Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 17

background image
આસોઃ ૨૪૮પઃ ૧પઃ
અન્ય પાંચ અજીવ દ્રવ્યોના ગુણ–પર્યાયનું વર્ણન અજીવ–અધિકારમાં કર્યું છે.
નર, નારક, મનુષ્ય કે દેવરૂપ વ્યંજનપર્યાયો તે જીવની અશુદ્ધપર્યાયો છે. જો કે મતિજ્ઞાનાદિ
અર્થપર્યાયો પણ જીવની અશુદ્ધ–વિભાવપર્યાયો છે, પરંતુ અહીં તે અર્થપર્યાયોને ‘અશુદ્ધ પર્યાય’ ન
કહેતાં ‘અશુદ્ધ ગુણો’ કે ‘વિભાવગુણો’ કહ્યા છે, ને ‘અશુદ્ધપર્યાયો’ માં તો વ્યંજનપર્યાયોને જ લીધી
છે,–એવી આ શાસ્ત્રની શૈલી છે.
જીવમાં વિભાવપર્યાયો હોવા છતાં તેમને એક બાજુ રાખીને (એટલે કે અભૂતાર્થ કરીને) ભાવના
તો શુદ્ધ નિજતત્ત્વની જ કરવાની છે. તેથી ટીકાકાર મુનિરાજ કહે છે કે, પરભાવ હોવા છતાં.....વિભાવ
પર્યાયો હોવા છતાં. અશુદ્ધતા હોવા છતાં.....એ બધાથી રહિત એવા શુદ્ધ જીવતત્ત્વને જ હું સદા ભાવું છું,
કેમકે તેની જ ભાવનાથી સકળ અર્થની (મોક્ષની) સિદ્ધિ થાય છે. પર્યાયમાં અનેકવિધ વિભાવ હોવા
છતાં તે સર્વેથી જે રહિત છે એવા શુદ્ધ નિજતત્ત્વને મારા હૃદયમાં બિરાજમાન કારણપરમાત્માને હું ભજું
છું, અહીં ધર્માત્માને સંબોધીને મુનિરાજ કહે છે કે હે ભવ્ય શાર્દૂલ! તારા હૃદયમાં તું જે કારણપરમાત્માને
ભજી રહ્યો છે તેને જ ઉગ્રપણે ભજ. જેનાં ભજનથી સમ્યગ્દર્શન આદિ ‘કાર્ય’ થયું તે જ ‘કારણ’ માં
લીન થઈને તેને જ તું ભજ!–અમે પણ એને જ ભજીએ છીએ......ને તું પણ શીઘ્રપણે તેને જ ભજ. એના
ભજનથી મુક્તિ થશે.
ભજન કહો કે ભાવના; આ નિજતત્ત્વની જ ભાવના કરવા જેવી છે. અહા, જુઓ તો ખરા આ ભાવના!
આવી આતમભાવના ભાવતાં જીવ કેવળજ્ઞાન પામે છે.
*
જુઓ, સંસારી જીવોને પર્યાયમાં પુણ્ય–પાપ વગેરે વિકાર છે, મતિજ્ઞાન વગેરે અધૂરી દશા છે, અને
મનુષ્યત્વ વગેરે અશુદ્ધ આકૃતિ (વિભાવ વ્યજંન પર્યાય) છે.–આ ત્રણે પ્રકારના પરભાવો છે, અને તેની સામે
પરમ શુદ્ધ સ્વભાવી એવો ‘કારણઆત્મા’ પણ બિરાજી રહ્યો છે–તો હવે મુમુક્ષુ એવા ઉત્તમ પુરુષોએ શું કરવું?
તે કહે છે; પર્યાયમાં પરભાવો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં તેની ભાવના નથી, ઉત્તમ પુરુષોના
હૃદયમાં એટલે કે સાધક ધર્માત્માઓની દ્રષ્ટિમાં તો સદાય શુદ્ધ એવો ભગવાન કારણઆત્મા જ શોભી રહ્યો છે.
વિભાવ ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ નથી, કારણસ્વભાવ ઉપર જ તેની દ્રષ્ટિ છે; તેની નિર્મળ પર્યાય અંતર્મુખ થઈને
કારણસ્વભાવમાં ઘૂસી ગઈ છે એટલે તે ધર્મીના હૃદયમાં શુદ્ધ કાર્યપરિણિત શુદ્ધ કારણપરમાત્માની સાથે
નિજાનંદની કેલી કરે છે.
જુઓ, આ ઉત્તમ પુરુષોનું હૃદય! જેના હૃદયમાં વિભાવની ભાવના છે, જેની પરિણતિ વિભાવ સાથે કેલિ
કરે છે તે પુરુષ ઉત્તમ નથી, સંસારમાં ભલે તે ગમે તેવો મોટો ગણાતો હોય પણ ધર્મમાં તે ઉત્તમ નથી. ઉત્તમ
ધર્માત્માના હૃદયમાં તો કારણપરમાત્મા જ શોભે છે, તેના હૃદયમાં વિભાવનું સ્થાન નથી, વિભાવોની ભાવના
નથી.
અજ્ઞાનીને પણ ‘કારણઆત્મા’ છે તો ખરો, પણ તેને તેનું લક્ષ નથી, તેની પરિણતિ અંતર્મુખ થઈને તે
કારણની સાથે કેલી નથી કરતી, એટલે તેને તે શુદ્ધ કારણઅનુસાર કાર્ય નથી થતું પણ પરને અનુસરીને
વિકારીકાર્ય થાય છે. જ્ઞાનીને જ તેનું લક્ષ છે, તેથી કહ્યું કે ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણઆત્મા જ શોભે છે.
ખરેખર કારણઆત્માને ભજનારા ધર્માત્માઓ જ જગતમાં ઉત્તમ પુરુષો છે. તેઓ પોતાની પરિણતિને અંતરમાં
વાળીને કારણસ્વભાવને અનુસરતા થકા સમ્યગ્દર્શનાદિ ઉત્તમ કાર્યરૂપે પરિણમે છે.
મુનિરાજ કહે છે કે અમારા સંપૂર્ણ કાર્યની સિદ્ધિ માટે અમે આ કારણપરમાત્માને જ સદાય ભજીએ
છીએ......અને હે ભવ્ય શાર્દૂલ! તું પણ તેને જ ભજ. હૈ ભવ્યરૂપી શાર્દૂલસિંહ! તારું પરાક્રમ તો જો! તું તારા
પરાક્રમને સંભાળ! અંતરમાં કારણપરમાત્માની ભાવના કરવી તેમાં જ તારું પરમ પરાક્રમ છે.....વિભાવોની
ભાવનામાં વીર્યને અટકાવી દેવું એ તો દીનતા છે. જેમ વનમાં વસનારો સિંહ નિર્ભયપણે પોતાની ક્રીડામાં મસ્ત
રહે છે, તેમ હે ભવ્યોત્તમ શાર્દૂલ! તું જગતથી ઉદાસીન નિર્ભય–