!’
સમયસારના સંવર અધિકારમાં આચાર્યદેવે નિરાલંબી આકાશનો દાખલો આપીને આત્માનો
જ્ઞાનસ્વભાવ અદ્ભૂત શૈલિથી સમજાવ્યો છે. અહો! આખો લોક નિરાલંબી છે. ચારે બાજુ તેમજ નીચે ઉપર
સર્વત્ર અનંતઅનંત અલોકાકાશની મધ્યમાં ૩૪૩ ઘનરાજુ પ્રમાણ આ લોક શાશ્વત રહેલો છે. અનંતાનંત જીવ
પુદ્ગલો વગેરેથી તે સર્વત્ર ભરેલો છે. આ લોકને નીચે કોઈ ટેકો નથી કે ઉપર કોઈ દોરડાથી તે લટકાવેલો નથી,
તેમજ કોઈએ તેને ધારી રાખ્યો નથી, છતાં તે લોક નીચે પડી જતો નથી. લોકની નીચે તદ્ન ખાલી જગ્યા જ છે
છતાં લોક નીચે ઊતરી જતો નથી, એમને એમ નિરાલંબીપણે ટકી રહ્યો છે. જેમ લોક આખોય નિરાલંબીપણે
એમ ને એમ ટકી રહ્યો છે, તેમ લોકના બધાય પદાર્થો નિરાલંબીપણે પોત પોતાના સ્વરૂપમાં રહ્યાં છે, કોઈ
ભિન્ન આધારની અપેક્ષા તેઓને નથી. અહો! જુઓ તો ખરા આ વસ્તુ સ્વભાવ!
વળી સમવસરણમાં બિરાજમાન સર્વજ્ઞ પરમાત્માને નીચે રત્નમણિનું દૈવી સિંહાસન હોય પણ
ભગવાનનો દેહ તે સિંહાસનને અડતો નથી, ભગવાન તો સિંહાસનથી ચાર આંગળ ઊંચે બિરાજે છે એટલે
નિરાલંબીપણે આકાશમાં જ બિરાજે છે.–
“ઊંચે ચતુરાંગુલ જિન રાજે
ઈન્દ્રો નરેન્દ્રો મુનિરાજ પૂજે
જેવું નિરાલંબન આત્મતત્ત્વ
તેવો નિરાલંબન જિનરેહ.”
ભગવાનનો આત્મા તો પોતાના સ્વભાવના આધારે પરિપૂર્ણ વીતરાગી નિરાલંબી થઈ ગયો, ને ત્યાં
શરીરનો સ્વભાવ પણ નિરાલંબી થઈ ગયો. કોઈ પણ બાહ્ય પદાર્થના અવલંબન વગર ભગવાનનો આત્મા
પરિપૂર્ણ જ્ઞાન આનંદરૂપે પરિણમી રહ્યો છે. બધાય આત્માઓનો આવો નિરાલંબી સ્વભાવ છે. પણ મૂઢ અજ્ઞાની
જીવોને બહારના અવલંબનની મિથ્યાબુદ્ધિ ખસતી નથી, ને આત્માનું અવલંબન તેઓ લેતા નથી. સંતો સમજાવે
છે કે હે જીવ! પોતે જ પોતાના ધર્મનો આધાર થાય એવી તારા આત્માની શક્તિ છે, માટે તું તારા આત્માનું જ
અવલંબન લે....ને બીજાના અવલંબનની બુદ્ધિ છોડ. જેમ આકાશને રહેવા માટે બીજા કોઈનો આધાર નથી તેમ
તારા આત્માને નિજધર્મ માટે બીજા કોઈનું અવલંબન નથી.
!
જેનો જે આધાર હોય તેનાથી તે અભિન્ન હોય, ભિન્ન ન હોય. જો વસ્તુમાં પોતાનો આધાર થવાની
શક્તિ ન હોય ને ભિન્ન આધાર હોય તો ‘અનવસ્થા દોષ’ આવે,–આધારની પરંપરા ક્યાંય અટકે નહિ. જેમકે–
કોઈ એમ કહે કે–આત્માનો આધાર આ શરીર;
તો શરીરનો આધાર કોણ? – મકાન;
મકાનનો આધાર? – આ જંબુદ્વીપ;
જંબુદ્વીપનો આધાર? – મધ્ય લોક;
મધ્ય લોકનો આધાર? – લોક;
ને લોકનો આધાર? – અલોક.
તો અલોકનો આધાર કોણ? –
અલોકથી તો મોટું બીજું કોઈ નથી કે જેને અલોકનો આધાર કહી શકાય, માટે અલોકનો આધાર અલોક
જ છે, બીજો કોઈ ભિન્ન આધાર નથી, તો પછી અલોકની જેમ જગતના બધાય પદાર્થોને પણ પોત પોતાનો જ
આધાર છે, પરનો આધાર નથી. આકાશનો દાખલો આપીને ભેદજ્ઞાનની અદ્ભુત રીત આચાર્યદેવે સમજાવી
છે....જ્યારે એકલા આકાશને જ લક્ષમાં લઈને તેના આધારનો વિચાર કરવામાં આવે ત્યારે આકાશને બીજા
કોઈ દ્રવ્યનો આધાર કહી શકાતો નથી, એટલે કોઈ ભિન્ન આધાર લક્ષમાં આવતો નથી, એક આકાશ જ
આકાશમાં જ છે–એમ બરાબર સમજાય છે, ને એવું સમજનારને પર સાથે આધાર આધેયપણું ભાસતું નથી.
તેમ એકલા જ્ઞાનસ્વરૂપને લક્ષમાં લઈને તેના આધારનો વિચાર કરવામાં આવે ત્યારે જ્ઞાનથી ભિન્ન અન્ય કોઈ
દ્રવ્યનો આધાર દેખાતો નથી, એક જ્ઞાન જ પોતે જ્ઞાનમાં જ છે–એમ બરાબર સમજાય છે, અને એવું
સમજનારને પોતાના જ્ઞાનસ્વભાવથી ભિન્ન અન્ય કોઈ પદાર્થો સાથે પોતાનું આધારઆધેયપણું ભાસતું નથી.
આવું અપૂર્વ ભેદજ્ઞાન થતાં પોતે પોતાના જ્ઞાનસ્વભાવના આધારે જ્ઞાનરૂપે જ પરિણમે છે, ને રાગદ્વેષમોહની
ઉત્પત્તિ થતી નથી. –આનું નામ સંવર છે, ને એ જ સિદ્ધિનો ઉપાય છે.