Atmadharma magazine - Ank 183
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૮૫ :
પામેલા પરમાત્મા કેવા હોય–તેની વાસ્તવિક ઓળખાણ પણ કદી કરી નથી. પરમાત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ
પરમાર્થે આ જીવનું સ્વરૂપ છે (–જિનસ્વરૂપ તે નિજસ્વરૂપ), એટલે ભગવાનના યથાર્થ સ્વરૂપને જે ઓળખે
તેને પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થયા વિના રહે નહિ. ભગવાનનો આત્મા જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ છે,
મારો સ્વભાવ પણ તેવો જ છે, ભગવાનને રાગ નથી, મારે રાગ છે તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી; ભગવાનને
પહેલાંં સંસારદશામાં રાગ હતો પણ તે ટાળીને તેઓ વીતરાગ થયા, માટે રાગ તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ
નથી. આમ ભગવાન જેવા જ પોતાના આત્મસ્વભાવની ઓળખાણ કરવી તે પરમાત્મદશાનો પ્રથમ ઉપાય છે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રવચનસારમાં કહે છે કે:
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦
ધર્મને માટે પહેલાંં શું કરવું?
પહેલાંં એવું ભાન કરવું જોઈએ કે મારો આત્મા જ્ઞાનસ્વરૂપી છે; વર્તમાન અવસ્થામાં રાગાદિ
વિકારભાવો વર્તતા હોવા છતાં, તેઓ મારા સ્વભાવથી વિરુદ્ધ છે, મારો સ્વભાવ તેમનાથી ભિન્ન છે. વિકારી
વૃત્તિઓ સાથે મારું જ્ઞાન એકમેક નથી; જો એકમેક હોય તો ટળી કેમ શકે? તે રાગાદિ ટળીને પૂર્ણ વીતરાગતા
અને સર્વજ્ઞતા થઈ શકે છે.–આમ, રાગ હોવા છતાં તેનાથી ભિન્નતાનું ભાન કરવું તે પ્રથમ ધર્મ છે. અંતરની
રુચિ અને લગની વડે આત્મા સમજી શકાય છે. બહારમાં દેહાદિની ક્રિયા કરવાનું તો આત્માના હાથમાં છે જ
નહિ, તે તો આત્માથી ભિન્ન જડનું કાર્ય છે. આત્મા પોતાના અંતરમાં યથાર્થ જ્ઞાન કરી શકે છે, અને કાં તો
અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય છે. જ્ઞાની તો જ્ઞાન અને વિકારને ભિન્નભિન્ન જાણતો થકો, જ્ઞાયકભાવને જ કરે
છે, રાગાદિ વિકારને કરતો નથી, પણ તેને પોતાથી ભિન્ન જાણીને તેનાથી તે પાછો વળે છે.
અજ્ઞાની જ્ઞાનસ્વભાવને ભૂલીને, વિકારમાં તન્મયપણું માનીને તેનો કર્તા થાય છે, પરંતુ જ્ઞાન અને
વિકાર સિવાય જડની ક્રિયામાં કોઈ આત્મા કાંઈ કરી શકતો નથી. અજ્ઞાની એમ માને ભલે કે દેહાદિની ક્રિયા હું
કરી શકું છું,–પરંતુ તે કાંઈ દેહાદિની ક્રિયા કરી શકતો નથી. અહીં તો અંદરની સૂક્ષ્મ વાત છે કે જ્ઞાનાનંદ
સ્વભાવની સન્મુખ થયેલો ધર્મી જીવ રાગાદિ વિકારને જરા પણ કરતો નથી, તે જાણે છે કે આ રાગાદિ વિકારી
ભાવો જીવસ્વભાવ નથી, જીવસ્વભાવથી તેઓ ભિન્ન છે તેથી તેઓ મારું કાર્ય નથી; જ્ઞાનસ્વભાવ સન્મુખ વર્તતો
થકો જ્ઞાનસ્વભાવના કાર્યને જ હું કરું છું. –અંતર્મુખ થઈને આત્માના સ્વભાવનું અને વિકારનું આવું ભેદજ્ઞાન
કરવું તે અપૂર્વ ધર્મ છે.
ભેદજ્ઞાન કરતાં શું થાય છે?
મારો ચૈતન્યસ્વભાવ જ મારે ઉપાદેય છે, રાગાદિ મારે ઉપાદેય નથી,–આમ ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ
થઈને તેને ઉપાદેય કરતાં અપૂર્વ આનંદનું વેદન થયું અને તે ક્ષણે જ વિકારના કર્તૃત્વથી આત્મા છૂટી ગયો.
અનાદિથી અજ્ઞાનભાવે ‘હું કર્તા ને વિકાર મારું કાર્ય’ એમ માનતો હતો, પણ જે ક્ષણે વિકાર અને સ્વભાવનું
ભેદજ્ઞાન થયું તે જ ક્ષણે વિકારના કર્તૃત્વથી આત્મા પાછો વળી ગયો. આ રીતે ભેદજ્ઞાનવડે આસ્રવો અટકી જાય
છે ને સંવરરૂપ ધર્મ થાય છે. ભેદજ્ઞાન થવાનો ને મિથ્યાત્વાદિના આસ્ત્રવો અટકવાનો એક જ કાળ છે.
સ્વભાવનું સામર્થ્ય; વિભાવની વિપરીતતા; જડનું જુદાપણું.
જ્યાં ચૈતન્યસ્વભાવનું બેહદ સામર્થ્ય જાણ્યું, વિભાવને પોતાના સ્વભાવથી વિપરીત જાણ્યો, અને જડને
પોતાથી તદ્ન જુદા જાણ્યા ત્યાં ધર્મીની દ્રષ્ટિ અંર્તસ્વભાવમાં વળી ગઈ, સ્વભાવનું બેહદ સામર્થ્ય જાણતાં તેમાં
જ ઉપાદેયબુદ્ધિ થઈ. વિભાવને વિપરીત જાણતાં તેમાં હેય–બુદ્ધિ થઈ એટલે તેનું કર્તૃત્વ છૂટી ગયું; અને જડને
પોતાથી તદ્ન જુદા જાણતાં દેહાદિની ક્રિયાથી લાભ–નુકસાન થવાની બુદ્ધિ ન રહી, તેમજ તે ક્રિયામાં કર્તૃત્વબુદ્ધિ
ન રહી. –આ બધું એક સાથે જ થાય છે. આવી દશા વગર કદી ધર્મની શરૂઆત થતી નથી.
જિજ્ઞાસુ શિષ્યને પૂછે છે–ભેદજ્ઞાનનું સ્વરૂપ.
ધર્મનો જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે સ્વામી! ભેદજ્ઞાનની ઉત્પત્તિ થવાનો અને આસ્રવોના અટકવાનો
એકજ કાળ છે, કે તેમને ક્ષણભેદ છે? પહેલાંં જ્ઞાન થાય ને પછી આસ્રવો અટકે–એમ છે? કે જ્ઞાન થયું તે ક્ષણે જ
આસ્રવો અટકી જાય છે?
તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–સાંભળ, હે શિષ્ય! ભેદજ્ઞાન થવાનો અને આસ્રવો અટકવાનો