Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 31

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૮૬
શાંતિનાથધામમાં આત્મશાંતિનો ઉપાય
રામટેકમાં પૂ. ગુરુદેવનું પ્રવચન
રામટેકમાં ૯ દિ. જિનમંદિરો છે, તેમાં મુખ્ય મંદિરમાં શ્રી
શાંતિનાથ ભગવાનના ૧૬ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમા શાંત
મુદ્રાવંત બિરાજે છે, તેના પૂજન–ભક્તિ બાદ રામટેક
તીર્થમાં પૂ. ગુરુદેવનું પ્રવચન.
(ચૈત્ર સુદ બીજ તા. ૧૦–૪–પ૯)
આ પદ્મનંદી પચીસી શાસ્ત્ર વંચાય છે, ૯૦૦ વર્ષ પહેલા પદ્મનંદી નામના મહાન વનવાસી
દિગંબર સંતે આત્માના આનંદની ભૂમિકામાં ઝૂલતાં ઝૂલતાં, આ શાસ્ત્રની રચના કરી છે. આત્મબોધ
વગર ચાર ગતિમાં ફસાયેલા જીવોને આત્મબોધ કરાવવા માટે તેમણે આ શાસ્ત્રમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ
બતાવ્યું છે. નિશ્ચય–વ્યવહાર બાબતમાં તેઓ કહે છે કે અબુધ–અજ્ઞાની પ્રાણીઓને આત્માનું સ્વરૂપ
સમજાવવા માટે વિકલ્પ ઊઠતાં હું વ્યવહારદ્વારા તેનો ઉપદેશ કરી, અર્થાત્ ઉપદેશમાં તો વ્યવહારથી–
ભેદથી કથન આવશે. પરંતુ નિશ્ચયસ્વરૂપના આશ્રયે જ કર્મનો ક્ષય થાય છે, એટલે નિશ્ચયસ્વરૂપનું
અવલંબન જ અમારે બતાવવું છે, વ્યવહારથી કથન આવે તેમાં પણ વ્યવહારનું અવલંબન કરાવવાનો
અમારો આશય નથી, અમારો આશય તો શુદ્ધ નયનું અવલંબન કરાવીને શુદ્ધાત્માનો અનુભવ કરાવવાનું
છે કેમકે તેના જ આશ્રયે કર્મક્ષય થાય છે. કર્મનો ક્ષય કહો કે આત્મશાંતિની પ્રાપ્તિ કહો, તે શુદ્ધાત્માના
આશ્રયે જ થાય છે.
જુઓ, આ આત્મશાંતિનો ઉપાય! શાંતિનાથ ભગવાનનું આ ધામ છે, તેમાં આત્માની શાંતિનો
ઉપાય બતાવાય છે. શાંતિનો નાથ, શાંતિનો ભંડાર ખરેખર તો આ આત્મા જ છે, એટલે આત્મા જ
‘શાંતિનાથ ભગવાન છે; તેના આશ્રયે અપૂર્વ શાંતિનું વેદન થાય છે. પોતાના આત્મા સિવાય બીજા કોઈ
ભગવાન (સિદ્ધ–ભગવાન કે અરિહંત ભગવાન) કાંઈ જીવને દર્શન દેવા અહીં આવતા નથી. કેમકે
સિદ્ધભગવાન તો શરીરરહિત થઈ ગયા, ને અરિહંત ભગવાન તો અત્યારે વિદેહક્ષેત્રે બિરાજે છે, એટલે
તે ભગવંતો અહીં દર્શન દેવા આવતા નથી, પણ તેમના જેવો જે પોતાનો ચૈતન્યસ્વભાવ છે તેનું ભાન
(સમ્યગ્ દર્શન) કરીને અને તેની સાધના કરીને આ આત્મા પોતે પરમાત્મા બનીને સિદ્ધાલયમાં જાય
છે. આત્માની આવી પ્રભુતા આચાર્ય દેવ ઓળખાવે છે કે હે જીવો! તમારામાં તમારી પ્રભુતા રહેલી છે;
પણ તેની સાવધાની (વિશ્વાસ ને એકાગ્રતા) વગર જીવ સંસારમાં ભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે.
અંતરમાં શુદ્ધ નયવડે આત્માના શુદ્ધસ્વરૂપને પ્રતીતમાં લેતાં આત્મશાંતિ પ્રાપ્ત થાય છે. બહારમાં
શાંતિનાથ ભગવાનના દર્શન–પૂજન–ભક્તિ વગેરેનો ભાવ આવે, ધર્માત્માને પણ એવો ભાવ આવે, પણ
તે શુભભાવ છે, તેની મર્યાદા પુણ્યબંધન કરાવવા પૂરતી જ છે, મોક્ષની પ્રાપ્તિ કરાવવી તે તેની મર્યાદાની
બહાર છે, અર્થાત્ તે શુભરાગવડે મોક્ષ કે આત્મશાંતિ થતી નથી. આત્મશાંતિ અને મુક્તિ તો શુદ્ધનયવડે
અંતર્મુખ થઈને શુદ્ધાત્માનો અનુભવ કરવાથી જ થાય છે.