શ્રાવણઃ ૨૪૮પઃ ૧૭ઃ
દક્ષિણ દેશના તીર્થધામોની યાત્રા કરીને
પાછા ફરતાં ચૈત્ર વદ પાંચમે પૂ. ગુરુદેવ
સંઘસહિત ચાંદખેડી પધાર્યા હતા. અહીં એક
વિશાળ જિનાલય છે.....નદીકિનારે રળિયામણા
વાતાવરણમાં મંદિર છે; મંદિરના ભોંયરામાં
સવા છ ફૂટ વિશાળ પદ્માસને આદિનાથ પ્રભુ
બિરાજે છે, તેમજ મહાવીરાદિ ભગવંતો બિરાજે
છે. આ પ્રાચીન જિનબિંબોની મુદ્રા ખૂબ જ
ઉપશાંત ભાવવાહી છે. આ ઉપરાંત વિદેહીનાથ
સીમંધરપ્રભુના સમવસરણની રચના તેમજ
તેમાં ઉપસ્થિત શ્રી કુંદકુંદાચાર્યદેવના પ્રતિમાજી
છે. આવા ચાંદખેડી ક્ષેત્રમાં પૂ. ગુરુદેવનું આ
પ્રવચન છે. ગુરુદેવ પધારતાં આસપાસના
અનેક ગામોથી સેંકડો જિજ્ઞાસુઓ આવ્યા હતા.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ અનાદિઅનંત છે, તે દેહથી ભિન્ન છે. તેની શ્રદ્ધા અને જ્ઞાન કરીને તેની
સ્વાનુભૂતિ વડે અતીન્દ્રિયઆનંદનું ભોજન કરવું તે ચાર ગતિના ભ્રમણથી છૂટવાનો માર્ગ છે.
‘नमः समयसाराय
स्वानुभूत्या चकासते’
સ્વાનુભૂતિથી પ્રકાશમાન એવો જે શુદ્ધઆત્મા તેને નમસ્કાર હો...વિકારમાં અનાદિથી નમતો હતો એટલે
કે તે તરફ ઢળતો–પરિણમતો હતો, તેને બદલે સ્વસન્મુખ થઈને ચૈતન્યસત્તાનો સ્વીકાર કરીને તેમાં નમ્યો એટલે
કે સ્વભાવ તરફ ઢળ્યો, તેમાં પરિણમ્યો, તે મોક્ષમાર્ગ છે, તે અપૂર્વમંગળ છે.
અનાદિકાળથી આત્મા ચાર ગતિના પરિભ્રમણમાં રખડી રહ્યો છે, પોતાની ભૂલથી જ તે રખડે છે, કોઈ
બીજાએ તેને રખડાવ્યો નથી. ચાર ગતિના દુઃખથી છૂટકારો કેમ થાય તેની આ વાત છે. દુઃખ તે સ્વાભાવિક
ભાવ નથી, પણ આત્માના આનંદસ્વભાવનો વિભાવ તે દુઃખ છે. પોતે વિભાવ જીવે પોતે કર્યો છે; જડમાં સુખ
નથી તેમ તેના વિભાવરૂપ દુઃખ પણ નથી. જીવે અજ્ઞાનપણે પોતાના વિભાવથી દુઃખ ઊભું કર્યું છે. પોતાની જ
ભૂલથી પોતે દુઃખી હોવા છતાં બીજા ઉપર દોષ ઢોળવો કે કર્મોએ મને દુઃખી કર્યો એમ માનવું–તે અનીતિ છે. જો
જૈનશાસનને સમજે તો એવી અનીતિ સંભવે નહીં. આચાર્યભગવાન કહે છે કે અરે જીવ! રાગ–દ્વેષ–મોહવડે
મલિનચિત્તથી જ તું સંસારભ્રમણ કરી રહ્યો છે. તારો ચિદાનંદસ્વભાવ પવિત્ર છે, તે રાગ–દ્વેષમોહરહિત
સ્વભાવનું તેં કદી લક્ષ પણ કર્યું નથી. એકવાર ચિદાનંદસ્વભાવને લક્ષમાં લઈને તેનું ચિંતન કર, તો તને તારા
અતીન્દ્રિયઆનંદનો અનુભવ થશે.
જીવે યથાર્થપણે–રુચિ પ્રગટ કરીને–ચિદાનંદસ્વરૂપની વાત પણ કદી સાંભળી નથી..... સાંભળવા મળ્યું
ત્યારે તેની રુચિ ન કરી; કામ–ભોગ–બંધનની જ રુચિ રાખી