ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૮
મુનિવરોની ઉદાસીનતા
મુનિવરોની પરિણતિ એકદમ અંર્તસ્વરૂપમાં ઢળી ગઈ છે એટલે જગત તરફથી તેમને અત્યંત
ઉદાસીનતા છે. જેમ વીસ વરસનો એકનો એક પુત્ર મરી જતાં તેની માતા ઉદાસ–ઉદાસ થઈ જાય, તેમ જેનો
મોહ મરી ગયો છે એવા મુનિવરો સંસાર તરફથી એકદમ ઉદાસીન થઈ ગયા છે. દ્રષ્ટાંતમાં માતાની ઉદાસીનતા
તો મોહકૃત છે, જ્યારે મુનિવરોની ઉદાસીનતા તો નિર્મોહીપણાને લીધે છે; માતા પુત્રપ્રેમને લીધે ઉદાસ થઈ છે,
તો મુનિ ચૈતન્યપ્રેમને લીધે સંસારથી ઉદાસીન થયા છે.
ધન્ય એ કાળ! ..........ધન્ય એ આનંદધારા
આદિનાથ ભગવાન દીક્ષા લઈને વનમાં છ મહિમા સુધી ધ્યાનસ્થ રહ્યા. અહા, ધન્ય એ કાળ!–જ્યારે
પ૦૦ ધનુષ ઊંચા આદિનાથ મુનિરાજ નગ્નપણે વનમાં છ–છ મહિના સુધી ધ્યાનમાં ઊભા હશે.....એ દેખાવ
કેવો હશે? પુરાણોમાં તેનું અદ્ભુત વર્ણન આવે છે. વનનાં પશુઓ–સિંહ અને હરણો પણ આશ્ચર્યથી ભગવાન
સામે જોઈ રહે છે.....ને ભગવાનની શાંત છાયામાં એકઠા થઈને બેસે છે. ભગવાન તો પોતાના ધ્યાનમાં છે,
અંતરની આનંદધારામાં મશગૂલ છે. ચારિત્રદશા એ કાંઈ અસિધારા નથી, એ તો આનંદની ધારા છે; બહારથી
જોનારા કાયર જીવોને તે અસિધારા લાગે છે, પણ અંતરમાં તો આનંદની ધારા છે. જો ચારિત્રદશામાં આનંદની
ધારા ન હોય ને દુઃખ હોય તો એને કોણ આદરે!! ચારિત્ર તો સ્વરૂપમાં સ્થિરતા છે, ને સ્વરૂપની સ્થિરતામાં
આનંદનો અનુભવ છે. આવી ચારિત્રદશા વગર મુક્તિ નથી.
સંત વિના ભવનો અંત નહીં
“ચેતન રૂપ અનૂપ અમૂરત
સિદ્ધ સમાન સદા પદ મેરો”
–આવા પોતાના સિદ્ધસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન તો ગૃહસ્થદશામાંય સમ્યગ્દ્રષ્ટિને હોય છે, પણ એ સિદ્ધપદના
સાક્ષાત્ સાધક તો ચારિત્રધર મુનિવરો છે. જ્યાં સ્વરૂપની ઘણી લીનતાવડે કષાયો અતિશય ક્ષીણ થઈ ગયા હોય,
વારંવાર નિર્વિકલ્પ આનંદના અનુભવમાં એકાગ્ર થતા હોય, એવી સંતદશા વગર ભવના અંત આવતા નથી.
મોક્ષમાર્ગ
પંચાસ્તિકાયમાં વીતરાગ ચારિત્રને જ સાક્ષાત્ મોક્ષમાર્ગ કહ્યો છે; વીતરાગચારિત્ર સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન વિના હોતું નથી, એટલે કે તેમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ ભેગાં આવી જ જાય છે. સમ્યક્
દર્શનવડે તો દર્શનમોહનો નાશ થાય છે, તે પછી સ્વરૂપસ્થિરતારૂપ ચારિત્રવડે ચારિત્રમોહનો નાશ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ટૂંકમાં એ વાત બતાવી દીધી છે કે–
‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’
મોહકર્મના નાશનો આ અચૂક ઉપાય છે કે ‘બોધ’ એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનવડે તો
દર્શનમોહ હણાય છે, ને વીતરાગતાવડે ચારિત્રમોહ હણાય છે.
સમકિતી ધર્માત્માની દશા
દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વનું જેને ભાન થયું છે, અને એ સમ્યગ્ભાનવડે જેણે દર્શનમોહનો તો નાશ કર્યો
છે, એવા ધર્માત્મા પછી સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્રદશાની ભાવના ભાવે છે. –
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે,
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ,
વર્ત એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.....
અપૂર્વ અવસર એવા ક્યારે આવશે!
જ્ઞાનીને સમ્યક્ આત્મભાન થતાં જ અંતરમાં નિઃશંકતા આવી ગઈ છે કે અમારા આત્મામાંથી મિથ્યાત્વનો
તો નાશ થઈ ગયો છે, અને દેહથી ભિન્ન જે ચૈતન્યતત્ત્વ ધ્યાનમાં લીધું છે તેમાં એકાગ્રતાથી ચારિત્રમોહ પણ હવે
અલ્પકાળમાં ક્ષીણ થઈ જશે. આત્માનું અપૂર્વ ભાન થાય ને અંદરથી ભવઅંતના ભણકાર ન આવે એમ બને નહિ.
જ્ઞાન થતાં જ ધર્મીની દશા ફરી જાય છે, આખી પરિણતિ એકદમ પલટો ખાઈ જાય છે.–