Atmadharma magazine - Ank 190
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
શ્રાવણઃ ૨૪૮પઃ પઃ
નિજપદ દેખાડીને આચાર્યદેવ જગાડે છે
હે જીવો! હવે તો જાગો
(દક્ષિણયાત્રા દરમિયાન અમરાવતીમાં
પૂ. ગુરુદેવનું પ્રવચનઃ તા. પ–૪–પ૯)
અનાદિકાળથી પોતાના સ્વરૂપને ભૂલીને આજસુધી જીવે અજ્ઞાનથી સંસારભ્રમણ કર્યું છે, રાગમાં
તન્મય થઈને સૂતેલા તે જીવને જાગૃત કરતાં આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અજ્ઞાનથી અંધ થઈને
રાગને જ પોતાનું પદ માનીને તેમાં તમે સૂતા છે, પરંતુ તે તમારું પદ નથી....નથી....માટે હવે તો તમે
જાગો.....ને રાગ વગરનું શુદ્ધ ચૈતન્યપદ તમારું છે–તેને ઓળખો. રાગને નિજપદ માનીને અત્યાર સુધીનો
કાળ સંસારપરિભ્રમણમાં ગુમાવ્યો....પરંતુ હવે તો જાગો.........ને આ શુદ્ધચૈતન્યમય જે નિજપદ છે તેને
સંભાળો.–
आसंसारात् प्रतिपदमिदं रागिणो नित्यमत्ताः
सुप्त यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधा।
एतैतेतः पदमिदमिदं शुद्धचैतन्यघातोः
शुद्ध शुद्ध स्वरसभरतः स्थायिभावत्वमेति।।
(શ્રી સમયસાર કળશ ૧૩૮)
નિજ પદને ચૂકીને જીવને બહારનો ને રાગનો મહિમા આવ્યો છે, પણ ચિદાનંદસ્વભાવરૂપ નિજપદ
રાગથી અને સંયોગથી પાર છે તેનો મહિમા કદી આવ્યો નથી.
આચાર્યદેવ કહે છેઃ અરે આત્મા! અત્યારસુધી તેં શું કર્યું? જેમ કોઈ મોટો રાજા દારૂના ઘેનમાં
મસ્ત બનીને ઉકરડા જેવી મલિન જગ્યામાં સુએ ને તેમાં આનંદ માને....પણ તે કાંઈ રાજાનું પદ નથી,
રાજાનું પદ તો સોના–રત્ને જડેલું સિંહાસન છે. તેમ ત્રણ લોકનો શ્રેષ્ઠ પદાર્થ એવો આ ચૈતન્યરાજા
નિજચૈતન્યપદને ભૂલીને, રાગાદિને જ પોતાનું સ્વરૂપ માનતો થકો તે રાગના ઘેનમાં મસ્ત થઈને
ઉકરડાની જેમ વિકારી ભાવોમાં સૂતો છે ને તેમાં સુખ માને છે....પણ તે રાગાદિ કાંઈ ચૈતન્યરાજાને
રહેવાનું ખરૂં પદ નથી. ચૈતન્ય રાજાનું ખરું પદ તો શુદ્ધચૈતન્યધાતુનું બનેલું, ને આનંદરૂપી રત્નોથી જડેલું
છે. આચાર્યદેવ તે પદ બતાવીને જીવને જગાડે છે કે–
અરે અજ્ઞાની અંધ પ્રાણીઓ! અનાદિ સંસારથી માંડીને આજસુધી રાગને નિજપદ માનીને તમે
મોહનિદ્રામાં સુતા...હવે તો જાગો! મનુષ્ય થયા ને આંખો મળી, પરંતુ અંતરના ચૈતન્યચક્ષુ ખોલીને નિજપદને જે
દેખતો નથી તે છતી આંખે અંધ છે.....આચાર્યદેવ કહે છે કે અરે અંધ પ્રાણીઓ! હવે તો તમારાં જ્ઞાનચક્ષુને
ખોલીને તમારા ચૈતન્યનિધાનને નીહાળો!
રાગ અને ચૈતન્યનું ભેદજ્ઞાન કરાવીને આચાર્યદેવ કહે છે કે અરે જીવો! આ બાજુ આવો..... આ બાજુ
આવો....રાગ તરફ ન જાઓ.......પણ ચૈતન્ય તરફ આવો.....રાગ તમારું પદ નથી, તેમાં તમારી શોભા નથી. આ
રાગ વગરનું શુદ્ધચૈતન્ય તે જ તમારું પદ છે ને તેમાં જ તમારી શોભા છે.... માટે તમે આ શુદ્ધ ચૈતન્યને જ
નિજપદ તરીકે દેખો.....ને આ તરફ આવો......આ તરફ આવો. અંતરમાં તમારા ચૈતન્યપદને દેખતાં જ તમારા
જન્મમરણનો અંત આવી જશે ને અપૂર્વ સિદ્ધપદની પ્રાપ્તિ થશે.