Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 17

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૯૨
આચાર્ય ભગવાન છેલ્લે કહે છે કે આ નિયમસારશાસ્ત્ર મેં નિજભાવના અર્થે રચ્યું છે. પરમસ્વભાવી
એવા શુદ્ધ નિજ આત્મતત્ત્વનો ઘણાઘણા પ્રકારે મહિમા કરીને આચાર્યદેવે આ શાસ્ત્રમાં તેની ભાવનાની ધૂન
મચાવી છે. શુદ્ધઆત્માની ભાવનાનું જેવું જોસદાર કથન આ શાસ્ત્રમાં છે તેવું જ અંર્તપરિણમન જેમના
આત્મામાં વર્તી રહ્યું છે–એવા વીતરાગી સન્તોનું આ કથન છે.
શાસ્ત્રનું તાત્પર્ય ‘નિજ ભાવના’ છે; એટલે છ દ્રવ્યોનું કે વિભાવપર્યાયોનું કથન આવે ત્યાં પણ તેને
જાણીને ભાવના તો નિજતત્ત્વની જ કરવાની છે. પરથી અને વિભાવોથી ભિન્ન એવા નિજતત્ત્વને જ પોતાની
નિર્મળ પર્યાયોના કારણરૂપે એટલે કે કારણપરમાત્મારૂપે ભાવવો. તેની ભાવનાથી મોક્ષમાર્ગરૂપ કાર્ય થઈ જાય
છે. આ સંબંધી ઘણું વિવેચન અગાઉ આવી ગયું છે.
જીવ ઉપયોગસ્વરૂપ છે. તે ઉપયોગની પર્યાયોના પ્રકાર વર્ણવીને આચાર્યદેવ જીવનું સ્વરૂપ ઓળખાવે છે.
જ્ઞાનઉપયોગના પ્રકારનું વર્ણન પુરું થઈ ગયું છે; દર્શનઉપયોગની સ્વભાવપર્યાયનું વર્ણન થઈ ગયું છે અને હવે
૧૪મી ગાથામાં તેની વિભાવપર્યાયો જણાવે છે. એ રીતે ‘ઉપયોગ’ ના બધા પ્રકારોનું વર્ણન પૂરું કરીને પછી
પર્યાયના ભેદો કહેશે.
(ગાથા ૧૪)
ચક્ષુ, અચક્ષુ, અવધિ–
ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં;
નિરપેક્ષ, સ્વપરાપેક્ષ
એ બે ભેદ છે પર્યાયના.
કેવળદર્શન તો સ્વભાવપર્યાય છે; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ને અવધિદર્શન એ ત્રણે વિભાવદર્શન છે,
પર્યાયો બે પ્રકારની હોય છે–એક નિરપેક્ષ અને બીજી સ્વ–પરની અપેક્ષાવાળી.
ગાથા ૧૦ થી ૧૩ સુધી ઉપયોગના પ્રકારનું જે વર્ણન કર્યું તે પણ પર્યાયો જ હતી, તેમાં જે
સ્વભાવઉપયોગ હતા તે તો નિરપેક્ષપર્યાય હતી, અને મતિજ્ઞાનાદિ જે વિભાવઉપયોગ હતા તે સ્વ–પરઅપેક્ષિત
પર્યાય હતી. પરંતુ તેમાં તો જ્ઞાન, દર્શન અને શ્રદ્ધાની પર્યાયોની જ વાત હતી. હવે આખા દ્રવ્યની સ્વભાવપર્યાય
અને વિભાવપર્યાય બતાવવા માટે આ ગાથાથી તેના ભણકારા શરૂ કર્યા છે. પંદરમી ગાથામાં ટીકાકાર
‘કારણશુદ્ધ પર્યાય’ ને ખુલ્લી કરશે.
દર્શનઉપયોગ તો સામાન્ય પ્રતિભાસરૂપ છે; વિભાવજ્ઞાનની જેમ વિભાવદર્શનમાં ‘સમ્યક્’ અને
‘મિથ્યા’ એવા બે પ્રકારો નથી. વિભાવજ્ઞાનના તો સાત પ્રકાર હતા, ત્યારે વિભાવદર્શનમાં તો ત્રણ જ પ્રકાર
છે–ચક્ષુ, અચક્ષુ અને અવધિ. ચક્ષુઇન્દ્રિયના વિષયને જાણતાં પહેલાં ચક્ષુદર્શન થાય છે, ચક્ષુ સિવાયની
ઈંદ્રિયોનાકે મનના વિષયને જાણતા પહેલાં અચક્ષુદર્શન થાય છે. અવધિજ્ઞાનના ઉપયોગ પહેલાં
અવધિદર્શનઉપયોગ થાય છે. પરંતુ મનઃપર્યયજ્ઞાનની પહેલાં મનઃપર્યય નામનો કોઈ દર્શનઉપયોગ હોતો નથી.
આ રીતે વિભાવદર્શનઉપયોગના ત્રણ પ્રકાર છે. સ્વભાવદર્શનઉપયોગના કારણ અને કાર્ય એવા બે પ્રકારોનું
વર્ણન પૂર્વે થઈ ગયું છે.
આ રીતે જીવના લક્ષણભૂત જ્ઞાન અને દર્શન ઉપયોગના સમસ્ત પ્રકારોનું વર્ણન કર્યું. હવે ‘પર્યાય’ ની
વ્યાખ્યા તથા તેના બે પ્રકારો બતાવીને પછી પંદરમી ગાથામાં જીવદ્રવ્યની પર્યાયનું અદ્ભુત વર્ણન કરશે.
(અત્યાર સુધી ‘ઉપયોગગુણ’ ની કારણ અને કાર્યપર્યાયોનું વર્ણન હતું. હવે ‘જીવદ્રવ્ય’ ની પર્યાયોનું વર્ણન
આવશે.)
પર્યાય એટલે શુ? કે ‘परि समन्तात् भेदमेति गच्छतीति पर्य्यायः’ અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે
તે પર્યાય છે. પર્યાયના બે પ્રકારો–એક સ્વભાવપર્યાય અને બીજી વિભાવરૂપ અશુદ્ધપર્યાય.
તેમાં, સ્વભાવપર્યાય છએ દ્રવ્યને હોય છે, તે અર્થ પર્યાયરૂપ છે, વાણી અને મનથી અગોચર છે, અતિ
સૂક્ષ્મ છે, આગમપ્રમાણથી સ્વીકારવા યોગ્ય છે અને છ પ્રકારની વૃદ્ધિ–હાનિ સહિત છે. અહીં જીવનો અધિકાર
હોવાથી જીવના ગુણપર્યાયનું વર્ણન મુખ્ય છે, એટલે છ દ્રવ્યોના ગુણ–પર્યાયોનો વિસ્તાર અહીં નથી કર્યો. જીવ
સિવાયના