Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 17

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૯૨
૧પ. ભાઈ! આ મનુષ્યદેહ કાયમ નહિ રહે, ક્ષણમાં તે વીંખાઈ જશે.....ભેદજ્ઞાન કરીને આત્માનું સંભાળ,
ભાઈ!–એના વિના તને કોઈ શરણ થાય તેમ નથી. જે પરનું કર્તૃત્વ માને છે તે તને કાંઈ શરણરૂપ નહિ થાય;
પરથી ભિન્ન એવું તારું ચૈતન્યતત્ત્વ જ તને શરણરૂપ છે, તેને તું ઓળખ.
૧૬. આ સંસારરૂપી નાટકની રંગભૂમિમાં જીવ અને અજીવ સંયોગપણે એકમેક જેવા દેખાય છે, અનેક
પ્રકારના સ્વાંગથી જાણે કે તેઓ એકબીજાના કર્તા–કર્મ હોય એવા લાગે છે,–ત્યાં અજ્ઞાનીને તે બંને વચ્ચેનો ભેદ
દેખાતો નથી, પણ જ્ઞાની પોતાના ભેદજ્ઞાનના બળે તે બંનેને ભિન્ન ભિન્ન જાણી લે છે; ને ભિન્ન ભિન્ન જાણતાં
તેઓ જુદાં પડી જાય છે.
૧૭. દેવકી માતાના છ પુત્રો (ત્રણ યુગલ) મુનિ થયા છે. છએ મુનિઓ ચૈતન્યના જ્ઞાનધ્યાનમાં, મસ્ત,
જાણે હાલતાચાલતા સિદ્ધ હોય....એવા છે; મહાસુંદર રૂપ એક સરખું છે. એક વાર બબ્બે મુનિઓ વારાફરતી
દેવકીમાતાને ત્યાં આહાર માટે પધારે છે. તેમને દેખીને દેવકીમાતાને આશ્ચર્ય થાય છે ને પુત્ર જેવો સ્નેહ
ઊભરાય છે. તેને મનમાં એમ થાય છે કે–અરે, આ તે જ બે મુનિઓ ફરીફરીને ત્રીજી વાર મારે ત્યાં કેમ
પધાર્યા! અને મને તેમના પ્રત્યે આટલો બધો સ્નેહ કાં ઊભરાય છે! મારા કૃષ્ણ જેવા છ–છ પુત્રોને જન્મ દેનારી
મહાભાગ્યવંત માતા આ જગતમાં કોણ છે!–પછી તો ભગવાન નેમિનાથના શ્રીમુખે તે છએ મુનિઓનું વૃત્તાંત
સાંભળે છે કે તે જ બે મુનિઓ ત્રણ વખત નહોતા આવ્યા, પણ ત્રણે વખતે જુદા જુદા મુનિઓ હતા, અને પોતે
જ તે છએ મુનિવરોની માતા હતી!–ત્યારે તે હર્ષિત થાય છે. જુઓ, દેવકીએ છ પુત્રો જુદા હતા છતાં જુદા ન
જાણ્યા, ને છ પુત્રો પોતાના હતા છતાં પારકા લાગ્યા.
તેમ, આ જગતમાં છ મુનિઓની જેમ છએ દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, કોઈને કોઈની સાથે કર્તાકર્મપણું નથી;
પણ અજ્ઞાની જીવ મોહથી સ્વ–પરને એકમેકપણે માને છે, અને પર સાથે કર્તાકર્મની બુદ્ધિથી તે પોતાની પ્રજાને
(–પર્યાયને) પરની માને છે, તેથી તે દુઃખી થાય છે. ભગવાનની વાણીદ્વારા સ્વ–પરને ભિન્ન ભિન્ન ઓળખીને
ભેદજ્ઞાન કરતાં વેંત જ તેને સ્વદ્રવ્યના અનુભવથી અતીન્દ્રિય આનંદ ઉલ્લસે છે.
૧૮ ‘સુદ્રષ્ટિ તરંગિણિ’ માં છ દ્રવ્યોની ભિન્નતા વિષે છ મુનિઓનું સરસ દ્રષ્ટાંત આપ્યું છેઃ જેમ
એક ગુફામાં છ મુનિરાજ બહુ કાળથી રહે છે, પરંતુ કોઈ કોઈથી મોહિત નથી, ઉદાસીનતા સહિત એક
ક્ષેત્રમાં રહે છે; તેવી જ રીતે છ દ્રવ્યો એક લોકક્ષેત્રમાં જાણવા. આ જગતરૂપી ગુફામાં જીવાદિ છ દ્રવ્યો
અનાદિથી પોતપોતાના ગુણ–પર્યાય સહિત પોતપોતાના સ્વભાવમાં રહેલાં છે; એક જગ્યાએ તેઓની
સ્થિતિ છે પરંતુ કોઈ એકબીજામાં મળી જતાં નથી. એવો જ અનાદિ વ્યવહાર છે કે કોઈ દ્રવ્ય અન્ય
દ્રવ્યની સાથે મળી જતું નથી, કોઈના ગુણ અન્યના ગુણ સાથે મળી જતા નથી, કોઈની પર્યાય અન્યની
પર્યાય સાથે મળી જતી નથી.–આવી જ ઉદાસીનવૃત્તિ છે. વસ્તુનો આવો નિરપેક્ષ સ્વભાવ અહીં છ
વીતરાગી મુનિઓના દ્રષ્ટાંતથી સમજાવ્યો છે. એક ગુફામાં છ વીતરાગી મુનિઓ રહે છે, છએ મુનિઓ
પોતપોતાના સ્વરૂપસાધનમાં જ લીન છે, કોઈને કોઈ ઉપર મોહ નથી; છએ વીતરાગી મુનિઓ
એકબીજાથી નિરપેક્ષપણે સ્વરૂપસાધનામાં જ લીન છે; તેમ આ લોકરૂપી ગુફામાં છએ દ્રવ્યો વીતરાગી
મુનિઓની માફક એકબીજાથી નિરપેક્ષપણે રહેલાં છે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી; સૌ
પોતપોતાના ગુણ–પર્યાયમાં જ રહેલાં છે.
૧૯. –આવો નિરપેક્ષ વસ્તુસ્વભાવ હોવા છતાં અજ્ઞાની જીવ ભ્રમણાથી એમ માને છે કે હું પરનો કર્તા ને
પર મારું કાર્ય. પર સાથે કર્તાકર્મપણાની વાત તો દૂર રહો–અહીં તો અંદરના વિકારી ભાવો સાથે પણ ભેદજ્ઞાન
કરાવીને તે વિકારીભાવો સાથેના કર્તાકર્માપણાની બુદ્ધિ છોડાવે છે.