Atmadharma magazine - Ank 192
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 17

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૯૨
છે–એમ નથી, પણ તેને પોતાને અજ્ઞાનભાવથી વિકારનો કર્તા થવાની ટેવ પડી ગઈ છે તેથી તે વિકારના
કર્તાપણે પરિણમે છે.–આ અજ્ઞાનીની ક્રિયા છે,–કે જે સંસારનું કારણ છે.
૪૧. જેમ ગાડાનું ધોંસરૂં ઉપાડવા ટેવાયેલો બળદ, ધોંસરૂં ઊંચું થતાં જ ત્યાં પોતાની ડોક નાંખે છે, તેમ
વિકારના કર્તાપણાથી ટેવાયેલો અજ્ઞાની વિકારમાં એકતા કરીને પરિણમતો થકો સંસારરૂપી ધોંસરામાં પોતાને
જોડે છે. વિકારના કર્તાપણાનો આ અધ્યાસ, જ્ઞાનસ્વભાવના વારંવાર અભ્યાસવડે છૂટી શકે છે; કેમકે
વિકારક્રિયા આત્માના સ્વભાવભૂત નથી તેથી તે છૂટી શકે છે.
૪૨. શાસ્ત્રોમાં નિશ્ચયનું અને વ્યવહારનું બધું કથન છે, ત્યાં અનાદિના વ્યવહારથી ટેવાએલો મૂઢ
અજ્ઞાની જીવ, નિશ્ચયને તરછોડીને એકાન્ત વ્યવહારને પકડી લ્યે છે,–એ સતી સ્ત્રીને તરછોડીને વેશ્યા
પાસે જવા જેવું છે. એકલા પરાશ્રયમાં ભમતી બુદ્ધિને શાસ્ત્રમાં વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. આત્માનો
જ્ઞાયકસ્વભાવ સત્–જેમાં પરનો સંગ નથી, સતી જેવો પવિત્ર–જેમાં વિકારી પરભાવની છાંયા પણ
નથી,–એવા સ્વભાવનો સંગ છોડીને જે વિકારના સંગમાં જાય છે તે જીવ બર્હિદ્રષ્ટિ–અજ્ઞાની થયો થકો
ક્રોધાદિરૂપે પરિણમે છે.
૪૩ સતી અંજનાના પતિ પવનકુમારે ૨૨–૨૨ વર્ષ સુધી તેની સામે જોયું નહિ, તેને તરછોડી...પણ
સતીના મનમાં પતિના આદર સિવાય બીજો વિચાર નથી. અંતે પવનકુમારને પસ્તાવો થાય છે કેમ મે
વિનાકારણ સતીને તરછોડી.....તેમ ‘પવન’ જેવો ચંચળ અજ્ઞાની જીવ અનાદિથી જ્ઞપ્તિ–ક્રિયારૂપ સતીને
તરછોડીને વિકારનો કર્તા થાય છે.....તેને શ્રી ગુરુ સમજાવે છે કે અરે મૂઢ! આ વિકારક્રિયા તારી નથી, તારી તો
જ્ઞપ્તિક્રિયા જ છે, તે જ તારા સ્વભાવભૂત છે.....માટે તેમાં તન્મય થા અને વિકારનું કર્તૃત્વ છોડ.–શ્રી ગુરુના
ઉપદેશથી આ પ્રમાણે ભેદજ્ઞાન થતાંવેંત જીવ પોતાની સ્વભાવભૂત જ્ઞપ્તિક્રિયારૂપે પરિણમે છે, ને વિભાવભૂત
એવી વિકારક્રિયાના કર્તાપણાનો ત્યાગ કરે છે.
૪૪. જુઓ, આ જમણ! જેમ મોટા ઉત્સવમાં મેસુબ વગેરે જમણ પીરસાય છે તેમ અહીં મોક્ષના
મહોત્સવમાં સંતો આખા જગતને સાગમટે આમંત્રીને ભેદજ્ઞાનના અપૂર્વ જમણ પીરસે છે.–કોણ જમવા
ન આવે! અરે, માંદો હોય ને મેસુબ ન પચે તો છેવટ દાળભાત પણ ખાય. તેમ આ તત્ત્વ સમજીને
સાક્ષાત્ ભેદજ્ઞાનરૂપ પરિણમવું તે તો મેસુબના ભોજન જેવું છે–તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે
છે; ને એટલું ઝટ ન થઈ શકે તો, તેની ભાવના રાખીને ‘આ કરવા જેવું છે’ એટલું લક્ષ બાંધવું તે પણ
દાળભાત જમવા જેવું છે, તેનાથી પણ ચૈતન્યને પોષણ મળી રહેશે.–પણ આનાથી ઉલટું માનવું તે તો
ભૂંડનો ખોરાક આરોગવા જેવું છે. હે ભાઈ, સંતો તને આત્માનું સાચું ભોજન જમાડે છે–કે જેના સ્વાદથી
તને અતીન્દ્રિય આનંદરસનો અનુભવ થશે–માટે એક વાર તેનો રસિયો થા.....ને જગતના બીજા રસને
છોડ!
૪પ. ચૈતન્યસ્વરૂપ આત્મા તો પોતાની સહજ ઉદાસીન જ્ઞાનઅવસ્થારૂપે થવાના સ્વભાવવાળો
છે....પણ અજ્ઞાનીજીવ પોતાની તે અવસ્થાનો ત્યાગ કરીને, જ્ઞાનથી વિરુદ્ધ એવા ક્રોધાદિ અજ્ઞાનભાવરૂપે
પરિણમે છે, તેથી તે ક્રોધાદિનો કર્તા છે, અને તે ક્રોધાદિ તેનું કર્મ છે. તેના આ કર્તાકર્મની પ્રવૃત્તિનું ફળ
સંસાર છે; એટલે અજ્ઞાનીની ક્રિયા સંસારને માટે ‘સફળ’ છે,–તે ક્રિયા સંસારરૂપી ફળ દેનારી છે, પણ
મોક્ષને માટે તે નિષ્ફળ છે.
૪૬. ધર્માત્મા જાણે છે કેઃ જીવન વખતે, મરણ વખતે, કે પરલોકમાં, સર્વત્ર મને મારો આત્મા જ શરણ
છે; મારો આત્મા સહજ ઉદાસીન જ્ઞાનઅવસ્થારૂપ પરિણમવાના સ્વભાવવાળો છે, એનાથી બીજો કોઈ મારો
સ્વભાવ નથી.–આવા ભાનમાં ધર્મી જીવ પોતાના જ્ઞાનભાવરૂપે જ પરિણમે છે,–અજ્ઞાનવેપારરૂપ ક્રોધાદિરૂપે તે
પરિણમતો નથી.