Atmadharma magazine - Ank 190
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૯૦
આત્માનો પરમસ્વભાવ જ મોક્ષનું નિશ્ચયકારણ છે, ને નિશ્ચયરત્નત્રય મોક્ષમાર્ગ તે મોક્ષનું વ્યવહારકારણ છે.
આત્મા સહજજ્ઞાનના વિલાસરૂપ છે; તેનો વિલાસસદા આનંદરૂપ છે. સમ્યગ્દર્શન થતાં કે કેવળજ્ઞાન થતાં
જે આનંદનું વેદન થયું તે આનંદ ક્યાંથી આવ્યો? પરમ વીતરાગ આનંદ સાથે આત્મા સદા એકમેક છે તેમાંથી
જ આનંદ પ્રગટયો છે. એ જ પ્રમાણે પરમ ચૈતન્યશક્તિરૂપ વીર્ય પણ આત્મામાં અપ્રતિહતપણે ત્રિકાળ
નિરાવરણ છે. તે જ પૂર્ણ આત્મબળનું દાતાર છે. વળી યથાખ્યાત ચારિત્રનું દાતાર એવું પરમ ચારિત્ર આત્મામાં
સદા અંતર્મુખપણે વર્તી જ રહ્યું છે અને ‘શ્રદ્ધા’ પણ ત્રિકાળ અવિચ્છિન્નપણે આત્મામાં સદા નિકટ રહેલી છે–
તેનો કદી વિરહ નથી, તે નિકટવર્તી શ્રદ્ધાશક્તિ જ સમ્યક્ત્વની દાતાર છે. આ રીતે ભગવાન આત્મા
અનંતચતુષ્ટયનો નાથ છે. આ અનંત ચતુષ્ટયના નાથને સહજજ્ઞાનરૂપે વિલસતો ભાવવો. આવા સ્વભાવની
ભાવના તે મોક્ષમાર્ગ છે, ને તેનું ફળ મોક્ષ છે.
આ રીતે અનંત ચતુષ્ટયના નાથ ભગવાન આત્માને સહજજ્ઞાનના વિલાસરૂપે ભાવવાનો સંતોનો ઉપદેશ
છે. હવે ‘આ ઉપદેશ કેવો છે–તે કહેશે.
(આ ગાથાઓના છ વિષયોમાંથી પાંચમો વિષય અહીં પૂરો થયો.)
* બ્રહ્મોપદેશ *
જ્ઞાયકમૂર્તિ આત્માના સ્વભાવરૂપ જે કારણસ્વભાવ જ્ઞાન છે તે સહજ છે, સ્વરૂપ–પ્રત્યક્ષ છે, સાક્ષાત્
મોક્ષનું મૂળ છે, જીવના પરમસ્વભાવરૂપ છે, અને તે જ ઉપાદેય છે; માટે આવા સહજજ્ઞાનના વિલાસરૂપે
અનંતચતુષ્ટયના નાથ આત્માને ભાવવો–એવો સંતાનો ઉપદેશ છે.
જુઓ, આ વીતરાગી સંતોનો બ્રહ્મોપદેશ! કેવો છે આ બ્રહ્મોપદેશ! કે સંસારરૂપી લતાનું મૂળ છેદી
નાંખનારો છે. જેમ દાતરડું વેલાના મૂળને છેદી નાંખે છે તેમ ચૈતન્યવિલાસરૂપ આત્માની ભાવનાનો આ
બ્રહ્મોપદેશ સંસારરૂપી લતાના મૂળને છેદી નાંખવા માટે દાતરડા જેવો છે. જે જીવ આ ઉપદેશ ગ્રહણ કરીને
આત્માની ભાવના ભાવે છે તેનો સંસાર છેદાઈ જાય છે, ને પહેલાં જે અનાથ હતી એવી મુક્તિસુંદરીનો તે નાથ
થાય છે.
બાર ગાથા ટીકા કરતાં કરતાં ટીકાકાર પ્રદ્મપ્રભ મુનિરાજને આત્માના સહજ સ્વભાવની ભાવનાનો
આહ્લાદ આવતાં કહે છે કે–“આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ
કર્યો” બ્રહ્મોપદેશમાં શું કહ્યું? સ્વભાવ–ચતુષ્ટયથી સહિત એવા કારણ પરમાત્માને ભાવવો–એમ કહ્યું. આ
કારણપરમાત્મા તે મુક્તિસુંદરીનો નાથ છે; મોક્ષ વગેરે નિર્મળ પર્યાયોનો બીજો કોઈ નાથ નથી, બીજા કોઈનું
તેને અવલંબન નથી; આત્મા જ તેનો નાથ છે, આત્માનું જ તેને અવલંબન છે.–આવા આત્માને ભાવવો–એમ
વીતરાગી સંતોનો બ્રહ્મોપદેશ છે. આનાથી વિરુદ્ધ રાગની કે વ્યવહારની ભાવના કરવાનો જે ઉપદેશ છે તે
બ્રહ્મોપદેશ નથી પણ મિથ્યાદ્રષ્ટિનો ભ્રમોપદેશ છે. અહીં તો ભ્રમણા છેદવાનો બ્રહ્મોપદેશ કર્યો કે રાગ કે વ્યવહાર
તે કોઈ ઉપાદેય નથી, માટે તેની ભાવના છોડાવી, ને અંતર્મુખ થઈને સહજ ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવના
કરવી. ભાવના એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન ને લીનતા, તેના વડે સંસારનું મૂળ છેદાઈ જાય છે, સંસારનું મૂળ
ભ્રમણા છે, તે ભ્રમણા આ બ્રહ્મોપદેશવડે છેદાઈ જાય છે.
જેમ સમયસારમાં ૧૨ ગાથા સુધી પીઠિકા છે ને પછી પંદર ગાથા સુધી અલૌકિક વાત છે.... પંદરમી
ગાથામાં તો ‘જિનશાસન’ ની અલૌકિક વાત કરી છે; તેમ આ નિયમસારમાં પણ ૧૨ ગાથા પૂરી થતાં ટીકાકાર
મહામુનિ કહે છે કે ‘.....આ બ્રહ્મોપદેશ કર્યો....” હજી પંદરમી ગાથા સુધી કારણશુદ્ધપર્યાય સંબંધ સરસ વાત
આવશે...પંદરમી ગાથામાં તો કારણશુદ્ધપર્યાયની અલૌકિક વાત કહેશે. અહો! સંતોના હૃદય બહુ ઊંડા છે.
‘આમાં બહુ સૂક્ષ્મ ઉપદેશ છે’ એમ બતાવવાના આશયથી ટીકાકારે આને ‘બ્રહ્મોપદેશ’ કહ્યો છે. બ્રહ્મ–
આનંદસ્વરૂપ જે આત્મા તેની ભાવનાનો આ ઉપદેશ છે. આ બ્રહ્મોપદેશ સમજીને જે જીવ આત્મસ્વભાવની
ભાવના કરશે તેને સંસારનું મૂળ છેદાઈ જશે......ને તે મુક્તિ પામશે.
વીતરાગી સંતોનો બ્રહ્મોપદેશ જયવંત વર્તો