકનો મહોત્સવ ઘણા ઉત્સાહથી સુંદર રીતે થયો
હતો. સવારમાં મરૂદેવીમાતાની કૂખે શ્રી આદિનાથ ભગવાનનો જન્મ થવાની મંગળવધાઈ દેવીઓએ આપી હતી;
ચારે બાજુ વાજિંત્રોના મંગલનાદ અને સ્વર્ગમાં ઘંટારવ થતા હતા. ઇન્દ્રસભામાં ભગવાનના જન્મની ખબર
પડતાં જ ઇન્દ્રોએ સિંહાસનથી ઊતરીને બાલ–પ્રભુજીને વંદન કર્યા અને તરત જ અદ્રશ્ય–ઐરાવત હાથી ઉપર
બેસીને ભગવાનના જન્મધામની ત્રણ પ્રદક્ષિણા કરી હતી. પ્રદક્ષિણા બાદ શચી–ઇન્દ્રાણીએ બાલપ્રભુજીને તેડીને
હર્ષપૂર્વક ઇન્દ્રના હાથમાં આપ્યા હતા. પછી હાથી ઉપર બિરાજમાન કરીને પ્રભુજીને મેરૂપર્વત ઉપર લઈ જવાનું
ભવ્ય જુલૂસ નીકળ્‌યું હતું. શહેરના સુશોભિત રસ્તાઓ ઉપર આ જુલૂસ ઘણું શોભતું હતું. ઐરાવત ઉપર
બિરાજમાન બાલપ્રભુજીના દર્શન કરવા આખી નગરીના પ્રજાજનો ઉમટી રહ્યા હતા. અજમેરની ભજનમંડળી પણ
સાથે હોવાથી પ્રસંગ ઘણો ઉલ્લાસભર્યો હતો. મેરૂપર્વત પાસે પહોંચતા ત્યાં હાથીએ ત્રણ પ્રદક્ષિણા કરી ને પછી
પાંડુકશિલા ઉપર પ્રભુજીને બિરાજમાન કર્યા. સુપ્રભાતના પ્રકાશમાં મેરુ ઉપર બિરાજમાન પ્રભુજીનું દ્રશ્ય અત્યંત
ભવ્ય લાગતું હતું. એ વખતે ભગવાનને નીરખતાં એમ થતું હતું કે અહો નાથ! ધન્ય આપનો અવતાર! ધન્ય
આપનો જન્મ! આ અવતારમાં જ આત્માના પૂર્ણ હિતને સાધીને આપ તીર્થંકર થશો..ને જગતના અનેક ભવ્ય
જીવોનો ઉદ્ધાર કરશો..આ આપનો છેલ્લો અવતાર છે..એ બાલક પ્રભુજીને નીરખતાં ભક્તોને બહુ આનંદ થતો
હતો. પછી ઇન્દ્રોએ તેમજ અનેક ભક્તજનોએ અતિશય ઉલ્લાસપૂર્વક શ્રી ઋષભકુંવર ભગવાનનો જન્માભિષેક
કર્યો..તે પ્રસંગે ચારે તરફ પ્રસન્નતા અને ભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું. લીંબડીના નામદાર શ્રી ઠાકોર
સાહેબ પણ ભગવાનનો જન્માભિષેક જોવા આવ્યા હતા. જિનેન્દ્ર અભિષેક માટે ભક્તોને એટલો ઉત્સાહ હતો કે
૧૧ ને બદલે ઠેઠ પ૧ કળશ સુધી ઊછામણી થઈ હતી. અભિષેક બાદ ભગવાનને દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવીને
પાછા આવીને માતાજીને સોંપ્યા હતા, અને ત્યાં ઇન્દ્ર–ઇન્દ્રાણી વગેરેએ ભક્તિપૂર્વક તાંડવ નૃત્ય કર્યું હતું..સર્વે
ભક્તજનો ભગવાનના જન્મની ખુશાલી મનાવતા હતા.
બપોરના પ્રવચનમાં ગુરુદેવે તીર્થંકર ભગવાનના જન્મનો મહિમા સમજાવ્યો હતો; પ્રવચન બાદ શ્રી
આદિકુંવરનું પારણું ઝુલાવવાની ક્રિયા થઈ હતી, ભક્તો ભાવપૂર્વક ભગવાનનું પારણું ઝૂલાવતા હતા..પારણું ઝૂલાવતી
વખતે ભગવાન પ્રત્યેના પૂ. બેનશ્રીબેનના વિશેષ ભાવો જોઈજોઈને ભક્તોને હર્ષ થતો હતો.
રાત્રે શ્રી આદિનાથ મહારાજાના રાજદરબારનો દેખાવ થયો હતો..પ્રથમ શ્રી નાભિમહારાજા આદિકુમારને
પટ્ટબંધન કરીને તેમનો રાજ્યાભિષેક કરે છે; ને ત્યારબાદ મહારાજા આદિકુમારના રાજદરબારમાં દેશોદેશના