Atmadharma magazine - Ank 188
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
જેઠઃ ૨૪૮પઃ પઃ
વાણી તો વિષય–કષાયનો રસ છોડાવીને ચૈતન્યના શાંતરસનો અનુભવ કરાવે છે.
ધર્માત્મા–જ્ઞાની–સંતો પાસે જઈને શુદ્ધ આત્માના અનુભવ સિવાય લક્ષ્મી–પુત્ર વગેરેની આશા જે
જીવ કરે છે તે જીવ, કંદોઈની દુકાને જઈને ઝેરની માગણી કરનારા જેવો છે. અહીં તો જેને એક
આત્મબોધની જ લગની લાગી છે, ભેદજ્ઞાન કરીને શુદ્ધ આત્માનો અનુભવ કરવા માંગે છે, એ સિવાય
સંસાર સંબંધી બીજી કોઈ ભાવનાનું શલ્ય જેના અંતરમાં નથી, એવો શિષ્ય આચાર્ય– ભગવાન પાસે
જઈને તેની જ વાત પૂછે છે અને આચાર્યભગવાન તેની પાત્રતા જોઈને કરુણાપૂર્વક તેને ભેદજ્ઞાનનું
સ્વરૂપ સમજાવે છે.
આત્મા તો ચૈતન્યસ્વરૂપ સ્વ–પરનો જાણનાર છે, ને રાગાદિ ભાવો અચેતન છે, તેઓ સ્વપરને જાણતા
નથી. રાગ પોતે પોતાને જાણતો નથી, રાગને જાણનારો રાગથી જુદો છે. રાગ તો આકુળતારૂપ છે, ને
ચૈતન્યસ્વભાવ શાંતઅનાકુળ છે, માટે રાગ હું નથી, રાગને જાણનારું જે જ્ઞાન તે હું છું, રાગ સાથે મારી એકતા
નથી પણ જ્ઞાન સાથે જ મારી એકતા છે–આમ ભેદજ્ઞાન કરીને અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવ તરફ ઢળે છે તે ક્ષણે
જ રાગથી ભિન્ન પોતાના શુદ્ધઆત્માનો અનુભવ થાય છે, ને રાગાદિ પરભાવો જુદા પડી જાય છે. આવું
ભેદજ્ઞાન તે જ બંધનથી છૂટવાનો ઉપાય છે. આવ ઉપાય સિવાય બીજી કોઈ રીતે બંધનથી છૂટકારો નથી, માટે
પ્રથમ આવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ.
*
ભગવાન કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્ તીર્થંકરભગવાન સીમંધર પરમાત્માની વાણી સાંભળી હતી અને
આત્માના આનંદના સાધનમાં લાગ્યા હતા, તેઓ આ સમયસારમાં કહે છે કે ભગવાન ચૈતન્યમૂર્તિ આત્મા
પવિત્ર છે અને રાગાદિ વિકારી ભાવો મલિન છે, ચૈતન્ય મૂર્તિ આત્મા તે રાગાદિથી જુદો છે. આ પ્રમાણે
ભેદજ્ઞાન કરીને, શુદ્ધચિદાનંદસ્વરૂપ આત્મા તરફ ઢળતાં જ રાગાદિ પરભાવો જુદા રહી જાય છે. શુદ્ધ આત્મા
પોતાના સ્વાનુભવથી પ્રકાશમાન છે. અંતરના અનુભવવડે શુદ્ધ આત્માની પ્રાપ્તિથી જ કર્મોનો સંવર અને
નિર્જરા થાય છે, તે શુદ્ધાત્માનો અનુભવ ભેદજ્ઞાનથી જ થાય છે; માટે–
भावयेत् भेदविज्ञानम् इदं अच्छिन्नधारया।
तावत् यावत् परात्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठितम्।।
આ ભેદજ્ઞાન ત્યાં સુધી અચ્છિન્નધારાથી ભાવવું માટે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર થાય.
આ ભેદજ્ઞાન એક જ સિદ્ધિનો ઉપાય છે, તે બતાવતાં આચાર્યદેવ કહે છે કે–
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
तस्यैवाभावतो बद्धाः बद्धाः ये किल केचन।।
અત્યાર સુધીમાં જે કોઈ અનંતા જીવો સિદ્ધિ પામ્યા છે તે બધાય જીવો ભેદજ્ઞાનથી જ સિદ્ધિ પામ્યા છે;
અને જે કોઈ જીવો બંધાયા છે તેઓ તે ભેદજ્ઞાનના અભાવને લીધે જ બંધાયા છે. આ રીતે ભેદજ્ઞાન જ સિદ્ધિનો
ઉપાય છે.
કોઈ પૂછે કે આવું ભેદજ્ઞાન ક્યારે થાય?–તેને કેટલો વખત લાગે? તો આચાર્યદેવ ઉત્તર આપે છે કે હે
ભાઈ! જગતનો કોલાહલ છોડીને, ને આત્માનો અર્થી થઈને જો તું અંતરમાં શુદ્ધાત્માના અનુભવનો પ્રયત્ન કર
તો અંતર્મુહૂર્તમાં જ તેની પ્રાપ્તિ થઈ જશે. કોઈ જીવને કદાચ બહુ કઠણ લાગે તોપણ વધારેમાં વધારે છ મહિના
લાગશે. આત્માની ખરેખરી તાલાવેલીપૂર્વક અમે કહીએ છીએ તે પ્રમાણે જે જીવ નિરંતર અભ્યાસ કરશે તેને છ
મહિનામાં જરૂર શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે.