Atmadharma magazine - Ank 188
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
જેઠઃ ૨૪૮પઃ ૧૩ઃ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે મોક્ષરૂપી કાર્ય પ્રગટે નહિ. માટે અહીં સંતો આત્માનું સ્વરૂપ ઓળખાવે છે કે હે
ભાઈ! તારા આત્માનો સ્વભાવ કોઈ સમયે અધૂરો નથી, વર્તમાન પણ પરિપૂર્ણ સ્વભાવ છે માટે તેનો જ
મહિમા લાવીને તેમાં અંતર્મુખ થા, તેના ઉપર જોર આપ,–એટલે કે તેની પ્રધાનતા કર, તેને જ મુખ્ય કર, તેનું જ
અવલંબન કર, તેનો જ આદર કર, તેનો જ આશ્રય કર, તેમાં જ ઉત્સાહ કર, તેમાં જ તત્પર થા, તેની જ
આરાધના કર, તેનું જ ધ્યાન કર, તારો આ સ્વભાવ સર્વશક્તિમાન પ્રભુ છે, તેને કોઈ દબાવનાર નથી, તેમાં
કોઈ નડતર નથી, તેને કાળ કે કર્મો આવરી શકતા નથી, અનાદિઅનંત જ્યારે જો ત્યારે વર્તમાનમાં જ તે પૂરો
છે, કોઈ સમયે વર્તમાનમાં તે પૂરો નથી–એમ નથી; તું જે સમયે અંતર્મુખ થઈને આવા તારા આત્મસ્વભાવને
પકડ તે સમય તારો પોતાનો છે, તે સ્વસમય છે. આત્મામાં હરેક સમયે પરિપૂર્ણતા પડી છે; પૂરું કાર્ય પ્રગટાવવા
માટે આત્મામાં વર્તમાન પૂરું કારણ નથી–એવું કોઈ ક્ષણે બનતું નથી. ‘પૂરુંકારણ’ દરેક સમયે વિદ્યમાન છે, તે
કારણના સ્વીકારથી કાર્ય પ્રગટી જાય છે.
જુઓ, આ અંતરના કારણ–કાર્યની સૃષ્ટિ!! આત્માના કારણસ્વભાવમાંથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ કાર્યની સૃષ્ટિ–ઉત્પત્તિ થાય છે. આમાં કાર્ય તે તો ઉત્પાદ–વ્યયરૂપ પરિણામ છે, તે પહેલાં નથી હોતું ને
પછી પ્રગટે છે. અને કારણસ્વભાવ તે ધુ્રવરૂપ પરિણામ છે, તે સદાય વિદ્યમાન છે, તેનામાં ઉત્પાદ–વ્યય નથી.
કેવળજ્ઞાનના કારણરૂપ જે ધુ્રવજ્ઞાનપરિણામ છે તેને સહજસ્વભાવજ્ઞાન અથવા સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાન કહે છે.
તેનામાં આત્માનાં સહજ ચતુષ્ટયને યુગપત્ જાણવાનું સામર્થ્ય ત્રિકાળ છે; તે ત્રિકાળની સાથે વર્તમાનની એકતા
થતાં તે વર્તમાન પર્યાય પણ પૂરા સામર્થ્યરૂપે પરિણમી જાય છે.
* ત્રિકાળ સામર્થ્યમાંથી વર્તમાન આવે છે,
* ધ્રુવના આશ્રયે જ ઉત્પાદ થાય છે,
* દ્રવ્યમાંથી પર્યાય આવે છે,
* કારણના આશ્રયે કાર્ય થાય છે,
* શક્તિમાંથી વ્યક્તિ થાય છે,
* ‘પ્રાપ્ત’ ની પ્રાપ્તિ થાય છે,
* નિશ્ચયના આશ્રયે મુક્તિ થાય છે,
* જ્ઞાયકસ્વભાવી આત્મા વિકારનો અકર્તા છે,
* આત્માની શક્તિઓ બાહ્ય કારણોથી અત્યંત નિરપેક્ષ છે,
* આત્મા અને પર દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે,
–આમાંથી કોઈ પણ બોલનો નિર્ણય કરતાં બધાય બોલનો નિર્ણય થઈ જાય છે; ને આ જૈનશાસનની
મૂળ વસ્તુ છે. આ વસ્તુ સમજ્યા વગર જૈનધર્મનું રહસ્ય સમજાય નહિ, ને અંતર્મુખ વળ્‌યા વગર આ વસ્તુ
સમજાય નહીં.
આત્મા પોતે પરમ સ્વરૂપ હોવાથી પરમાત્મા છે. તેનામાં સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને
સહજ પરમ ચિત્શક્તિ ત્રિકાળ રહેલી છે, તે ‘કારણસમયસાર’ નું સ્વરૂપ છે. અહીં સહજ ચતુષ્ટયને
કારણસમયસાર કહે છે, તે જ કારણપરમાત્મા છે, ને તે ત્રિકાળ એકરૂપ છે, તેના આશ્રયે અનંતચતુષ્ટયરૂપ કાર્ય
સમયસારપણું પ્રગટે છે. અને ‘સમયસાર’ વગેરેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલા આત્માને
‘કારણસમયસાર’ કહે છે, તે જુદી વાત છે, તેમાં તો મોક્ષમાર્ગની વાત છે. મોક્ષના કારણરૂપ મોક્ષમાર્ગપણે
આત્મા પરિણમ્યો તેથી તેને ‘કારણસમયસાર’ કહ્યો. ખરેખર જે ધુ્રવરૂપ કારણસમયસાર છે તે જ મોક્ષનું
નિશ્ચયકારણ છે, અને જે આ મોક્ષમાર્ગરૂપ કારણસમયસાર છે તે મોક્ષનું કારણવ્યવહારે છે. મોક્ષમાર્ગ તરીકે તો
તે નિશ્ચય છે, પરંતુ મોક્ષના કારણ તરીકે તે વ્યવહાર છે.
જુઓ, અહીં નિશ્ચય મોક્ષમાર્ગને પણ મોક્ષનું કારણ કહેવું–તેનેય વ્યવહાર કહ્યો, કેમકે મોક્ષમાર્ગની પર્યાય
કાંઈ મોક્ષદશા નથી લાવતી, એક પર્યાયના આશ્રયે બીજી પર્યાય નથી. મોક્ષમાર્ગની પૂર્ણતા થતાં મોક્ષ થાય છે–
એ નિયમ છે, પણ તે મોક્ષ કોના