Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 31

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૧૯ઃ
જે જીવ આત્મસ્વરૂપ સમજવાનો, અત્યંત જિજ્ઞાસુ છે, તેને શ્રીગુરુ શુદ્ધાત્મા સમજાવે છે, પરંતુ તે
શિષ્યને શુદ્ધનયનો અનુભવ નહિ હોવાથી તેને સમજાવવા ભેદરૂપ વ્યવહારથી ઉપદેશ આપે છે. ઉપદેશક
ગુરુનો આશય ભેદમાં અટકાવવાનો નથી તેમજ જિજ્ઞાસુ શિષ્ય પણ તે ભેદના વિકલ્પમાં અટકતો નથી,
પણ ભેદથી ખસીને અભેદ સ્વભાવને પકડવાનો પ્રયત્ન કરે છે. આવા જિજ્ઞાસુને શુદ્ધ આત્માની શાંતિનું
અપૂર્વ વેદન થાય છે.
આ ચૈતન્યસ્વરૂપનું ભાન કરીને તેની શાંતિનું વેદન આબાલગોપાળ સૌને થઈ શકે છે, સિંહ વગેરે
તિર્યંચોને કે નારકીઓને પણ ચૈતન્યની અતીન્દ્રિય શાંતિના અંશનું વેદન થઈ શકે છે. દરેક આત્મા
શાંતિસ્વભાવથી ભરેલો પરમાત્મા છે. ભાઈ, તને તારું પરમાત્મસ્વરૂપ સંતો દેખાડે છે. તારી શાંતિ તારામાં
ભરેલી છે, તે ક્યાંય બહારથી નથી આવતી, તેમજ બહિર્મુખ વિકલ્પોમાંથી પણ શાંતિ નથી આવતી; રાગથી પાર
થઈને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખતાથી જ પોતાની અતીન્દ્રિય શાંતિ વેદનમાં આવે છે.
શિષ્યને સમજાવવા માટે આચાર્યદેવ ગુણ–ગુણી ભેદથી ઉપદેશ આપે છે કે ‘દર્શન–જ્ઞાન–ચારિત્રને
જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે.” તારો આત્મા સદાય દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપમાં પરિણમી રહ્યો છે.
દેહને પ્રાપ્ત હોય તે આત્મા–એમ ન કહ્યું, રાગને પ્રાપ્ત હોય તે આત્મા–એમ પણ ન કહ્યું, કેમકે તે
આત્માનું ખરૂં સ્વરૂપ નથી; આત્માનું ખરૂં સ્વરૂપ તો દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે સ્વરૂપ સાથે આત્મા
ત્રણે કાળે એકમેક છે. આવી આત્માનીવાત સાંભળતાં વેંત જ તે સમજવા માટે ટગટગ જોઈ રહે છે
અર્થાત્ જ્ઞાનને અંતરમાં વાળવાનો પ્રયત્ન કરે છે. અહો! આ કાંઈક મારા અપૂર્વ હિતની વાત મને
સંભળાવે છે–એમ તેનો મહિમા લાવે છે, ન સમજાયું તેથી કંટાળો નથી લાવતો પણ તેનો મહિમા લાવીને
સમજવાનો ગરજુ થઈને અંદર પ્રયત્ન કરે છે. સંતો જે ભાવ કહેવા માંગે છે તેને ધીરજથી
તીવ્રજિજ્ઞાસાથી અનુસરવા માંગે છે. અહા! આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાતમાં કોઈ અપૂર્વ શાંતિની
ઝાંખી થાય છે, સંતો મને મારી અપૂર્વશાંતિનો ઉપાય બતાય છે–એમ અતિશય બહુમાન લાવીને જ્ઞાન–
નજરને (મતિ, શ્રુતજ્ઞાનને) અંતરમાં વાળીને શુદ્ધ નયવડે ટગટગપણે ચૈતન્યસ્વરૂપને નીહાળે છે. આ
દર્શન મોહનો ક્ષય કરીને અપૂર્વ ચૈતન્યશાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. શાંતિનાથ ભગવાન પણ આ જ
રીતે આત્માની પૂર્ણ શાંતિને પામ્યા, ને શાંતિ માટે તેમણે આ જ માર્ગ જગતને ઉપદેશ્યો...માટે જેઓ
આત્મશાંતિને ચાહતા હોય એવા મુમુક્ષુઓ શુદ્ધ નયવડે આ માર્ગને અનુસરો.
આચાર્યદેવ કહે છે કે અમે મુમુક્ષુ છીએ અને શુદ્ધ નયવડે ચૈતન્યસ્વરૂપને અમે અનુસરીએ છીએ.
બીજા પણ જે જીવો મુમુક્ષુ હોય તેમને માટે અમારો ઉપદેશ છે કે હે મુમુક્ષુઓ! તમે પણ શુદ્ધ નયવડે તમારા
આત્માને અનુસરો....તે શુદ્ધ નયના અવલંબન વડે જ કર્મક્ષય થાય છે. કોઈ વ્યવહારની રુચિવાળા જીવોને
શુદ્ધ નયના આશ્રયની આ વાત ન રુચે તો મને મુમુક્ષુ જાણીને ક્ષમા કરજો...કેમકે હું તો મુમુક્ષુ (મોક્ષનો જ
અભિલાષી) છું તેથી જેનાથી મોક્ષ થાય તે જ વાત મારા ઉપદેશમાં આવશે. અમને રાગની રુચિ નથી તો
રાગના અવલંબનનો ઉપદેશ અમારી વાણીમાં કેમ આવે? પદ્મનંદીમાં બ્રહ્મચર્યનો ખૂબ ઉપદેશ આપીને
છેવટે વિષયના લોલુપી જીવો ઉપર કટાક્ષ કરતાં કહે છે કે હે વિષયાંધ પ્રાણીઓ, વિષયોના તીવ્ર પ્રેમને
લીધે તમને જો આ બ્રહ્મચર્યનો ઉપદેશ ન રુચે તો મને મુનિ જાણીને ક્ષમા કરજો...કેમ કે હું મુનિ છું,
વિષયોથી પાર ચૈતન્યના આનંદને સાધનાર મુનિની વાણીમાં તો બ્રહ્મચર્યનો ને વીતરાગતાનો જ ઉપદેશ
હોય; વિષય–કષાયના સેવનનો ઉપદેશ વીતરાગની વાણીમાં કેમ હોય! અરે મૂઢ પ્રાણીઓ! બાહ્ય
વિષયોમાં સુખની કલ્પના તે તો મોટી ભ્રમણા છે; બાહ્ય વિષયો સ્વપ્નમાં પણ શાંતિ આપવા સમર્થ નથી.
બાહ્ય વિષયોના અવલંબનવડે કે રાગાદિ બાહ્ય વૃત્તિઓવડે કદી ચૈતન્યશાંતિનું વેદન થતું નથી.
ચૈતન્યશાંતિનું વેદન તો શુદ્ધનયદ્વારા અંતર્મુખ થવાથી જ થાય છે. આ જ ધર્મ છે, આ જ શાંતિનો રાહ છે,
ને આ જ શાંતિનાથ ભગવાનની ખરી યાત્રા છે.