ઃ ૧૦ઃ આત્મધર્મ ૧૮૨
* મોક્ષ માટે કોની સેવા કરવી? *
* વીર સં. ૨૪૮૪ જેઠ સુદ ચોથઃ ઉમરાળાના પ્રવચનમાંથી *
આ આત્મા પોતે આનંદસ્વરૂપ છે, તે પરચીજોથી અત્યંત જુદો છે, પરચીજોમાં તેનો આનંદ હોઈ શકે
નહિ. પણ પોતાના આનંદસ્વરૂપને ભૂલીને, અને બહારમાં આનંદ માનીને જીવ ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો
છે. આનંદ તો આત્મામાં છે, પણ તે આનંદનો અર્થી થઈને તેની શોધ અંતરમાં કદી કરી નથી. અહીં શિષ્ય
આનંદનો અર્થી થઈને શ્રીગુરુને તેની પ્રાપ્તિનો ઉપાય પૂછે છે કે પ્રભો! આત્માના આનંદની પ્રાપ્તિ કઈ રીતે
થાય? કોની સેવા કરવાથી આત્મા મુક્તિ પામે? આવું પૂછનાર મોક્ષાર્થી શિષ્યને ઉત્તર આપતાં આચાર્યદેવ આ
સમયસારની ૧૭–૧૮ ગાથામાં કહે છે કે–
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ અનુસરણ નૃપતિનું કરે;
જેમ ધનનો અર્થી પુરુષ રાજાને સેવે છે, તેનું દ્રષ્ટાંત આપીને કહે છે કે–
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુસરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ.
અહીં જીવને ‘રાજા’ કહ્યો, બધા પદાર્થોમાં શ્રેષ્ઠપણે રાજે છે–શોભે છે તેથી જીવ રાજા છે; મોક્ષ દેવાની
તેનામાં તાકાત છે. જેમ રાજાની સેવા કરીને તેને રીઝવતાં તે અનેક પ્રકારની લક્ષ્મી વગેરે આપે છે, તેમ આ
ચૈતન્યરાજાની શ્રદ્ધા, તેનું જ્ઞાન ને તેનું જ અનુસરણ–એ રીતે તેની સેવા–આરાધના કરીને તેને રીઝવતાં તે
મોક્ષલક્ષ્મી આપે છે. માટે મોક્ષાર્થી જીવે મોક્ષને માટે સર્વ ઉદ્યમથી આ ચૈતન્યરાજાનું સેવન કરવું. એના સેવનથી
સાધ્યની એટલે કે મોક્ષની સિદ્ધિ થાય છે.
જુઓ, આમાં બે વાતની જવાબદારી છે–
એક તો જીવ ખરેખરો મોક્ષાર્થી હોવો જોઈએ;
અને બીજું, પ્રયત્નપૂર્વક આત્માને આરાધે, એટલે કે પુરુષાર્થપૂર્વક આત્માને જાણે, તેની શ્રદ્ધા કરે ને તેમાં
ઠરે. આ આત્મસિદ્ધિનો ઉપાય છે.
પ્રથમ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન કઈ રીતે કરવું? તે કહે છેઃ આત્માને જ્ઞાન, રાગ વગેરે અનેક પ્રકારના
ભાવો એક સાથે અનુભવાતા હોવાં છતાં ભેદજ્ઞાનમાં પ્રવીણતાથી મોક્ષાર્થી જીવે એમ જાણવું કે આ બધા
ભાવોમાં જે જ્ઞાનપણે અનુભવાય છે તે જ હું છું. આ રીતે જ્ઞાનઅનુભૂતિસ્વરૂપ આત્માને જાણીને તેની નિઃશંક
શ્રદ્ધા કરવી કે ‘આ જ હું છું’ આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની નિઃશંક શ્રદ્ધા–જ્ઞાન કરતાં અન્ય સમસ્ત ભાવોથી
ભેદ થવાથી જીવ નિઃશંકપણે પોતાના જ્ઞાનસ્વરૂપમાં ઠરવા સમર્થ થાય છે, એટલે તેને સ્વરૂપનું ચારિત્ર ઉદય
પામે છે. આ રીતે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે તેને સાધ્યરૂપ આત્માની સિદ્ધિ થાય છે.
પુરુષાર્થપૂર્વક આત્માની આવી આરાધના કરવી તે મોક્ષનો ઉપાય છે.
આબાળગોપાળ નાના–મોટા સૌને જ્ઞાનસ્વરૂપ આત્મા સદાકાળ અનુભવમાં આવતો હોવા છતાં,
અજ્ઞાનને લીધે તે પોતાના જ્ઞાનને રાગાદિ પરભાવો સાથે એકમેકપણે અનુભવે છે, ‘રાગાદિ છે તે હું જ છું’
એમ જ્ઞાન સાથે રાગાદિને એકમેકપણે શ્રદ્ધે છે, ને રાગાદિમાં જ નિઃશંકપણે વર્તે છે; રાગાદિથી જુદું જે આ જ્ઞાન
છે તે જ હું છું–એ રીતે રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન તેને નહિ હોવાથી, રાગથી ભિન્ન આત્માને તે જાણતો નથી,
તેથી તેને તેની શ્રદ્ધા પણ થતી નથી; અને શ્રદ્ધા–જ્ઞાન વિના ઠરે શેના? એટલે ચરિત્ર પણ થતું નથી.
માટે પ્રથમ તો સર્વ પડખેથી બરાબર ઓળખાણ કરવી જોઈએ કે આત્મા શું ચીજ છે? જ્ઞાનસ્વરૂપે જે
અનુભવમાં આવે છે તે જ હું છું, એમ નિઃશંકપણે જાણીને તેમાં જ પોતાપણે વર્તવું તે મોક્ષનો ઉપાય છે. આ રીતે
મોક્ષાર્થી જીવે મોક્ષ માટે આત્માની જ સેવા કરવી, એટલે કે તેનું જ્ઞાન–શ્રદ્ધાન કરીને તેમાં ઠરવું; એવો
આચાર્યભગવાનનો ઉપદેશ છે.