ભાદ્રપદઃ ૨૪૮પઃ ૧પઃ
(૯)
(નિયમસાર ગા. ૧૧–૧૨–૧૩)
જેમ પિતા પોતાના વહાલા પુત્રને નિધાનનો વારસો આપે તેમ
પરમપિતા તીર્થંકરો અને સંતો ચૈતન્યનિધાનનો આ વારસો જિજ્ઞાસુ ભવ્ય
જીવોને આપી રહ્યા છે.
જુઓ ભાઈ, આ વિષય એકલા અધ્યાત્મનો છે, અંતરની દ્રષ્ટિનો
પ્રયોજનભૂત આ વિષય છે. પહેલાં તો આત્માની પાત્રતાપૂર્વક જ્ઞાની
ધર્માત્મા પાસેથી ઉત્સાહપૂર્વક આવી વાત સાંભળે, પછી અંતરમાં આત્મા
સાથે મેળવીને તે–રૂપે પરિણમાવવાનો પ્રયત્ન કરે. આત્માની ખરેખરી
લગનીપૂર્વક સ્વભાવ તરફના ઘણા પ્રયત્નથી અંતરમાં પરિણમન થતાં
અપૂર્વ આનંદનું વેદન થાય છે તે આત્મામાં નિઃશંક મોક્ષના કોલકરાર આવી
જાય છે. પછી તે જીવ પરાશ્રયે ધર્મ શોધતો નથી; મારા ધર્મનું, મારા સુખનું,
મારો મોક્ષનું સાધન મારી પાસે વર્તમાન, હાજરાહજૂર છે–એમ તે ધર્માત્મા
જાણે છે.
ભાવના અને તેનું ફળ
ગાથા ૧૧–૧૨ ની ટીકામાં ‘બ્રહ્મોપદેશ’ કરીને શ્રી પદ્મપ્રભ મુનિરાજે આત્માનો પરમ જ્ઞાનસ્વભાવ
બતાવ્યો અને એવા સહજ ચૈતન્યવિલાસરૂપે આત્માની ભાવના કરવાનું કહ્યું.
આવી આત્મભાવનાનો વિશેષ પ્રમોદ આવતાં હવે મુનિરાજ પાંચ કળશ કહીને તે આત્મભાવનાનું ફળ
તેમજ તેનો મહિમા બતાવે છેઃ
હે ભવ્યજીવો! જ્ઞાનના પ્રકારો જાણીને તમે ભેદજ્ઞાન પ્રગટ કરો; સમસ્ત શુભ–અશુભને સંસારનું કારણ
જાણીને અત્યંતપણે છોડો, ને સહજ જ્ઞાનસ્વભાવની ભાવના કરો. સહજ જ્ઞાનસ્વભાવની ભાવનાવડે પુણ્ય–
પાપથી ઉપર જતાં એટલે કે સમસ્ત શુભાશુભથી દૂર જઈને અંર્તસ્વરૂપમાં ઠરતાં ભવ્યજીવ પરિપૂર્ણ
શાશ્વતસુખને પામે છે. સહજ જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવનાનું આ ફળ છે.
જુઓ, આ ધુ્રવપદ પામવાનો ઉપાય! અન્ય લોકોમાં કહેવાય છે કે ભગવાને ધુ્રવને ધુ્રવપદ આપ્યું.–અહીં
ધુ્રવપદનો દાતાર બીજો કોઈ ભગવાન નથી, પરંતુ ધુ્રવ એવો ભગવાન કારણપરમાત્મા, તેનું ધ્યાન કરતાં તે
પોતે પોતાને ધુ્રવપદ (–મોક્ષપદ) આપે છે, માટે બુધ પુરુષોએ અંતરમાં આનંદથી ભરપૂર એવા જ્ઞાનસ્વરૂપ
આત્માને ભાવવો.
જ્ઞાનના ઘણા ભેદ કહ્યા તેને જાણીને શું કરવું? કે ભેદના અવલંબનમાં ન અટકવું; જ્ઞાનના ક્ષણિક ભેદો