અશાડઃ ૨૪૮પઃ ૧પઃ
‘न आत्मध्यानात् परो सौख्यं’
કારંજા તથા પરતવાડા ગામોમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
ફાગણ વદ ૧૦ તથા ૧૧
જ્ઞાનાનંદસ્વરૂપ આત્મતત્ત્વ છે, તેનામાં અનંતજ્ઞાન ને અનંત આનંદની તાકાત ભરી છે. જેમ
લીંડીપીપરમાં તીખાસ તેમ દરેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદ સ્વભાવ જો ન હોય તો બહારથી આવે નહીં.
પરંતુ આત્માની વર્તમાન અવસ્થામાં રાગ–દ્વેષ–મોહરૂપ અપરાધ છે તેથી તેને પોતાના અતીન્દ્રિય આનંદનું વેદન
નથી. આત્માની અવસ્થામાં જો અપરાધ ન હોય તો તેને પોતાના અતીન્દ્રિય આનંદનું વેદન હોવું જોઈએ. પરંતુ
આનંદનું વેદન નથી એટલે દુઃખ છે–અપરાધ છે.–આ એક વાત નક્કી થઈ.
હવે બીજી વાતઃ આત્મામાં જે રાગ–દ્વેષ–મોહરૂપ અપરાધ છે તે તેનું કાયમી સ્વરૂપ નથી પણ ક્ષણિક
વિકૃતિ છે; તેને ટાળીને આત્મા નિર્દોષ સ્વરૂપે રહી શકે છે. વિકારસ્વરૂપે જ આખો આત્મા થઈ ગયો હોય તો
વિકાર કદી ટળી શકે નહીં. પરંતુ ચિદાનંદ સ્વભાવના આશ્રયે વિકાર ટળીને નિર્દોષતા થઈ શકે છે. અનંતા જીવો
વિકાર ટાળીને પૂર્ણાનંદ પ્રગટ કરીને પરમાત્મા થયા.
જેઓ પરમાત્મા થયા તેઓ ક્યાંથી થયા? પોતાના આત્મામાં તાકાત હતી તેમાંથી જ પરમાત્મદશા પ્રગટ
કરી છે. પહેલાં, વિકાર અને અલ્પજ્ઞતા હોવા છતાં, મારો સ્વભાવ વિકાર વગરનો અને પરિપૂર્ણ જ્ઞાનઆનંદથી
ભરેલો છે, એવો વિશ્વાસ સ્વસન્મુખ થઈને આવવો જોઈએ. ચૈતન્યસ્વભાવનો વિશ્વાસ કરીને પછી તેમાં
એકાગ્રતા કરતાં વિકારનો નાશ થઈને આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે.
રાગાદિ વિકાર છે, તે વિકારમાં ચૈતન્યનો વિકાસ નથી. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના આશ્રયે જ ચૈતન્યનો
વિકાસ થઈને તે પૂર્ણ પરમાત્મા થાય છે. આત્માના વાસ્તવિકસ્વરૂપને ઓળખીને તેનું ધ્યાન તે જ પરમાત્મા
થવાનો ઉપાય છે.
આત્માના હિતને માટે ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાનભૂષણસ્વામી તત્ત્વજ્ઞાનતરંગિણીમાં કહે છે કે શુદ્ધ ચિદ્રૂપ
આત્માને જાણીને તેનું ધ્યાન તે જ હિતનો–શાંતિનો અને મુક્તિનો ઉપાય છે.
न आत्मध्यानात् परो सौंख्यं
न आत्मध्यानात् परं तपः
न आत्मध्यानात् परो मोक्ष–
पथ क्वापि कदाचन।
કેવો છે આત્મા? પૂર્ણ જ્ઞાન ને આનંદની શક્તિથી પરિપૂર્ણ છે, તેનો સ્વભાવ શાંત અને અવિકારી છે.
આવા આત્મતત્ત્વને ઓળખીને તેનું ધ્યાન કરવું તે ઉત્તમ સુખ છે; તે જ સુખ છે, એના સિવાય જગતમાં બીજે
ક્યાંય સુખ નથી. અને ચૈતન્યતત્ત્વમાં ઉપયોગને એકાગ્ર કરીને તેનું ધ્યાન કરવું તે જ ઉત્તમ તપ છે. આવા
આત્મધ્યાન વડે જ મોક્ષ સધાય છે.
ચૈતન્યતત્ત્વને ચૂકીને, પરનું ધ્યાન એટલે કે પરમાં સુખ છે એવી મિથ્યાબુદ્ધિ તે દુઃખનું મૂળ છે. ચૈતન્યના
સુખને ચૂકીને, બાહ્યમાં સુખબુદ્ધિથી જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. તે દુઃખ મટવાનો ઉપાય શું? સંતો તેનો
ઉપાય બતાવતાં કહે છે કે અરે જીવ! તારો આત્મા જ સુખસ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છે, જગતના બાહ્ય
વિષયોમાં ક્યાંય તારું સુખ નથી, ને બાહ્ય પદાર્થો તરફની લાગણીમાં પણ સુખ નથી.
લક્ષ્મી, રૂપાળું શરીર, મિષ્ટાન્ન, સોનું–ચાંદી કે હીરા–માણેક વગેરે જડ વસ્તુઓમાં સુખનો અંશ પણ કદી
નથી,