માગશરઃ ૨૪૮પઃ ૯ઃ
ગઈ.
દેવ કેવા હોય? – કે સર્વ બંધનથી છૂટેલા, જેને કોઈ પણ પ્રકારનું રાગનું બંધન ન હોય, વીતરાગ હોય,
સર્વજ્ઞ હોય ને પૂર્ણ આનંદને પામેલો હોય.
ગુરુ કેવા હોય? – જેણે ભેદજ્ઞાનવડે આત્મા અને રાગાદિને ભિન્નભિન્ન જાણ્યા હોય, રાગ વગરના
આનંદનો અનુભવ કર્યો હોય, અને જેઓ પ્રજ્ઞાછીણીવડે બંધનને છેદીને સર્વજ્ઞપદપ્રાપ્તિનો પરમ પુરુષાર્થ કરી
રહ્યા હોય.
શાસ્ત્ર કેવા હોય? – કે આત્માને બંધનથી છૂટકારાનો ઉપાય દર્શાવનારી, આવા દેવ–ગુરુની વાણી તે
શાસ્ત્ર છે. તે શાસ્ત્ર ભેદજ્ઞાનવડે સર્વ તરફથી રાગને છેદવાનું બતાવે છે, ક્યાંય પણ રાગથી લાભ થવાનું
બતાવતા નથી.
આવા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને, તેમણે બતાવેલા મોક્ષના ઉપાયને ભેદજ્ઞાનવડે સાધવો તે જ
મોક્ષનો પંથ છે; તે જ બંધનથી છૂટવાનો ને આનંદના અનુભવનો ઉપાય છે.
–આવો ઉપાય કોણ કરે? રાગમાં ને બાહ્ય વિષયોમાં જેને આનંદ ન ભાસતો હોય પણ દુઃખ ભાસતું
હોય, બંધન ભાસતું હોય, ત્રાસ લાગતો હોય, અને તેનાથી છૂટીને રાગ વગરના આનંદને ચાહતો હોય તે જીવ
આવો ઉપાય કરે.
એવો શિષ્ય કહે છે કે હે નાથ! હે સ્વામી! મારે એક જ પ્રયોજન છે કે મારો આત્મા કોઈ પણ રીતે આ
બંધનથી છૂટે ને આનંદને પામે, માટે તેનો ઉપાય મને બતાવો, બીજું કોઈ પ્રયોજન મારે નથી. ‘કામ એક
આત્માર્થનું, બીજો નહીં મન રોગ’–હે પ્રભો! હું મારા આત્માર્થને સાધું એ એક જ મારી અભિલાષા છે, બીજી
કોઈ અભિલાષા મારા મનમાં નથી. હું કોઈ પણ ભવને ઇચ્છતો નથી, પુણ્યને ઈચ્છતો નથી, સ્વર્ગના વૈભવ
ઇચ્છતો નથી, સંસારના કોઈ પણ પદની મને ઈચ્છા નથી, એક માત્ર આત્માર્થની જ ઈચ્છા છે, આત્માર્થી થઈને
હું મારા મોક્ષને સાધવા માંગું છું, માટે કૃપા કરીને મને તેનો ઉપાય બતાવો.
–આ પ્રમાણે શિષ્ય આત્માર્થી થઈને મોક્ષના ઉપાયની જ વાત પૂછે છે. જે જીવ ખરેખરો આત્માર્થી
થઈને મોક્ષના ઉપાયને શોધે તેના અંતરમાં મોક્ષનો ઉપાય પરિણમ્યા વગર રહે જ નહિ, તેને મોક્ષનો પંથ
મળે જ.
પ્રથમ જીવને પોતાના અંતરમાં જ એમ ભાસવું જોઈએ કે મારામાં જે આ રાગનું વેદન છે તે દુઃખ
છે–અશાંતિ છે, મારા સ્વભાવનું આવું વેદન ન હોઈ શકે, મારા સ્વભાવનું વેદન તો શાંત–આનંદરૂપ હોય.
મારો આત્મા તો આનંદ–સ્વભાવી છે તેથી તેનું વેદન પણ આનંદરૂપ જ હોય. આમ જેને રાગમાં દુઃખ લાગે,
ને સ્વભાવનો આનંદ લક્ષમાં આવે, તે જીવ રાગ અને સ્વભાવનું ભેદજ્ઞાન કરીને પોતાના સ્વાભાવિક આનંદનો
અનુભવ કરે. બંધનથી છૂટવાનો ને મોક્ષ પામવાનો આ જ પંથ છે.–
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ.” (આત્મસિદ્ધિ)
જેમ લીંડીપીપરમાં ચોસઠ પોરી પૂરી તીખાસની તાકાત છે તેમાંથી તે જ પ્રગટે છે, તેમ આત્મામાં પૂર્ણ
આનંદ ને સર્વજ્ઞતા પ્રગટે એવો સ્વભાવ છે, તે સ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતાવડે તેમાંથી જ તે પ્રગટે છે. પૂર્ણ
જ્ઞાન ને આનંદ પ્રગટી જાય તેનું નામ મોક્ષ છે; ને સ્વભાવની શ્રદ્ધા તથા એકાગ્રતા તે મોક્ષનો પંથ છે. આવ
મોક્ષપંથની આરાધનાવડે જીવ બંધનથી છૂટીને પોતાના અતીન્દ્રિય આનંદને અનુભવે છે.
આ રીતે આચાર્યદેવે આત્માર્થી શિષ્યને બંધનથી છૂટવાનો ને આનંદના વેદનનો ઉપાય બતાવ્યો.