Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 34

background image
આસોઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
દુઃખનો જેના અંતરમાં ત્રાસ લાગતો હોય ને કોઈ પણ પ્રકારે તેનાથી છૂટીને શાંતિ મેળવવા ચાહતો હોય તે જીવ
ખરેખરો આત્માર્થી થઈને શાંતિનો ઉપાય શોધે છે. આત્માની શાંતિ માટે ગરજવાન થયેલો તે જીવ, પ્રથમ તો જગતમાં
કેવા કેવા તત્ત્વો છે તેને જાણે છે, અને તેમાં પોતે કોણ છે તે પણ જાણે છે. પછી પોતાનો વાસ્તવિક શુદ્ધ સ્વભાવ શું છે
તે નક્કી કરીને અંર્તસ્વભાવ તરફ વળે છે, ને આ રીતે તે જીવ શાંતિ પ્રાપ્ત કરે છે.
જુઓ, પોતાના અંર્તસ્વભાવ તરફ વળીને તેની અતીન્દ્રિય શાંતિના અંશનું જ્યારે વેદન થયું ત્યારે તે જીવ
જાણે છે કે અહા! આવી શાંતિસ્વરૂપ જ મારો આત્મા છે, આ જે શાંતિનું વેદન થયું તે મારા સ્વભાવમાંથી જ આવેલી
છે, ને મારો આખોય સ્વભાવ આવી શાંતિથી ભરેલો છે. આ જે રાગ–દ્વેષાદિ વિકારી ભાવો વેદાય છે તે વેદન મારા
સ્વભાવમાંથી આવેલું નથી, તે તો મારામાં આરોપાયેલું છે; વિકાર મારા સ્વભાવભૂત નથી પણ ઉપાધિરૂપ છે. આ રીતે
વેદનના સ્વાદની ભિન્નતાથી વિકારી ભાવો તેને પોતાના સ્વભાવથી સ્પષ્ટપણે જુદા જણાય છે. આથી, જ્ઞાનીને તે ક્ષણે
વિકાર વર્તતો હોવા છતાં, સમ્યગ્જ્ઞાનરૂપ વિવેકજ્યોતિ પણ સાથે સાથે વર્તી જ રહી છે. એક તરફ શાંતરસના સમુદ્ર
સમાન શુદ્ધસ્વભાવને જાણે છે, ને બીજી તરફ મેલા પાણીનાં ખાબોચિયા જેવા વિકારને જાણે છે; આમ બંનેને જાણતો
થકો, વિકારની તુચ્છતા જાણીને તેને તો છોડતો જાય છે, ને શુદ્ધસ્વભાવની મહત્તા જાણીને તેમાં ઝૂકતો જાય છે.–આ
ઉપાયથી અલ્પકાળમાં જ સમસ્ત દુઃખોનો નાશ કરીને તે જીવ પરમઆનંદસ્વરૂપમુક્તિ પામે છે.
(લેખાંક ત્રીજો)
શ્રી પંચાસ્તિકાય ગા. ૧૦૩ ઉપરનાં પૂ.
ગુરુદેવના પ્રવચનોનો બીજો લેખાંક આ જ
અંકમાં છપાયેલ છે, ત્યાર પછીનો આ ત્રીજો
લેખાંક છે. ચૈતન્યના આનંદમાં ઝૂલતી દશામાં
સંતોએ આ શાસ્ત્રો રચ્યાં છે. અંતરના
આનંદની ઝલક બતાવીને જગતને પડકાર
કર્યો છે કે અરે જીવો! થંભી જાવ...બહારમાં
તમારો આનંદ નથી, તમારો આનંદ તમારા
અંતરમાં છે. અહા! બાહ્યવેગે દોડતા જગતને
પડકાર કરીને સંતોએ થંભાવી દીધું છે. અને,
આ વાત ઝીલનાર જીવ કેવો છે?–એ તો આ
પ્રવચન જ સ્વયં કહેશે.